મધ્યપ્રદેશમાં અકસ્માતમાં મોતને ભેટેલા 4 લોકોના મૃતદેહને વડોદરા લવાયા, કેનેડાથી પુત્રો આવ્યા બાદ અંતિમ સંસ્કાર કરાશે

મધ્યપ્રદેશના ધાર શહેર પાસે ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર સોમવારે વડોદરાના વડસર અને સમાના પરિવારને અકસ્માત નડતા ત્રણ મહિલા અને એક પુરૂષ સહિત 4 લોકોના મોત થયા હતા. જેમના મૃતદેહોને સોમવારે મોડી રાત્રે વડોદરા લવાયા હતા. જ્યાં વર્ષાબેન ઠાકુરના આજે સવારે અંતિમ સંસ્કાર કરાયા હતા. જોકે પ્રવિણભાઇ પટેલ અને તેમના ભાભી સુમિત્રાબેન પટેલના પુત્રો કેનેડા અભ્યાસ કરતા હોવાથી દંપતિ સહિત 3 લોકોના અંતિમ સંસ્કાર આવતીકાલે સવારે કરવામાં આવશે. આ મૃતકોમાં પ્રવિણ પટેલ અને તેમના પત્ની અમિષા પટેલ, સુમિત્રા પટેલ, વર્ષા ઠાકુરનો સમાવેશ થાય છે. જ્યારે કાર ચલાવી રહેલા દીપક ઠાકુર નામના વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે. ત્યારબાદ તમામ મૃતદેહોનું ધારની જિલ્લા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ વડોદરાના વડસરમાં રહેતો પરિવાર ઓમકારેશ્વરમાં સ્નાન અને દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે તેની કાર ઉભેલા રેતીના ડમ્પરમાં ઘુસી જતા આ દુર્ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે, આ કરૂણાંતિકામાં પતિ-પત્ની અને બે બહેનોના મોત થયા હતા.

ત્રણેયની એકસાથે અંતિમયાત્રા નીકળશે
વડોદરાના બિલ્ડર પ્રવીણ પટેલ અને તેમના પત્ની અમિષા પટેલ અને સુમિત્રા પટેલના મૃતદેહને ભાઇલાલ અમીન હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મૂકવામાં આવ્યા છે. પ્રવિણભાઇનો પુત્ર ધ્રુવ અને સુમિત્રાબેનનો પુત્ર કેનેડાથી બુધવારે સવારે 7 વાગ્યે વડોદરા આવશે. ત્યારબાદ પ્રવિણભાઇ અને અમિષાબેનના મૃતદેહ વડસર સ્થિત આશ્રય સોસાયટીમાં લઇ જવાશે. અને સુમિત્રાબેનના મૃતદેહને વડસર ગામના અંબિકા ચોકમાં લઇ જવાશે. ત્યારબાદ ત્રણેયની અંતિમયાત્રા નિકળશે અને માંજલપુર સ્મશાનમાં એકસાથે ત્રણેયના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

બે મહિના પહેલા જ પુત્ર કેનેડા ભણવા ગયો હતો
બિલ્ડર પ્રવિણભાઇનો પુત્ર ધ્રુવ કેનેડામાં છે. તે બે મહિના પહેલા જ આર્કિટેક્ટરના અભ્યાસ માટે કેનેડા ગયો હતો. ધ્રુવ તેમનો એકનો એક પુત્ર છે. સુમિત્રાબેનને રોશન અને મિતેશ નામના બે પુત્ર છે. જેમાંથી મિતેશ પણ કેનેડામાં ત્રણ વર્ષથી અભ્યાસ કરે છે.

પ્રવિણભાઇના નાનાભાઇ દર અમાષે ઉજ્જૈન જાય છે
વડસરના સામાજિક કાર્યકર કિશોરભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, પ્રવિણભાઇના નાના દિલિપભાઇ દર અમાષે ઉજ્જૈનમાં કાલ ભૈરવના મંદિરે જાય છે, આ વખતે મોટાભાઇ પ્રવિણભાઇ પણ પરિવાર સાથે તેમની સાથે ગયા હતા. અને કાળ તેમને ભરખી ગયો હતો.

અમાસ નિમિત્તે ઓમકારેશ્વરમાં નર્મદામાં સ્નાન કરવા જતા હતા
આ અંગે અકસ્માતનો ભોગ બનેલી કારની પાછળ આવી રહેલા કારમાં સવાર કેતનભાઈ પટેલે જણાવ્યું કે, 26 નવેમ્બરના રોજ અમાસ હોવાથી અમે તમામ લોકો ઓમકારેશ્વરમાં નર્મદામાં સ્નાન કરીને ભગવાનના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. ત્યાર બાદ ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરવા જવાના હતા. દુર્ઘટના સમયે અમારી કાર લગભગ બે કિલો મીટર દૂર હતી.

ઉજ્જૈનનો રૂટ પૂછ્યો અને નીકળ્યા ઓમકારેશ્વર તરફ
વડોદરાના વડસર અને સમામાંથી બે કારમાં લગભગ 11 લોકો ઓમકારેશ્વર જવા નીકળ્યા હતા. આગળની કાર ધાર બાયપાસ પર ફોરલેન પર ઉભેલા રીતેના ડમ્પરમાં ઘુસી ગઈ હતી. ધાર પહોંચતા પહેલા પાછલી કારમાં સવાર મયુરભાઈએ રાજગઢના પોતાના પરિચિત નિરવ ભટ્ટને ફોન કર્યો અને તેને ઉજ્જૈનના રૂટ અંગે પૂછ્યું હતું. આ અંગે નિરવ ભટ્ટે કહ્યું કે, મને સરદારપુર-બદનવાર, બડનગર થઈને ઉજ્જૈન જવા માટે કહ્યું હતું. ત્યારબાદ તેનું મન બદલ્યું અને તે પહેલા ઓમકારેશ્વર જવા નીકળ્યા હતા. જો તે પહેલા ઉજ્જૈન ગયા હોત તો દુર્ઘટના ટળી શકી હોત.

બહેનો અમિષા અને સુમિત્રાના મોત, સુમિત્રાના પતિ પાછળની કારમાં હતા
પાછલી કારમાં સવાર કેતનભાઈએ કહ્યું કે, મૃતકોમાં વર્ષા અને અમિષા બન્ને બહેનો હતી. અમિષાના પતિ પ્રવીણ પટેલ અને દીપક ઠાકુર સાઢુભાઈ છે. દુર્ઘટના સમયે દીપક ઠાકુર કાર ચલાવી રહ્યા હતા. જ્યારે મૃતક સુમિત્રાના પતિ પાછળની કારમાં સવાર હતા. કારમાં કુલ સવાર પાંચ લોકોમાંથી દીપક ઠાકુરને છોડીને બાકીના ચારેયના મોત થઈ ગયા હતા.

પ્રવીણભાઇનો પુત્ર કેનેડાથી આવ્યા બાદ અંતિમવિધિ
સુત્રોએ માહિતી આપી હતી કે આશ્રય સોસાયટીમાં રહેતા પ્રવીણભાઇ અને અમિષાબહેનનો એકનો એક પુત્ર ધ્રુવ કેનેડા ખાતે અભ્યાસ માટે ગયેલો છે, જયારે સુમિત્રાબહેનનો એક પુત્ર પણ કેનેડામાં રહે છે. બંને પુત્રોને આ ઘટનાની જાણ કરવામાં આવી છે. પુત્ર આવ્યા બાદ અંતિમ વિધી કરાશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

પત્નીના મોતની જાણ થતા જ પતિ ભાંગી પડ્યા
દુર્ઘટનાનો ભોગ બનેલી કારની પાછળ ચાલી રહેલી કારમાં કેતનભાઈ પટેલ, પ્રફુલ્લભાઈ, દિલીપ પટેલ(સુમિત્રા પટેલનાપતિ), બ્રજેશ ભાઈ અને મયુરભાઈ સવાર હતા. હોસ્પિટલમાં સૌથી પહેલા સુમિત્રાને મૃત જાહેર કરવામાં આવી હતી. તેના થોડા સમય બાદ પ્રવીણ પટેલનું મોત થયું. દિલીપભાઈને પોતાની પત્નીના મોત અંગે જાણ થતા જ તેઓ ભાંગી પડ્યા હતા. જ્યારે બપોર સુધીમાં વર્ષાનું અને બપોર બાદ સુમિત્રાનું પણ મોત થઈ ગયું.

મૃતકોમાં 2 સગી બહેન, સાઢુભાઇ કાર ચલાવતા હતા
પાછળ આવી રહેલી કારમાં બેઠેલા કેતનભાઇએ જણાવ્યું હતું કે તેમની કાર આગળની કારથી 2 કિમી પાછળ હતી આગળની કારમાં અમિષાબેન અને તેમની બહેન વર્ષાબહેન , અમિષાબેનના પતિ પ્રવીણભાઇ અને વર્ષાબેનના પતિ દિપક ઠાકુર તથા સુમિત્રાબેન બેઠેલા હતા. કાર સાઢુભાઇ દિપકભાઇ ચલાવતા હતા. સુમિત્રાબહેનના પતિ દિલીપભાઇ પાછળની કારમાં બેઠેલા હતા. કારમાં પાંચ વ્યક્તિ બેઠેલા હતા. પાછળ આવેલી રહેલી કારમાં કેતન પટેલ, પ્રફુલભાઇ, દિલીપ  પટેલ, બ્રિજેશભાઇ અને મયુરભાઇ બેઠેલા હતા.

એક એરબેગ ફાટી ગઇ, ડોર લોક થઇ ગયો
અકસ્માત એટલો ભયંકર હતા કે ડંપરનું પાછળનું બંપર કારમાં આગળ બેઠેલા પ્રવીણભાઇ સુધી પહોંચી ગયું હતું. ડ્રાઇવર તરફના ગેટ લોક થયો હતો, જેથી ગેટ તોડવો પડયો હતો. પ્રવીણભાઇ જે તરફ બેઠા હતા તે એરબેગ ફાટી ગઇ હતી પણ કાર ચાલક તરફની એરબેગ ફાટી ન હતી.

ઘટના સ્થળે લોકો ફોટો અને વિડિયો ઉતારવામાં વ્યસ્ત
ધારના શુભમ ચૌધરીએ જણાવ્યું હતું કે  રસ્તામાં અકસ્માત જોતા જ મદદ માટે ઉભા રહી ગયા હતા. સ્થળ પર મદદ કરવાના બદલે લોકો ફોટો અને વિડીયો શુટીંગ કરવામાં વ્યસ્ત હતા. તેમણે અનેક વાહનોને મદદ માટે રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ કોઇ ઉભુ રહ્યું ન હતું, જેથી તેમની 2 કારમાં ઘાયલોને હોસ્પિટલ પહોંચાડયા હતા.

કૂતરાંઓને દૂધ પીવડાવ્યા બાદ જ પ્રવીણભાઇ કામકાજ શરૂ કરતા હતા
અકસ્માતની જાણ થતાં આશ્રય સોસાયટીના રહીશોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પ્રવીણભાઇ સોસાયટીના પ્રમુખ હતા અને મિલનસાર  સ્વભાવ ધરાવતા હતા. રોજ સવારે તેઓ કુતરાઓને 9 થેલી દુધ પીવડાવતા હતા અને ત્યારબાદ જ તેમનું રોજીંદુ કામ શરૂ કરતા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો