સુરતમાં OYO હોટલના રૂમમાં યુવક સાથે નવા વર્ષની ઉજવણી કરવા ગયેલી યુવતી રાત્રે સૂતા બાદ ઊઠી જ નહીં, હોસ્પિટલમાં મૃત જાહેર કરાઈ
સુરત શહેરના પીપલોદ વિસ્તારની ઓયો હોટલના રૂમમાંથી બેભાન મળી આવેલી કતારગામની યુવતીને સિવિલ હોસ્પિટલમાં મૃત જાહેર કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુવતી પારિવારિક સંબંધી એવા યુવક સાથે નવા વર્ષની ઉજવણી કરવા હોટલમાં ગઈ હતી. જોકે રાત્રે સૂતા બાદ સવારે નહીં ઊઠતાં યુવકે યુવતીના પરિવારને જાણ કરી હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
હાલ યુવતીના મોતને લઈને રહસ્ય સર્જાયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે. જોકે પોસ્ટમોર્ટમ બાદ પણ મોતનું કારણ અકબંધ રહ્યું છે. કેમિકલ અને હિસ્થોપેથો માટે સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે અને મૃત્યુનું કારણ પેન્ડિંગ રાખ્યું છે.
કતારગામ વિસ્તારમાં આવેલી ગોપીનાથ સોસાયટીમાં તન્વી દિલીપભાઈ ભાદાણી(ઉં.વ.22) પરિવાર સાથે રહેતી હતી. તન્વી હેલ્થ પ્રોડક્ટના માર્કેટિંગના કામ સાથે સંકળાયેલી હતી. તન્વી પારિવારિક સંબંધી પંકજ ગોહિલ નામના યુવકના સંપર્કમાં હતા, જે અંગે તેનો પરિવાર પણ જાણતો હતો. દરમિયાન ગત રોજ નવા વર્ષની ઉજવણી માટે તન્વી અને પંકજ પીપલોદ વિસ્તારમાં આવેલી ઓયો હોટલમાં ગયાં હતાં.
મૃતક યુવતી સાથે હોટલ રૂમમાં રહેલો પંકજ ગોહિલ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું કહી રહ્યો છે. પંકજ ગોહિલ સાથે હોટલમાં નવા વર્ષની ઉજવણી કર્યા બાદ આજે સવારે તન્વી ઊંઘમાંથી નહિ જાગતાં પરિવારને જાણ કરી 108માં સિવિલ લઈ આવ્યાં હતાં, જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી. તન્વી અને પંકજે હોટલ ઓયોના ચોથા માળે 410 નંબરના રૂમમાં રાત્રિ રોકાણ કર્યું હતું.
પરિવારની એકની એક દીકરીના રહસ્ય મોતથી પરિવારમાં માતમ
મૃતક તન્વીના પિતા દિલીપભાઈ ભાદાણી ડાયમંડ પાર્ટ્સની દુકાન ચલાવે છે. તન્વી પરિવારની એકની એક દીકરી હતી. તન્વી અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી, જેથી તે હેલ્થ પ્રોડક્ટના માર્કેટિંગના કામ સાથે સંકળાયેલી હતી. તન્વીના રહસ્યમય મોતને લઈને પરિવારમાં માતમ છવાઈ ગયો છે. જોકે પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે.
મૃતક તન્વી અને પંકજ એક જ રૂમમાં હતા
ઓયો હોટલના મેનેજરના જણાવ્યા પ્રમાણે, ગત રોજ તન્વીના નામ પર જ રૂમ બૂક હતો. હોટલ તરફથી કોઈ સેલિબ્રેશન ન હતું. તેમનું પર્સનલ સેલિબ્રેશન હતું. બંનેએ 410 નંબરના રૂમમાં રોકાણ કર્યું હતું. યુવતી હોટલના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
પંકજ ગોહિલે જણાવ્યું હતું કે, તન્વીની મારી સાથે કામ કરતી હતી. અમે ન્યુ યરની ઉજવણી માટે ઓયો હોટલમાં ગયા હતા. રાત્રે કેક કાપી એક વાગ્યા આસપાસ સૂઈ ગયા હતા. સવારે આઠ વાગ્યે તેણીને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેણી જાગી ન હતી. જેથી તેના માતા-પિતાને ફોન કરી બોલાવી લીધા હતા. ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તન્વીને મૃત જાહેર કરી હતી. તેણીના શ્વાસ ચાલતા ન હતા. જેથી ગભરાઈ ગયો અને તાત્કાલિક તેના માતા-પિતાને જાણ કરી હતી.
મૃતક તન્વીના ભાઈ યશ ભાદાણીએ જણાવ્યું હતું કે, પંકજ ગોહિલ મારા સર છે અને અમારા પારિવારિક સંબંધ છે. મારે કંઈ નથી આપવું કે નહીં કહેવું.
ડો. મંડલે ( પોસ્ટમોર્ટમ કરનાર તબીબ, સુરત સિવિલ હોસ્પિટલ) જણાવ્યું હતું કે, મૃતક તન્વીના હૃદયમાંથી લોહી જામી ગયેલી હાલતમાં મળી આવ્યું છે અને હોજરીમાંથી પાણી મળી આવ્યું છે. એટલે કેમિકલ અને હિસ્થોપેથો માટે સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે અને મૃત્યુનું કારણ પેન્ડિંગ રાખ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું કારણ કહીં શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

