સુરતમાં માથાભારે ગેંગસ્ટર સૂર્યા મરાઠીને 7 જણે ચપ્પાના 50 ઘા મારી હત્યા કરી, હુમલાખોરનું પણ મોત

સુરતમાં વેડ રોડ પર ગુનાખોરીનો પર્યાય બની ગયેલા સૂર્યા મરાઠીની બુધવારે બપોરે તેની જ ઓફિસમાં હત્યા કરવામાં આવી છે. વેડરોડ પર આવેલ ઓફિસમાં સૂર્યા મરાઠી એકલો હતો તે સમયે એક સમયનો તેનો સાગરિત હાર્દિક પટેલ બીજા 7 જણા સાથે આવ્યો હતો અને સૂર્યા મરાઠી પર 50 થી વધુ ઘા કરીને હત્યા કરીને નાસી ગયા હતા. સૂર્યાએ સામે પ્રતિકાર કર્યો હતો તેમાં હાર્દિકને જાંગના ભાગે ઇજા થઈ હતી. તેથી હાર્દિકનું પણ મોત નીપજ્યું હતું. હાર્દિકની પત્નીની સૂર્યાએ નવરાત્રિમાં છેડતી કરી હતી ત્યારથી બંને વચ્ચે ખટરાગ હતો. તેના કારણે બંને વચ્ચેની દોસ્તી તુટી ગઈ હતી. તેના કારણે હાર્દિકે સૂર્યાની હત્યા કરી હોવાનું સૂત્રોનું કહેવું છે.

સૂર્યાને 50 ઘા મારીને પતાવ્યો

ઘટના સ્થળના સૂત્રોના જણાવ્યા અનુસાર વેડરોડ પર ત્રિભોવન નગરમાં સુરેશ ઉર્ફ સૂર્યા મરાઠી શ્રીરામ પવાર( 36 વર્ષ) પરિવાર સાથે રહે છે. તે પોતાની ગેંગ ઓપરેટ કરતો હતો. 2016થી મનુ ડાયાની હત્યાના ગુનામાં સૂર્યા મરાઠી જેલમાં હતો. આ દરમિયાન સૂર્યાની ગેંગના ખાસ હાર્દિક પટેલે સૂર્યા ગેંગ સંભાળી હતી. પાંચેક દિવસ પહેલા સૂર્યા જેલમાંથી નિર્દોષ છૂટ્યો હતો. બુધવારે સૂર્યા મરાઠી ત્રિભોવન નગરમાં આવેલી ઓફિસમાં એકલો બેઠો હતો. ત્યારે બપોરે હાર્દિક તેના સાગરિતો રાહુલ, સતીષ, સાહિલ, વીકી અને અન્ય બે જણા સાથે ચપ્પુ લઈને આવીને સૂર્યા પર ઘા કરીને નાસી ગયા હતા. સૂર્યાએ પ્રતિકાર કરીને સામે ચપ્પુ મારતા હાર્દિકને પગના ભાગે ઇજા થઈ હતી. સૂર્યાને આશરે 50 ઘા માર્યા હતા. સૂર્યાના સાથી તેને મહાવીર હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં તેનું મોત નિપજ્યું હતું. બીજી તરક હાર્દિક તેના સાગરિત સાથે બાઇક પર ભાગ્યો હતો અને એકાદ કિલોમીટર દૂર બાઇક પરથી નીચે પડ્યો હતો. હાર્દિકને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું મોત નિપજ્યું હતું. ચોકબજાર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ.એ.ચૌધરીએ જણાવ્યું હતું કે નવરાત્રિમાં સૂર્યા પેરોલ પર છૂટ્યો હતો. ત્યારે હાર્દિકની પત્નીની છેડતી કરી હતી તેના કારણે જ હત્યા થઈ હોવાની સંભાવના છે.

રત્ન કલાકારથી આરોપી અને બિલ્ડર સુધીની સૂર્યાની સફર

સૂર્યા મરાઠીએ ખુંજ ટૂંકા સમયમાં ગુનાખોરીમાં મોટું નામ કરી લીધું હતું. મુળ મહારાષ્ટ્રના રત્નાગીરી વિસ્તારનો સૂર્યા મરાઠી સુરતમાં રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો. પછી રીક્ષા ફેરવતો હતો. પછી પાછો રત્ન કલાકાર તરીકે કામ કરવા લાગ્યો હતો.મારામારીથી ગુનાખોરીની શરૂઆત કરી હતી. શરૂઆતમાં મારામારી કરીને જેલથી છૂટતો તેથી લોકો તેનાથી ગભરાવ્યા લાગ્યા હતા.ત્યાર બાદ જમીનના ધંધામાં પડ્યો તેના વિરુદ્ધ હત્યાના બે ગુના નોંધાયા હતા. હાલમાં જ તે એક હત્યાના ગુનામાં નિર્દોષ છૂટ્યો હતો.

હાર્દિક સામે હત્યાની કોશિશનો જ ગુનો

હાર્દિક પટેલ પણ પાંચેક વર્ષથી ગુનાખોરીમાં સક્રિય થયો છે. તે પણ વેડરોડ વિસ્તારનો હોવાથી સૂર્યાના પરિચયમાં આવ્યો હતો. તે સૂર્યા માટે કામ કરતો હતો. તેના વિરુદ્ધમાં માત્ર હત્યાની કોશિશનો એક ગુનો નોંધાયો છે. ત્યાર બાદ તો સૂર્યાના નામની ધાકનો ઉપયોગ કરતો હતો.

હાર્દિક અને સૂર્યાની સામ સામે હુમલો કર્યો-પોલીસ

પોલીસના ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ અને સૂર્યા મરાઠી વચ્ચે કંઈક બાબતે ઝઘડો સર્જાયો હોય શકે અને બાદમાં સામ સામે હુમલો કર્યો હતો. જેમાં ચપ્પુના ઘાથી એકબીજાના મોત નીપજ્યાં હતાં. હાલ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ આદરી છે. આ હુમલામાં અન્ય લોકો પણ સામેલ હોવાની આશંકા સેવવામાં આવી રહી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

પરિસ્થિતિ કન્ટ્રોલમાં છે-કમિશનર

પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, એક સમયના બન્ને મિત્રોસૂર્યા મરાઠી અને હાર્દિક પટેલ વચ્ચે કોઈ બાબતે વાત વણસી હતી અને તેમાં બન્નેએ સામ સામે હુમલો કર્યો હતો. બન્નેના સારવાર દરમિયાન મોત થયાં હતાં. હાલ બનાવના સ્થળે પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. આ કોઈ ગેંગવોર નહી પરંતુ બે લોકો વચ્ચેનો ઝઘડો હતો. હાલ પરિસ્થિતી કાબૂમાં છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બેના ટૂંકી સારવાર દરમિયાન મોત

કતારગામ વેડરોડ વિસ્તારમાં રહેતો અને ઓફિસ ધરાવતો સૂર્યા મરાઠી ગેંગવોરને લઈને ચર્ચામાં આવતો રહેતો હતો. માથાભારે મનુ ડાહ્યા ગેંગ સાથે અથડામણને લઈને ઘણી વાર જાહેરમાં બનાવો પણ બન્યા હતા. દરમિયાન મનુ ડાહ્યાની હત્યા કરી દેવામાં આવી હતી. જેમાં સૂર્યા મરાઠીને આરોપી બનાવવામાં આવ્યો હતો. જોકે, થોડાદિવસો પહેલાં સૂર્યા મરાઠીને મનુ ડાહ્યા કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. જેલમાંથી બહાર આવ્યાના પાંચ દિવસમાં આજે વેડરોડ ખાતે આવેલી ઓફિસમાં સૂર્યા મરાઠી હાજર હતો. દરમિયાન સાત જેટલા ઈસમો ઘૂસી આવ્યા હતા અને તલવાર-ચપ્પુથી હુમલો કરી દીધો હતો. એક સમયના સૂર્યા મરાઠીના સાગરીત અને હાલમાં દુશ્મન બની ગયેલા હાર્દિક પટેલ અને તેના માણસોએ સૂર્યા પર હુમલો કર્યો હતો. સૂર્યા અને હાર્દિક વચ્ચે થયેલા સામ સામેના હુમલામાં ટૂંકી સારવાર દરમિયાન સૂર્યા અને હાર્દિક બન્નેના મોત નિપજ્યાં હતાં. ત્યારબાદ સૂર્યા મરાઠી અને હાર્દિક પટેલને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બન્નેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સૂર્યા મરાઠીના શરીર પર 30 ઘા અને હાર્દિકના શરીર બે ઘા મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા કતારગામ અને ચોક બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

એક વખતના જમણા હાથ હાર્દિકનું પણ મોત

સૂર્યા મરાઠી પર હુમલાની આશંકા જેના પર સેવાઈ રહી છે તે હાર્દિક પટેલનું પણ ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. માથાભારે સૂર્યા મરાઠીનો હાર્દિક એક વખતે જમણો હાથ ગણાતો હતો. પરંતુ બાદમાં બન્ને વચ્ચે અણબનાવને લઈને બન્ને જુદા થઈ ગયા હતાં. ત્યારે આજે સૂર્યા અને બન્ને વચ્ચે ઝઘડો થયા બાદ એકબીજાએ બન્નેને માર્યા અથવા તો અન્ય કોઈ શખ્સો આવીને બન્નેનું ઢીમ ઢાળીને જતાં રહ્યાં તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક તરફડતી હાલતમાં લોહીલુહાણ પરિસ્થિતિમાં રસ્તા ઉપર રઝડતો હતો, ત્યારે લોકોએ તેને મદદ નહોતી કરી. પરંતુ એક માનવતાવાદી વ્યક્તિએ 108ને ફોન કરીને બનાવની જાણ કરી હતી. ત્યારે 108ની ટીમે તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડ્યો હતો.

સુર્યા મરાઠી મનુ ડાહ્યા હત્યામાં આરોપી હતો

તા. 17મી એપ્રિલ, 2017ના રોજ કતારગામ ખાતે મનુ ડાહ્યા જ્યારે દાઢી કરાવવા ગયા ત્યારે તેમની ગોળી મારીને હત્યા કરાઇ હતી. નોંધાયેલી ફરિયાદમાં સૂર્યા મરાઠી સહિતના સાત આરોપીઓના નામ હતા. સૂર્યા મરાઠી, પરેશ લીંબાચિયા, જયેશ પોલ, વિકાસ મગારે, જયેશ સોસા, અક્ષય દેવરે અને અમોલ ઝીનેની ધરપકડ કરી હતી. સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યા બાદ 5 ફેબ્રુઆરી 2020ના રોજ સેશન્સ કોર્ટે શંકાનો લાભ આપીને મુક્ત કરતો હુકમ કર્યો હતો. જેથી પાંચ દિવસ પહેલાં જ લાજપોર જેલમાંથી બહાર આવ્યો હતો.

હુમલાખોરો ઓફિસમાં ગયા ત્યારે સૂર્યાના માણસો શાંતિથી બેસી રહ્યા

હુમલાખોરો સૂર્યા મરાઠીની ઓફિસમાં ગયા ચપ્પુ અને તલવાર જેવા તિક્ષ્ણ હથિયારો સાથે પ્રવેશ્યા તે સમગ્ર સીસીટીવી સામે આવ્યાં છે. સાતેક હુમલાખોરો ઓફિસમાં આવ્યા ત્યારે સૂર્યાના માણસો ખુરશીમાં આરામ ફરમાવતાં હોય તે રીતે બેસી રહ્યાં હોવાનું સીસીટીવીમાં સામે આવી રહ્યું છે. સુત્રોના મતે આ હુમલો પૂર્વાયોજીત હતો અને તેમાં સૂર્યા મરાઠીના માણસોએ દગો કર્યો અથવા તો સામેલ હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જેલમાંથી નીકળ્યાના પાંચ દિવસમાં હત્યા

મનુ ડાહ્યા હત્યા કેસમાં પાંચ દિવસ અગાઉ પુરવાના અભાવે શંકાનો લાભ લઈને નિર્દોષ છૂટેલા સૂર્યા મરાઠીના જેલમાંથી બહાર આવ્યાના ત્રણેક દિવસમાં જ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. સૂત્રો દ્વારા કહેવાઈ રહ્યું છે કે, સૂર્યા મરાઠી જેલમાંથી મુક્ત થયો ત્યારથી તેના પર રેકી કરવામાં આવી હતી અને આજે આખરે તેની પ્લાન પૂર્વક હત્યા કરવામાં આવી છે.

ત્રણ સંતાનો નોધારા થયા

મૂળ મહારાષ્ટ્રના રત્નાગીરીના વતની સૂર્યા મરાઠીએ સુરતમાં માથાભારે શખ્સની છાપ ઉભી કરી હતી. કથિત રીતે ગેંગ ચલાવતો સૂર્યા મરાઠી અવારનવાર હત્યાથી લઈને ખંડણી સહિતના કામો કરતો હતો. રાજે ગ્રુપના સ્થાપક સૂર્યા મરાઠી દ્વારા ગણેશોત્સવના આયોજનો પણ કરવામાં આવતાં હતાં. માથાભારે સૂર્યા મરાઠીની હત્યાના પગલે બે દીકરીઓ અને એક દીકરા સહિત પત્ની અને વતનમાં રહેતા સૂર્યાના માતા પિતા નોધારા થઈ ગયાં છે.

દુકાનો ટપોટપ બંધ થઈ

વેડ રોડ પર ત્રિભુવન સોસાયટીના નાકે ઓમ સાંઈ પાર્ક નામની ઓફિસ ધરાવતાં સૂર્યા મરાઠીની તેની જ ઓફિસમાં હત્યા કરવામાં આવી હતી. હાર્દિક અને સૂર્યાની હત્યાની જાણ આસપાસના વિસ્તારમાં થતાં દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી.

રસ્તા પરથી મળ્યું ચપ્પું

સૂર્યાની હત્યા બાદ રસ્તા પરથી એક ચપ્પુ મળી આવ્યું હતું. પોલીસે ચપ્પુ કબ્જે લઈને તેના પરથી નીશાન મેળવીને તેને પુરાવા તરીકે રાખીને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ફટાકડા ફોડાયાનો વીડિયો વાઈરલ કરાયો

સૂર્યા મરાઠીની હત્યા બાદ વેડરોડ વિસ્તારમાં જાણે ઉત્સવ મનાવવામાં આવ્યો હોય તેમ ફટાકડા ફોડીને નૃત્ય કરાયું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવ્યો હતો.સૂર્યાના વિરોધીઓએ ફટાકડા ફોડ્યા હોવાનું અને વાઈરલ કર્યા હોવાનું સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.મહત્વપૂર્ણ છે કે, પાંચેક દિવસ પહેલા જેલમાંથી છૂટીને સૂર્યા ઘરે આવ્યો ત્યારે ફટાકડા ફૂટ્યાં હતાં. સૂર્યાનું વાજતે ગાજતે તે વખતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો