21 વર્ષની યુવતીના હાથ એક્સિડન્ટમાં કપાય ગયા હતા, પછી ડૉક્ટરે લગાવ્યા પુરુષના હાથ, હવે થઈ રહ્યો છે ચમત્કાર

પૂણેની 21 વર્ષની શ્રેયાએ ક્યારેય નહોતું વિચાર્યું કે પોતાના બંને હાથ ગુમાવ્યા બાદ તે જીવનમાં ક્યારેય ફરી એકવાર પેન પકડીને લખી શકશે. 2016માં તે કોલેજ જઈ રહી હતી ત્યારે તેની બસને ભયાનક અકસ્માત થયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલી શ્રેયાને બચાવવા ડોક્ટરોએ તેના બંને હાથના પંજા કાપવા પડ્યા હતા. હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરાવવા શ્રેયાએ 2017માં કોચીની અમૃતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIMS)નો સંપર્ક કર્યો હતો. જોકે, તેને ડોનર મળવો ખૂબ મુશ્કેલ હતો.

આખરે ઓગસ્ટ 2017માં શ્રેયાને એક ડોનર મળી ગયો. જે કેરળનો 20 વર્ષનો એક યુવક હતો. તેનું મોત થતાં તેના પરિવારજનો તેના હાથ શ્રેયાને આપવા માટે તૈયાર થઈ ગયા હતા. જોકે, પુરુષના હાથ સ્ત્રીનું શરીર સ્વીકારશે કે કેમ તે ડોક્ટરો માટે પણ મોટો સવાલ હતો. કારણકે, દુનિયામાં આવું ટ્રાન્સપ્લાન્ટ હજુ સુધી ક્યાંય નથી થયું. આખરે ડોક્ટરોએ જે કંઈ પણ માહિતી મળી શકી તે એકત્ર કરી શ્રેયાનું હેન્ડ ટ્રાન્સ્પ્લાન્ટ કરી દીધું, અને શ્રેયાના શરીરે એક પુરુષના હાથ સ્વીકારી પણ લીધા.

નવા હાથ મળ્યા બાદ શ્રેયાને ઘણો સમય તેની સાથે એડજસ્ટ થવા આપવો પડ્યો. હાથ તો તેના શરીર સાથે જોડાઈ ચૂક્યા હતા, પરંતુ તેમાં હવે ધીરેધીરે સંવેદના આવવા લાગી હતી. ખાસ્સા સમય બાદ તે પોતાના નવા હાથની આંગળીઓ પણ હલાવી શકવા સક્ષમ બની હતી. જોકે, આ ટ્રાન્સ્પ્લાન્ટ બાદ હવે તેના હાથમાં કંઈક એવા ફેરફાર જોવા મળી રહ્યા છે કે જેને જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત છે.

શ્રેયાનો વર્ણ ગોરો છે. જ્યારે તેને જે યુવકના હાથ લગાવવામાં આવ્યા હતા તેની ચામડી શ્યામ વર્ણની હતી. શ્રેયાને ક્યારેય તેની સામે કોઈ વાંધો હતો જ નહીં, તે તો બસ નવા હાથ મેળવીને જ ખુશ હતી. પરંતુ છેલ્લા એક વર્ષમાં તેના નવા હાથની કાળી ચામડી શ્રેયાના વર્ણ જેવી જ ગોરી થઈ ગઈ છે. તેના હાથમાં સ્ત્રી જેવી નમણાશ પણ આવી ગઈ છે, તે એટલા બદલાઈ ચૂક્યા છે કે તેને જોઈ કોઈ કહી જ ન શકે કે એક સ્ત્રીના શરીરમાં લગાવાયેલા આ હાથ પુરુષના છે.

પોતાના અનુભવને શેર કરતા શ્રેયાએ એક અખબારને જણાવ્યું હતું કે સચિન નામના એક બ્રેઈનડેડ યુવકના હાથ તેનામાં ટ્રાન્સ્પ્લાન્ટ કરાયા હતા. 9 ઓગસ્ટ 2017ના રોજ તેના પર 13 કલાક લાંબી સર્જરી ચાલી. જેમાં પહેલા તો સચિનના હાથને હાડકાથી, અને ત્યારબાદ લોહીનું વહન કરતી નસો અને છેલ્લે નાજુક મસલ્સથી જોડવામાં આવ્યા. આ જટીલ પ્રક્રિયા પૂરી થયા બાદ ચામડીમાં ટાંકા લઈ હાથ જોડવાની સર્જરી પૂર્ણ કરવામાં આવી.

20 સર્જન અને 16 એનેસ્થેશિયનની ટીમે આ સૌથી અઘરા ઓપરેશનને સફળતાથી પૂરું પાડ્યું હતું. સર્જરી બાદ શ્રેયાને દોઢ વર્ષ કોચીમાં જ રહેવું પડ્યું. હાથ જોડાઈ તો ગયા હતા, પરંતુ તેમાં સંવેદના નહોતી. રોજ એક-એક MM સ્કીનમાં સંવેદના આવતી હતી. શરુઆતમાં તો તેને પોતાના નવા હાથનું પણ વજન મહેસૂસ થતું હતું. તેણે લાંબો સમય સુધી ફિઝિયોથેરાપી પણ લીધી.

સૌથી પહેલું પરિવર્તન એ આવ્યું કે શ્રેયાના નવા પંજા હવે પાતળા થવા લાગ્યા હતા, અને તેના આખા હાથના આકાર પ્રમાણે તેમનું કદ થઈ ગયું હતું. શ્રેયાના શરીરમાં લાગેલા પુરુષના હાથના પંજા હવે એક સ્ત્રીના શરીર પ્રમાણે એડજસ્ટ થઈ રહ્યા હતા. તેના આકાર ઉપરાંત મસલ્સમાં પણ ફેરફાર થવાનું શરુ થઈ ગયું હતું. ફિઝિયોથેરાપીના પરિણામ પણ મળવા લાગ્યા હતા.

શ્રેયાની માતાએ પણ એ વાત નોટિસ કરી કે તેની આંગળીઓ પાતળી અને લાંબી થઈ રહી હતી. તેનો આકાર એક સ્ત્રીની આંગળીઓ જેવો થઈ રહ્યો હતો. શ્રેયાની સર્જરી કરનારા ડોક્ટરોએ પણ કલ્પના નહોતી કરી તે તેના નવા હાથમાં આટલા બધા પરિવર્તનો આવશે. ડોક્ટર્સનું કહેવું છે કે સ્ત્રીના હોર્મોન્સને કારણે તેના હાથમાં આ ફેરફાર થઈ રહ્યા છે, પરંતુ તેનું ચોક્કસ કારણ કહેવું મુશ્કેલ છે.

અઢી વર્ષ પહેલા થયેલા ભયાનક અકસ્માતે શ્રેયાનું જીવન એક જ પળમાં બદલી નાખ્યું હતું. પરંતુ હવે પોતાના નવા પંજામાં થઈ રહેલા પરિવર્તનથી શ્રેયા ખૂબ જ ખુશ છે. તે હવે જાતે નેઈલ પોલીશ પણ લગાવી શકે છે. શ્રેયાએ અકસ્માત બાદ એન્જિનિયરિંગ છોડી દીધું છે, હવે તે ઈકોનોમિક્સ સાથે બીએ કરી રહી છે. છેલ્લા સેમેસ્ટરમાં ભણતી શ્રેયાએ આ વખતે પરીક્ષામાં પોતાના હાથથી પેપર લખવાની પૂરી તૈયારી પણ કરી લીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો