સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી ગુમ પરિવારનો કરાયો અંતિમ સંસ્કાર: કઠણ કાળજાનો માનવી પણ પીગળી જાય તેવું દાદાનું કરુણ આક્રંદ, મારા ઘરનું બારણું કોણ ઉઘાડું રાખશે?
સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી વડોદરા આવતા દરમિયાન લાપતા થયેલાં નવાપુરાના પરિવારના ચાર સભ્યોના મૃતદેહ ડભોઈના તેનતલાવ પહેલા નર્મદા કેનાલમાંથી મળ્યાં હતાં. શંકરપુરા નજીકની કેનાલમાં ડુબેલી અલ્ટો કાર પોલીસે ક્રેઇની મદદથી બહાર કઢાવી હતી. કારની અંદરથી કલ્પેશ પરમાર, માતા ઉષાબેન, પુત્રી નિયતી અને પુત્ર અથર્વનો મૃતદેહ મળી આવ્યો, જ્યારે તૃપ્તીબેન લાપતા હતા, પરંતુ મોડીરાત્રે તેમનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. ચાંદોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો.
સ્ટુચ્યુ ઓફ યુનિટી જોવા ગયેલા પરમાર પરિવારના પાંચ સભ્યોના એક સાથે મોત થતાં નવાપુરા વણકર વાસમાં માતમ છવાઈ ગયો હતો. સૌ કોઈના મોંઢે આ કાળમુખી ઘટનાની જ ચર્ચા હતી. સગા – સબંધીઓના આંક્રદથી કઠણ કાળજાના માનવીને પણ પીગળાવી દે, તેવા કરૃણાંસભર દ્રશ્યો સર્જાયા હતા. મૃતકોમાં 7 વર્ષની નિયતી અને 4 વર્ષના માસુમ અથર્વનો સમાવેશ થતો હોવાથી વાતાવરણ વધુ ગમગીન બની ગયું હતું. ત્યારે પ્રશ્ન એ ઉદભવે છે કે, કલ્પેશ પરમાર ગાડીને કાચા રસ્તે કેમ લઈને ગયો? શું તે રસ્તો ભૂલ્યો હતો કે પછી ઇરાદાપૂર્વક તેણે ગાડી કાચા રસ્તે ઉતારી? આવા અનેક સવાલોના કારણે આ ઘટના અકસ્માત છે કે સામૂહિક આપઘાત તે તપાસનો વિષય બન્યો છે. દરમિયાન ગુરૂવાર રાત્રે મૃતકોના વડોદરા ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતાં.
એક સાથે ઘરના પાંચ-પાંચ સભ્યોના મોતથી ભાઈલાલભાઈ ભાંગી પડ્યાં. કલ્પેશભાઈના 82 વર્ષીય દાદા ભાઈલાલભાઈ મીડિયા સાથેની વાતચીતમાં શોકમગ્ન અવાજે કહ્યું હતું કે કલ્પેશના પિતાનું અવસાન થયા બાદ હું જ તેના પિતાની જવાબદારી પૂરી પાડતો હતો. કલ્પેશ મારો પૌત્ર હતો. પણ હવે 82 વર્ષે મારે આ જ દિવસો જોવાના બાકી હતા. મારા ઘરમાં અંધારું છવાઈ ગયું છે. હવે મારા ઘરનું બારણું કોણ ઉઘાડું રાખશે.મારું હસતું ખેલતું આખું ઘર જતું રહ્યું.
ઘટના કેવી રીતે બની? પાંચેયના મોત સાથે રહસ્ય પણ દફન
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયા બાદ સાંજે કલ્પેશ પરમારે તેમના સાળાને ફોન કરી અમે ઘરે આવવા નીકળ્યા છે, તેવી જાણ પણ કરી હતી. ઘરના બધા સભ્યોએ મોડીસાંજે 7.00 વાગ્યે નજીકના નર્મદા માતાના મંદિરે દર્શન કર્યા હતા. જ્યાં સીસીટીવી કેમેરામાં તેમની કાર પણ દેખાઈ હતી. તે પછી રાતે ડભોઈ પાસેની એક હોટલમાં તેમણે ભોજન પણ લીધું હતું. ત્યારબાદ કલ્પેશે વડોદરા આવવાને બદલે કારને યુ ટર્ન મારી ડભોઈ તાલુકાના શંકરપુરા તરફ લીધી હતી. જ્યાંથી નર્મદા કેનાલમાં કાર ખાબકતાં એક સાથે પાંચ જિંદગીઓ હતી ન હતી, થઈ ગઈ હતી. આ આખા દુઃખદ બનાવમાં ખરેખર દુર્ઘટના છે કે પછી ઘટના છે? તે રહસ્ય હાલ તો પાંચેયના મોત સાથે દફન થઈ ગયું છે, પરંતુ પોલીસ દ્વારા તટસ્થ તપાસ થાય તો આ રહસ્ય પરથી પડદો ઉંચકાય, તેવી શક્યતાઓ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

