લ્યો બોલો સુરતમાં અંતિમવિધિ માટે પણ લાંચ: મૃતદેહના વહેલા અંતિમસંસ્કાર કરવા હોય તો સ્મશાનમાં પણ 2000 રુપિયા ‘ઓન’ બોલાય છે

પ્રત્યેક અગ્નિસંસ્કાર માટે 12 કલાક ઉપરાંતનું વેઇટિંગ ચાલી રહ્યું છે, સ્વજનો હોસ્પિટલમાં તથા અંતિમવિધિ માટે સ્મશાનમાં અટવાઇ રહ્યાં છે છતાં મૃતદેહોના ટોકન તોડીને વહેલાં અંતિમ સંસ્કાર કરી આપવાના નામે પણ ભ્રષ્ટાચાર કરી લોકોને વધુ હાલાકીમાં મુકાઇ રહ્યાં હોવાની અશ્વનીકુમાર સ્મશાન ખાતે રાવ ઊઠી છે.

ટોકન આપવા છતાં પાછળના નંબરના ટોકનને વહેલી તક આપવાના લીધે સ્વજનોની લાચારી વધી ગઇ હોવાની ફરિયાદ સ્થાનિક પદાધિકારીઓને કરાઇ છે. શુક્રવારે ફુલપાડાના અશ્વનીકુમાર સ્મશાન ખાતે 5402, 5403 અને 5411 નંબરના ટોકન ધારકોએ ફરિયાદ ઉપાડી હતી કે, ટોકન પ્રમાણે જ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાનો નિયમ હોવાં છતાં બધા લાઇનમાં ઊભાં છે ત્યાં 5418 નંબરના ટોકન વાળાના મૃતદેહની અંતિમ વિધિ કરાઇ હતી.

આ અંગે અવાર-નવાર આવાં કિસ્સા સામે આવ્યાં હોવાથી બાકી રહી ગયેલાં આગળના ટોકન ધારકોએ સ્મશાનની ઓફિસ ઉપર ભારે હંગામો કરી મુક્યો હતો. ટોકન ધારકોએ આરોપ કર્યો હતો કે, કેટલાક જવાબદારો પ્રતિ મૃતદેહ ઉપર વધારાના 2 હજાર રૂપિયા લઇ પાછળના ટોકન વાળાને પણ આગળ તક આપી રહ્યાં છે. તેમણે કહ્યું કે, કોવિડ દર્દીના મૃત્યુના 5 કલાક પછી હોસ્પિટલમાં રાહ જોયા પછી મૃતદેહ સોંપાયો હતો. જેનાં અંતિમ સંસ્કાર માટે અશ્વનીકુમાર ખાતે આવ્યાં તો 6 કલાકથી ટોકન લઇ બેસાડી દેવાયાં છે.

હજુ નંબર ક્યારે આવે તે ખબર નથી? તેવામાં પાછળના ટોકન ધારકોને કેમ આગળ લઇ લેવાયાં તે બાબત ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. આ આરોપ અંગે સ્મશાનના મેનેજરની ઓફિસમાં જવાબદારોને મળવાનો પ્રયત્ન કરાયો હતો જોકે કોઇ ધ્રુવભાઇએ સિક્યોરિટિ ગાર્ડ થકી જ મળવાની અને વાત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

સુરતના અશ્વિનીકુમાર, કુરુક્ષેત્ર અને ઉમરા સ્મશાનગૃહમાં મૃતદેહોના ઢગ જોવા મળી રહ્યા છે. હોસ્પિટલમાંથી મૃતદેહને સ્મશાનભૂમિ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે. એક એમ્બ્યુલન્સમાં ત્રણથી પાંચ જેટલા મૃતદેહો લઈ જવાય છે. અંતિમક્રિયા માટે મૃતકના સંબંધી વેઇટિંગમાં છે. કલાકો સુધી અંતિમક્રિયા માટે રાહ જોવી પડે છે. લોકો આવી સ્થિતિમાં માનસિક રીતે ત્રસ્ત થઈ ગયેલા જોવા મળી રહ્યા છે.

કલાકો સુધી રાહ જોયા બાદ પણ અગ્નિદાહ ન થયાના ચોંકાવનારા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. કેટલાક ઈસમો મૃતકના સંબંધીઓ પાસેથી રૂપિયા ખંખેરી લઈ ઝડપથી અંતિમક્રિયા કરાવી આપી રહ્યા છે. જો કલાકો સુધી વેઇટિંગમાં ન ઊભા રહેવું હોય તો 1500થી 2000 રૂપિયા આપવા પડશે, એવી માગણી કરી રહ્યા છે. અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં મૃતકોની સંખ્યા વધતાં દરેકને ટોકન ફાળવી દેવામાં આવ્યા છે અને એ ટોકન પ્રમાણે અંતિમસંસ્કારની વિધિ કરવામાં આવી રહી છે, પરંતુ જ્યારે કલાકો સુધી અંતિમસંસ્કારની પ્રક્રિયા પૂર્ણ ન થતાં માલૂમ પડ્યું કે સ્મશાનગૃહના કેટલાક ઇસમો રૂપિયા લઈને પાછળના ટોકન નંબર હોય તેમને પણ પહેલા અંતિમક્રિયા કરી આપે છે, જેને લઈને ભારે હોબાળો અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં જોવા મળ્યો હતો.

લાશોના નામે પણ કમાણી કરતા હોવાના આક્ષેપ

લાશોના નામે પણ કમાણી કરી લેવાનું લોકો છોડતા નથી એવા પ્રકારની સ્થિતિ સ્મશાનગૃહમાં જોવા મળી રહી છે. કોરોના સંક્રમણને કારણે એકાએક પોતાનાં સ્વજનોને ગુમાવવાનું દુઃખ અને બીજી તરફ આવા લાલચી ઈસમો આવા સમયે પણ નિર્લજ્જ થઈ મૃતદેહની અંતિમવિધિને માટે પણ પૈસા કમાવી લેવાનું તરકટ રચી રહ્યા છે.

1000, 1500 અને 2000 રૂપિયા લઈને પહેલાં અંતિમક્રિયા

હરીશ ગુર્જરે જણાવ્યું હતું કે સ્મશાનમાં સવારથી લોકો સ્વજનોની અંતિમવિધિ માટે લાંબી કતારો લગાવીને બેઠા છે તેમને ટોકન આપવામાં આવી રહ્યા છે અને સાંજ પડી તોપણ તેમનો નંબર આવ્યો નથી. પાછળના ટોકન નંબર હોય તેમને પણ 1000, 1500 અને 2000 રૂપિયા લઈને પહેલા અંતિમક્રિયા કરી આપે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો