આ ખેડૂતે ખેતીમાં અપનાવી અનોખી રીત, વર્ષે મેળવે છે 4 લાખની આવક

ધરમપુરના બામટી ગામના પૂર્વ સરપંચ અને તેમના વડીલ બંધુએ તેમની અનુક્રમે બે એકરની આંબાવાડીઓમાં પ્રતિ વર્ષ કેરીની આવક સાથે લીલી હળદર, ભીંડાની સંયુક્ત ખેતી થકી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. માત્ર છાણીયા ખાતરના સથવારે લીલી હળદરના ઉત્પાદનને મળી રહેલા રૂપિયા 400થી 500 પ્રતિ મણના પોષણક્ષમ ભાવને લઈ સારી એવી આવક પ્રગતિશીલ ખેડૂતભાઈઓની જોડી મેળવી રહી છે.

બીજી તરફ ગુણવત્તાયુક્ત લીલી હળદરના આકર્ષણને લઇ ખેરગામ, સુરત સહિતના વેપારીઓ સ્થળ પર આવી આ લીલી હળદરની ખરીદી કરી રહ્યા છે. બામટી,રાનપાડા ગ્રુપ ગ્રામપંચાયતના પૂર્વ સરપંચ વિજયભાઈ પાનેરીયાએ બે એકર જમીનમાં આશરે 300 મણ લીલીહળદર પ્રતિમણ રૂપિયા 400થી 500ના સાફી (કમિશન વિના) બજારભાવ હિસાબે રૂપિયા 1,20,000થી 1,50,000 અને રૂપિયા 28,000ની કિંમતનું 70 મણ બિયારણ મેળવી સંયુક્ત ખેતી થકી પ્રતિ વર્ષ કેરીની આવક આશરે રૂપિયા 70,000 મળી અંદાજે રૂપિયા 2,70,000ની આવક સુનિશ્ચિત કરી છે.

ધરમપુરના ખેડૂત કરી રહ્યાં છે ત્રણ પ્રકારની ખેતી, વેપારીઓ સામેથી આવીને કરે છે ખરીદી

બીજી તરફ વડીલબંધુ દિનેશભાઈ પાનેરીયાએ કેરીની આશરે રૂપિયા 90,000ની પ્રતિ વર્ષ આવકમાં અગાઉ ભીંડાની ખેતી થકી રૂપિયા 50,000થી60,000 હજારની આવક મેળવી લીલીહળદર થકી રૂપિયા 1,50,000થી રૂપિયા 2,00,000ની આવક ઉભી કરી સાથે રૂપિયા 40,000નું 100મણ બિયારણ મેળવી વર્ષ દરમ્યાન ત્રણ પાકના સથવારે રૂપિયા 4,00,000 સુધીની આવક સુનિશ્ચિત કરી છે.

ત્રણે પાકમાં સિંચાઈ આ રીતે કરી તો પાક વધુ મળ્યો

દિવસ દરમિયાન લીલી હળદરની ખેતીમાં પાણી મૂકવાથી લીલી હળદરના છોડના કૂંપણ અને મૂળિયાંને બફારો લાગતાં તેની વૃધ્ધિ રુંધાતી હોય છે.જ્યારે રાત્રિ દરમ્યાન મુકાયેલા પાણી જમા થતાં છોડને સારો ઉછેર મળી શકે છે. દર અઠવાડિયે પાણી મૂક્યું હતું.કાળી અને સોયકાંકરા વાળી જમીનમાં ઉત્પાદન સારું મળતું હોય છે. – વિજય પાનેરીયા, પૂર્વ સરપંચ,બામટી

મજૂરોનો ઉપયોગ કરવો પડે છે

તૈયાર થયેલી લીલી હળદરનો પાક ટ્રેક્ટરથી તૂટી જતો હોય મજૂરો લગાવી ઉત્પાદન મેળવી રહ્યા છે. ગત ચોમાસામાં વધુ વરસાદના કારણે પાકનો ઉતારો થોડો ઓછો આવ્યો છે. માપસરના વરસાદ થવાની સ્થિતિમાં 100થી150 મણ પાક વધુ મળી શકતે. – દિનેશભાઈ નારણભાઈ પાનેરીયા, ખેડૂત અગ્રણી બામટી

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો