આણંદની 21 મહિલાઓ ચલાવે છે દેશનું પ્રથમ મહિલા સંચાલિત CNG ગેસ સ્ટેશન

આણંદઃ ભારતમાં હાઇવે પરના સૌ પ્રથમ મહિલાઓથી સંચાલિત સીએનજી ઓનલાઇન ગેસ સ્ટેશનનો મોગર ખાતે પ્રારંભ થયો છે. ચરોતર ગેસના ચોથા સીએનજી ગેસ સ્ટેશનમાં 21 મહિલાઓ વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવશે પ્રથમ શીફટ સાંજે પાંચ વાગે પૂરી થયા બાદ રાત્રે પુરુષો ફરજ બજાવાના છે.

આ હાઇવે પરનો સૌ પ્રથમવારનો પ્રયોગ છે

આણંદ પાસેના મોગર ખાતે નેશનલ હાઇવે પર નવા સીએનજી ગેસ સ્ટેશન શરૂ થવાને કારણે પ્રથમ તબક્કાનો પ્રારંભ થયો છે. જ્યારે બીજા તબક્કામાં ફુડ કોર્ટ શરૂ કરવામાં આવશે. ઓટોમેટીક કાર વોશ સ્ટેશન પણ મહિલાઓ ચલાવાની છે. 24 કલાક અને સાત દિવસ સુધી સતત ચાલુ રહેનારા ગેસ સ્ટેશન પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. જેથી અહી કામગીરી કરનારી મહિલાઓની સુરક્ષા અંગેની કોઇ ચિંતા રહેશે. ગેસ ફિલીર, એકાઉન્ટન્ટ, કેશિયર, હાઉસકીપીંગ, સિક્યુરીટી સહિત વિવિધ જગ્યાઓ પર 21 મહિલાઓ ફરજ બજાવશે. આ સંદર્ભે મોગર ગેસ સ્ટેશનના ઇન્ચાર્જ કેતુબેન અમીને જણાવ્યું હતું કે, સ્ત્રી સશક્તિકરણ માટે સરકાર વિવિધ પગલાં લઇ રહી છે. પરંતુ અહી અમે તમામ મહિલાઓ ટીમવર્કથી કામ કરવાની છે. અત્યાર સુધી જનતા ચોકડી શહેરની વચ્ચે મહિલાઓ કામ કરતી હતી. પરંતુ હાઇવે પરનો સૌ પ્રથમવારનો પ્રયોગ છે.

આણંદ પાસેના મોગર ખાતે ચરોતર ગેસનું ઓનલાઇન સીએનજી ગેસ સ્ટેશન શરૂ, 21 મહિલાઓ સાંજે 5 વાગ્યા સુધી ફરજ બજાવશે

એક સાથે 12 વાહનોમાં સીએનજી ગેસ પૂરી શકાશે

ચરોતર ગેસ મંડળીના ચેરમેન કિરણભાઈ પટેલે (કોમ્ફી) જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે પર છાણી સુધી કોઇ ઓનલાઇન સીએનજી ગેસ સ્ટેશન ન હતું. આથી આ શરૂ થવાને લીધે હાઇવેની આસપાસના ગામોના વાહનચાલકોને આણંદ શહેરમાં અંદર આવવુ નહીં પડે. એક સાથે 12 વાહનોમાં સીએનજી ગેસ પૂરી શકાશે. અંદાજે રોજના ત્રણ હજાર વાહનોમાં ગેસ પૂરાશે. મોગર બાદ ચરોતર ગેસ દ્વારા ઉમરેઠ, બોરસદ, વાસદ ખાતે સીએનજી ગેસ સ્ટેશનો નવા ઉભા કરાશે.

મહિલા પોલીસના સીધા સંપર્કમાં રહેતી ગેસ સ્ટેશનની મહિલા કર્મચારીઓ

ચરોતર ગેસ સ્ટેશનના રમેશભાઈ પ્રજાપતિના જણાવ્યાં પ્રમાણે આણંદ જિલ્લા પોલસી વિભાગમાં વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીઓના તમામ મોબાઇલ નંબરો પર ગેસ સ્ટેશનની મહિલા કર્મચારીઓ પાસે છે. કોઇપણ જાતની તકરાર કે કોઇ બનાવ બને તો મહિલા કર્મચારી તરત જ મહિલા પોલીસને ફોન કરી દેશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો