વડોદરામાં શરૂ થશે ગરીબોનો શોપિંગ મોલ ‘ખુશીઓનું કબાટ’ , દરેક વસ્તુ મળશે માત્ર 10 રૂપિયામાં

દિવાળીના તહેવારો પૂર્વે ગરીબ લોકોને મોલમાં ખરીદીનો અહેસાસ થાય તેવો વડોદરા શહેરના અકોટા અતિથીગૃહ ખાતે 28 ઓક્ટોબરે ગરીબો માટે શોપિંગ મોલ શરૂ થનાર છે. 3 દિવસ માટે જ ખુલનારા આ શોપિંગ મોલનું નામ ખુશીઓનું કબાટ છે. આ શોપિંગ મોલમાં 51 હજાર વસ્તુઓ મળશે. દરેક વસ્તુની કિંમત માત્ર રૂપિયા 10 રાખવામાં આવી છે.

વડોદરામાં ગરીબોનો શોપિંગ મોલ ‘ખુશીઓનું કબાટ’ શરૂ થશે

ગરીબો માટે અકલ્પ્ય ખુશીઓ લઇને આવનાર આ મોલ શ્રી અનંતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ખોલવામાં આવી રહ્યો છે. આ ટ્રસ્ટની ટીમ છેલ્લા 2 વર્ષથી ગરીબો માટે દિવાળી પૂર્વે ખુશીઓના કબાટ નામનો મોલ શરૂ કરે છે. ગત વર્ષે મુજમહુડા ખાતે ખોલ્યો હતો. જેમાં અભૂતપૂર્વ સફળતા મળતા આ વખતે 28 ઓક્ટોબરે અકોટા અતિથીગૃહ ખાતે થશે. ટ્રસ્ટના અનુજ નગરશેઠ, મીનુ હીરોડે અને સૌનક કોઠારીએ જણાવ્યું હતું કે, ખૂશીઓનું કબાટ મોલમાં મધ્યમ વર્ગ અને આર્થિક રીતે સુખી સંપન્ન લોકો દ્વારા ઉપયોગમાં ન લેવાતા અને વેસ્ટમાં ફેંકી દેવામાં આવતા કપડા, બુટ, ચપ્પલ, રમકડાં, ગીફ્ટ આઇટમો, વાસણ જેવી અનેક વસ્તુઓ મળશે. આ વસ્તુઓ વર્ષ દરમિયાન ટ્રસ્ટ દ્વારા એકઠી કરવામાં આવે છે. લોકો તેમની બિનઉપયોગી વસ્તુઓ સરળતાથી અમોને પહોંચાડી શકે તે માટે શહેરના વિવિધ જાણીતા 12 સ્થળોએ કલેક્શન ડ્રમ મૂકવામાં આવ્યા છે.

ગરીબોનો શોપિંગ મોલ ‘ખુશીઓનું કબાટ’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે અમો 51 હજાર આઇટમો કલેક્ટ કરી છે. આ આઇટમો આવ્યા પછી અમો તેણે જુદી પાડીએ છે. તે બાદ કપડાને લોન્ડ્રીમાં ધોવાડીને તેનું વ્યવસ્થિત પેકીંગ કરીએ છે. તેજ રીતે બુટ-ચપ્પલ હોય કે રમકડાં જેવી કોઇ પણ વસ્તુને અમે વ્યવસ્થિત પેકીંગ કરીને ખૂશીઓના કબાટ મોલમાં મૂકવામાં આવશે. આ મોલમાં પ્રવેશનાર ગરીબ વ્યક્તિને શહેરના ભવ્ય શોપિંગ મોલનો અહેસાસ કરાવશે.

મીનુ હીરોડેએ જણાવ્યું કે, દરેક ગરીબને સસ્તી અને સારી ચિજવસ્તુઓનો લાભ મળે. તેનો દૂર ઉપયોગ ન કરે તે માટે અમોએ એક પરિવારને 3 આઇટમ વેચવાનું નક્કી કર્યું છે. મોલમાં વેચાનાર તમામ આઇટમની કિંમત માત્ર રૂપિયા 10 રાખી છે. ગત વર્ષે અમારા આ કોન્સેપ્ટને ભારે સફળતા મળી હતી. જે સફળતાને ધ્યાનમાં લઇ અમોએ વધુમાં વધુ લોકોને વધુમાં વધુ ચિજવસ્તુઓ મળે તેવા પ્રયાસો કર્યા હતા. જે પ્રયાસો સફળ થયા છે.

અનુજ નગરશેઠે જણાવ્યું કે, 3 દિવસ ચાલનારા ખુશીઓના કબાટ મોલમાં જે આવક આવે છે. તે આવક અમારા ટ્રસ્ટના ગરીબ બાળકોના શિક્ષણ માટે ચાલતા એકલવ્ય પ્રોજેક્ટમાં ખર્ચ કરીએ છે. અમારા એકલવ્ય દ્વારા હાલમાં 95 ગરીબ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પૂરું પાડવામાં મદદરૂપ થાય છે. અમો એક વિદ્યાર્થી પાછળ ઓછામાં ઓછો રૂપિયા 15 હજાર ખર્ચ કરીએ છે.

સૌનક કોઠારીએ જણાવ્યું કે, અમારા આ ટ્રસ્ટ દ્વારા પ્રોજેક્ટ શમન ચાલે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગરીબ પરિવારોને તબિબી સેવા પૂરી પાડવામાં આવે છે. અમો આ પ્રોજેક્ટ અંતર્ગત સેવાભાવી તબીબોને શોધે છે. અને તેવા તબીબોને મળીને અમો તેઓને ગરીબ લોકોને તબીબી સેવા મળે તે માટે આર્થિક મદદ કરીએ છે.

ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું હતું કે, અમારો એક માત્ર ઉદ્દેશ ગરીબ લોકોને મદદરૂપ થવાનો છે. દિવાળી પૂર્વે જે લોકો ખરીદી કરીને ખૂશી વ્યક્ત કરે છે. તેવી ખૂશી અમો ગરીબ લોકોના ચહેરા ઉપર લાવવાના પ્રયાસો કરી રહ્યા છે. ખુશીના કબાટ મોલમાં વધુમાં વધુ ગરીબો આવે તે માટે અમો વિવિધ વિસ્તારોમાં ઓટોરીક્ષા દ્વારા જાહેરાત પણ કરાવીએ છે. આ ઉપરાંત અખબારોમાં પણ જાહેરાત આપીએ છે.

આવા ઉમદા કાર્યને એક લાઈક અને શેર કરીને વધાવજો

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો