રાત્રે ચાલવા નીકળતા લોકો સામે પણ કાર્યવાહી થશે, પોલીસ સાઈકલ પર આવીને પકડશે : DGP
કોરોનાના સંક્રમણથી બચવા માટે અમલી કરવામાં આવેલા લોકડાઉનનો હજુ પણ ઘણા વિસ્તારોમાં અમલ થઈ ન રહ્યો હોવાની ફરિયાદો પોલીસને મળે છે. ખાસ કરીને રાત્રિના સમયમાં નાગરિકો ઘરની બહાર વધુ નીકળતા હોવાની મળતી ફરિયાદને ગંભીરતાથી લઈને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે લોકડાઉનનો ભંગ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. રાત્રે બહાર નીકળતા નાગરિકો સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
લોક્ડાઉનના અમલ દરમિયાન રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા નાગરિકોની સામે કાર્યવાહી કરવા માટે ખાસ એક્શન પ્લાન પણ તૈયાર કરી દેવામાં આવ્યો હોવાનું જણાવી ઝાએ ઉમેર્યુ હતું કે, આવા લોકોને પકડવા પોલીસ દ્વારા થર્મલ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. અમદાવાદમાં કન્ટેન્ટમેંટ જાહેર કરેલા વિસ્તારમાં નાઇટવિઝન સુવિધાયુક્ત થર્મલ ડ્રોનનો ઉપયોગ કરાશે. ઘોડેસવાર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે. એટલું જ નહીં પોલીસની ગાડી જોઈને સરકી જતા વ્યક્તિઓને પકડવા માટે પોલીસને ખાનગી ગાડીઓ ચેકિંગ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે અને તેમની સાથે એક વિડીયોગ્રાફરને પણ રાખવા તાકિદ કરાઈ છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
શિવાનંદ ઝાએ ઉમેર્યું હતું કે, સીસીટીવી કેમેરા, ડ્રોન અને એ.એન.પી.આર.ના માધ્યમથી શહેરની હિલચાલ ઉપર વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તે ઉપરાંત ઇન્ટેલિજન્સ બ્યુરોને પણ લોકડાઉન ભંગ અંગે વોચમાં રહેવા સૂચનાઓ અપાઇ છે. ઇન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા મળેલા ઈનપુટને આધારે ગઈકાલે લોકડાઉન ભંગના ૮ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે જ્યારે એક મહિનામાં આઇ.બી.ના ઇનપુટ આધારે રાજ્યભરમાં ૫૯૦ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યુ હતુ કે લૉકડાઉન દરમિયાન જાહેર સ્થળોએ ભીડ થતી હોય છે અને સોશિયલ ડિસ્ટેન્સિંગનો ભંગ થતો હોવાના બનાવોની ૧૦૦ નંબર કે પોલીસ કંટ્રોલરૂમને જાણ થશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે. ગઈકાલે ૧૦૦ નંબર પર મળેલા કોલને આધારે રાજ્યમાં ૭૪ ગુના દાખલ કરાયા છે.
લૉકડાઉન દરમિયાન પોલીસ સહિતના કોરોના વોરિયર્સ ઉપર થયેલા હુમલા અંગે વિગતો આપતા શિવાનંદ ઝાએ કહ્યું કે, અમદાવાદ જિલ્લામાં તા. ૨૨ એપ્રિલના રોજ પોલીસ કર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે બે આરોપીઓ સામે, ખેડા જિલ્લાના સેવાલીયા ખાતે તા. ૨૩ એપ્રિલના રોજ હોમગાર્ડ ઉપર થયેલા હુમલા સંદર્ભે એક આરોપી સામે, મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે તા. ૨૨ એપ્રિલના રોજ પોલીસ કર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે એક આરોપી સામે અને પશ્ચિમ કચ્છ જિલ્લાના નખત્રાણા ખાતે તા. ૩ એપ્રિલના રોજ હોમગાર્ડ ઉપર થયેલા હુમલા સંદર્ભે બે આરોપીઓ સામે ગુનો નોંધી તેની સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરીને જેલ ભેગા કરી દેવાયા છે. લોકડાઉન બાદ અત્યાર સુધી પોલીસ કર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે ૧૮ ગુના નોંધી ૪૪ હુમલાખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શિવાનંદ ઝાએ ઉમેર્યું કે, વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગત રોજથી દાખલ થયા છે; તેમાં ડ્રોનના સર્વેલન્સથી ૩૦૩ ગુનાઓ નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં ૧૦,૦૯૮ ગુના દાખલ કરીને ૧૯,૬૦૮ લોકોની અટકાયત કરાઈ છે જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા ૯૭ ગુના નોંધીને ૧૨૪ લોકોની અટકાયત કરતાં આજસુધીમાં રાજ્યભરમાંથી ૨૦૦૫ ગુના નોંધી ૩,૦૧૬ લોકોની અટકાયત કરાઈ છે. આ ઉપરાંત સોસાયટીના CCTV આધારે ગઇકાલે ૩૯ ગુનામાં ૬૪ લોકોની જ્યારે આજસુધીમાં ૪૦૦ ગુનાઓ દાખલ કરીને ૬૫૫ લોકોની અટકાયત કરવામાં આવી છે.
આ જ રીતે, સોશીયલ મીડિયાના માધ્યમ દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઇકાલ સુધીમાં ૧૬ અને અત્યારસુધીમાં કુલ ૫૭૦ ગુના દાખલ કરીને ૧૧૭૦ આરોપીની અટકાયત કરી છે. જેમાં ગઇકાલે ૧૪ એકાઉન્ટ સહિત અત્યાર સુધીમાં કુલ ૫૧૦ એકાઉન્ટ બંધ કરાયા છે. વિડીયોગ્રાફી તથા ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) મારફત ગઇકાલે અનુક્રમે ૨૧૬ અને ૬૬ ગુનાઓ નોંધવામાં આવ્યા છે જ્યારે અત્યાર સુધીમાં વિડીયોગ્રાફીના ફુટેજ આધારે ૧,૪૫૦ તથા ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) મારફત ૭૫૬ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત ગઇકાલે ૪૭ સહિત કુલ ૫૦૩ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
જાહેરનામા ભંગના ગુનાની વિગતો આપતાં શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, તા.૨૯/૦૪/૨૦૨૦ થી આજ સુધીમાં કુલ ૨,૬૮૮ કિસ્સાઓ, કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા ૯૬૮ તથા ૪૪૯ અન્ય ગુનાઓ (રાયોટીંગ/Disaster Management Actના) મળી ૪,૧૦૫ ગુનાઓમાં કુલ ૫,૨૨૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. લૅાકડાઉનના ભંગ બદલ ગઇકાલે ૮,૦૦૫ વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગત રોજ ૬,૮૬૫ વાહનો મુક્ત કરવાની સાથે અત્યાર સુધીમાં કુલ ૧,૪૧,૯૦૫ વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે. અત્યારસુધીમાં કુલ ૧,૧૧,૨૦૫ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

