સૌર ઉર્જા ઉત્પન્ન કરો અને વધારાની વીજળી વેચો, સરકાર 2.25 રૂ. પ્રતિ યુનિટના દરે ખરીદશે વીજળી

ગ્રીન એનર્જી–ક્લિન એનર્જીથી પર્યાવરણ રક્ષા અને પુન: પ્રાપ્ય ઊર્જા ઉત્પાદન માટે ગુજરાતે એક આગવી પહેલ કરતા સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના શરૂ કરી છે. આ અંગે માહિતી આપતા ઊર્જા મંત્રી સૌરભ પટેલે રાજ્યના ઘરગથ્થુ વીજ વપરાશકારો-રહેણાંક શ્રેણીના વીજગ્રાહકો માટે રાજ્ય સરકારે અમલમાં મૂકેલી ‘સૂર્યઊર્જા રૂફટોપ–સોલાર એનર્જી રૂફટોપ’ યોજનાની વિગતો આપી હતી.

ઊર્જા મંત્રીએ જણાવ્યું કે, આ સોલાર રૂફટોપ યોજના હેઠળ ઘરગથ્થુ વીજ વપરાશકાર પોતાના ઘરની અગાશી–ધાબા કે માલિકીની ખૂલ્લી જગ્યામાં સૌર ઊર્જા ઉત્પન્ન કરી શકશે. આ સૌર ઊર્જામાંથી પોતાને જરૂર પૂરતી વીજળી વાપરીને કે તેનો ઉપયોગ કરીને વધારાની વીજળી રાજ્ય સરકારને રૂ। 2.25 પ્રતિ યુનિટના દરે 25 વર્ષના કરારથી વેચીને વીજ બિલમાં રાહત અને વધારાની આવક પણ મેળવી શકશે.

પ્રથમ 3 કિલોવોટની ક્ષમતા સુધી નિયત કરેલી કિંમત પર 40 ટકા સબસિડી

સૌરભ પટેલે આગળ જણાવ્યું કે, રહેણાક હેતુના વીજ ગ્રાહકોને સોલાર રૂફટોપ માટે પ્રથમ 3 કિલોવોટની ક્ષમતા સુધી નિયત કરેલી કિંમત પર 40 ટકા તેમજ ત્યાર બાદના ૩ કિલોવોટથી વધુ અને 10 કિલોવોટની ક્ષમતા સુધી સોલાર રૂફટોપ પર 20 ટકા સબસિડી મળશે, એટલે કે કોઇ અરજદાર 11 કિલોવોટ સોલર સિસ્ટમની માંગણી કરે તો પ્રથમ 3 કિલોવોટ ઉપર 40 ટકા અને પછીના 7 કિલોવોટ ઉપર 20 સબસિડી અને બાકીના 1 કિલોવોટ ઉપર શૂન્ય ટકા સબસિડી મળવા પાત્ર થશે.

ગુજરાત સોલાર રૂફટોપમાં દેશભરમાં પ્રથમ નંબરે

ઊર્જામંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્નું છે કે, ભારત પ્રદૂષણમુકત તથા સ્વચ્છ પુન: પ્રાપ્ય ઊર્જા ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરે. 2022 સુધીમાં 1 લાખ 75 હજાર મેગાવોટની આવી ઊર્જા ઉત્પાદન ક્ષમતાના પ્રધાનમંત્રીના નિર્ધારમાં ગુજરાત સોલાર રૂફટોપ યોજનાથી અગ્રેસર રહેશે. ગુજરાત સોલાર રૂફટોપમાં 31 માર્ચ-2019 સુધીમાં 326.67 મેગાવોટ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી સાથે દેશમાં પ્રથમ ક્રમે છે. આ વર્ષે વહેલા તે પહેલાના ધોરણે બે લાખ સોલાર રૂફટોપ તેમજ આગામી 3 વર્ષમાં 8 લાખ સોલાર રૂફટોપથી 1800 મેગાવોટ વીજ ઉત્પાદન કરવાનું આપણું લક્ષ્ય છે.

57,415 વીજ વપરાશકારોએ 397.31 મેગાવોટ ઇન્સ્ટોલ્ડ ક્ષમતા સોલાર રૂફટોપમાં મેળવી

સૌરભ પટેલે કહ્યું કે રાજ્યમાં 31 ઓગસ્ટ-2019ની સ્થિતિએ રહેણાંક હેતુના 53,567 અને બિનરહેણાંક હેતુના 3,848 ગ્રાહકો મળી કુલ 57,415 વીજ વપરાશકારોએ 397.31 મેગાવોટ ઇન્સ્ટોલ્ડ ક્ષમતા સોલાર રૂફટોપમાં મેળવી છે.

વીજ ગ્રાહક કોઇપણ ક્ષમતાની સોલર સિસ્ટમ બેસાડી શકશે

ઊર્જા મંત્રીએ આ યોજના અંગે વધુ વિગતો આપતાં જણાવ્યું કે, આ યોજનાનો લાભ લેવા વીજ ગ્રાહક કોઇપણ ક્ષમતાની સોલર સિસ્ટમ બેસાડી શકશે અને તે માટે તેના કરારીત વીજભારની મર્યાદા લાગુ પડશે નહી. આ યોજના અંતર્ગત ગ્રુપ હાઉઝિંગ સોસાઇટી (GHS)/રેઝિડેન્શિયલ વેલ્ફેર અસોસિએશન (RWA)ની સુવિધાઓ સોસાયટીની લાઇટ, સોસાયટીનું વોટર વર્કસ, લિફ્ટ, સ્વિમિંગ પુલ, બગીચો વગેરેના વીજ જોડાણો માટે 500 કિલવોટની મહત્તમ મર્યાદામાં (10 કિલોવોટ પ્રતિ ઘર લેખે), સોલર સિસ્ટમની કુલ કિંમત ઉપર 20 ટકા સબસિડી મળશે. જ્યારે 500 કિલવૉટની મહત્તમ મર્યાદામાં જે તે GHS/ RWAના રહેવાસી દ્વારા સ્થાપિત સોલર સિસ્ટમની ક્ષમતાઓને પણ સમાવિષ્ટ કરાશે.

આ સૂર્ય ઊર્જા રૂફટોપ યોજનાનો લાભ લેવા વીજ ગ્રાહકોએ માન્ય કરાયેલ એજન્સીઓમાંથી કોઇપણ એકની પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ તમામ કાર્યવાહી એજન્સીએ કરવાની રહેશે. આ માન્ય એજન્સીઓની યાદી દરેક વીજ વિતરણ કંપનીઓની વેબસાઇટ ઉપર તેમજ વીજ કચેરીએ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

કેવી રીતે યોજનાનો લાભ લેશો

ઊર્જા મંત્રીએ આ યોજના અન્વયે લાભ લેવા માટેની વધુ વિગતો આપતાં કહ્યું કે, સોલર સિસ્ટમ સ્થપાયા બાદ જે તે એજન્સી પાંચ વર્ષ સુધી સિસ્ટમનું વિનામૂલ્યે મેન્ટેનન્સ કરવા બંધાયેલી છે. અરજી નોંધણી માટે વીજ ગ્રાહકે છેલ્લા વીજબિલ, અરજદારનો ફોટો, આધાર નંબર અને ગ્રાહકનો મોબાઇલ ફોન નંબર આપવો જરૂરી છે. આ ઉપરાંત ગ્રાહકે પસંદ કરેલ એજન્સી જે તે વીજગ્રાહક વતી સોલર રૂફટોપના પોર્ટલ ઉપર ઓનલાઇન અરજીની નોંધણી કરાવશે અને તે બાદ નિયત કરેલ ડિપોઝિટની રકમ એજન્સી દ્વારા ભરપાઇ કરવામાં આવશે, તે રકમ અંદાજપત્રની સામે સરભર કરવામાં આવશે. અંદાજપત્રમાં સોલાર સિસ્ટમનો કનેક્ટિવિટી ચાર્જ, સોલર જનરેશન મીટર ચાર્જ, મીટર ટેસ્ટીંગ ચાર્જ અને મીટરબોક્સનો ચાર્જનો સમાવેશ થાય છે.

ગ્રાહકે ટેન્ડરથી નક્કી કરેલ ભાવ મુજબ જ રકમ ચૂકવવાની રહેશે

વીજગ્રાહકોએ આ ડિપોઝિટની કે અંદાજપત્ર એમ બેમાંથી કોઇપણ રકમનો ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે નહીં. ગ્રાહકે ટેન્ડરથી નક્કી કરેલ ભાવ મુજબ જ રકમ ચૂકવવાની રહેશે. આ સિવાય ગ્રાહકે અન્ય કોઇ રકમ ચૂકવવાની નથી. આ ઉપરાંત જો ચાલુ વીજ વિતરણ માળખામાં કોઇ ફેરફાર કરવાની ટેક્નિકલ જરૂરિયાત જણાશે તો તેનો ખર્ચ જે તે વીજગ્રાહકે જ ભરવાનો રહેશે અને તે માટે વીજ વિતરણ કચેરી દ્વારા અલગથી અંદાજ આપવામાં આવશે. આ સિવાય પણ, જો ગ્રાહક મોડ્યૂલ માઉન્ટિંગ સ્ટ્રક્ચરની રૂફ લેવલથી નિયત કરેલ ઊંચાઇમાં વધારો કરાવવા માગે તો ગ્રાહક તથા જે તે એજન્સી વચ્ચે પરસ્પર સમજુતી કરી, તે માટેનો વધારાનો ખર્ચ પરસ્પર નક્કી કરી ગ્રાહકે જે તે એજન્સીને અલગથી ચૂકવવાનો થશે.

રાજ્ય સરકારે નક્કી કરેલા અલગ અલગ ક્ષમતા મુજબ સોલર રૂફટોપ સિસ્ટમના મહત્તમ દર

ક્ષમતા કિલોવોટમાંએજન્સીઓ માટે શોધિત દર પ્રતિ કિલો વોટ(તમામ કર સાથે)
1.0 થી 1.5046827
1.51 થી 2.5046555
2.51 થી 3.5046337
3.51 થી 4.5045738
4.51 થી 5.5045030
5.51 થી 6.૦૦44006
6 કી.વો થી વધુ અને 10 કી.વો સુધી43005
10 કી.વો થી વધુ અને 25 કી.વો સુધી38006
25 કી.વો થી વધુ અને 50 કી.વો સુધી37505
50 કી.વો થી વધુ અને 100 કી.વો સુધી36002
100 થી વધુ33999

If you like our post than don’t forget to share with your friends.. Keep reading and keep sharing..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો