સુરતમાં ફાયરિંગથી ફફડાટ, 3 દિવસમાં 2 મોટા ગેંગસ્ટરના મર્ડર, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, દિન દહાડે ફાયરિંગ અને છુરાબાજી સામાન્ય થતું જાય છે,કાયદાનો કોઈને હાઉ જ ના રહ્યો હોય તેમ લોકો હવે કાયદો હાથમાં લઈ રહ્યા છે. સુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં ગેંગવોર જોવો માહોલ સર્જાયો છે. જેમાં બે ગેંગસ્ટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ગોળીઓ મારી હત્યાઓના પગલે લોકોમાં ભયની સાથે રોષ પણ ફેલાયો છે.

પ્રથમ ઘટનાઃ ખંડણીખોર વસીમ બિલ્લાની ગોળી મારી હત્યા

નવસારીમાં છાપરા રોડ ઉપર મણીનગર સોસાયટી નજીક જીમમાંથી બહાર નીકળી ઘરે જઇ રહેલા માથાભારે વસીમ બિલ્લાની કાર રોકી ચાર જણાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરી બે બાઈક પર ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં વસીમ બિલ્લાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.મૃતક વસીમ બિલ્લા પહેલા ફિલ્મમાં માણેક ઈરાની (બિલ્લો) સાથે કામ કર્યું હતું અને તેના જેવી જ બોડી હોય તેને ત્યારબાદ વસીમ મિર્ઝા નહી પરંતુ વસીમ બિલ્લા તરીકે ઓળખતા હતા. કસરતી બોડી અને સારી ઊંચાઈ ને કારણે બોલીવુડમાં સાઈડ કલાકાર તરીકે પણ કામ કર્યું હતું. તેને બોડીનું અભિમાન આવી જતા તે સુરતમાં આવી નાસીર ગેંગમાં જોડાઈને ખંડણી અને મારામારીનું કામ કરતો હતો. જેમાં વ્હોરા સમાજનાં અગ્રણી બદરી લેસવાળા ઉપર તેના ઘરે જઈને હુમલો કર્યો હતો. ભૂતકાળમાં સરદાર માર્કેટ ખાતે લીબું અને ધાણાનાં વેપારીને 20 લાખની ખંડણી બાબતે ધમકી આપી હતી ત્યારે તે ઝડપાઈ ગયો હતો. છેલ્લા ત્રણ માસથી નવસારીમાં તડીપાર તરીકે રહેતો હતો.

બીજી ઘટનાઃ ગુડ્ડુ ગેંગના રીઢા ગુનેગારની બે ગોળી મારીને હત્યા

પાંડેસરામાં તેરેનામ ચોકડી નજીક ગીતાનગર સોસાયટીની ગલીમાં શુક્રવારે રાત્રે ગુડ્ડુ ગેંગના રીઢા ગુનેગાર સચિન મિશ્રાની હુમલાખોરોએ ફાયરિંગ કરી હત્યા કરી હતી. આ હત્યા ગેંગવોરમાં થઈ હોવાની આશંકા છે. મરનાર સચિન દિનેશ મિશ્રા બે દિવસ પહેલાં લાજપોર જેલમાંથી છુટ્યો હતો.ડિંડોલી પોલીસમાં હત્યાની કોશિષના ગુનામાં તે બે મહિનાથી જેલમાં બંધ હતો. ત્રણ હુમલાખોરોએ બાઇક પર આવી બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું, જેમાં સચિન મિશ્રાને પહેલી ગોળી ગળાના ભાગે વાગતાં તે જીવ બચાવી નજીકમાં એક મકાનમાં ઘુસી ગયો હતો. જ્યાં પણ હુમલાખોરોએ દોડી આવી બીજી ગોળી માથામાં મારી દેતા તે ત્યાં ઢળી પડયો હતો અને ગણતરીની મિનીટોમાં તેનું મોત થયું હતું. સચિન મિશ્રા પાંડેસરા બાલાજીનગરમાં માતા-પિતા સાથે રહે છે અને શુક્રવારે સાંજે તે ગીતાનગરમાં આવ્યો હતો. તે વખતે હુમલાખોરોએ ફાયરિંગ કર્યુ હતું. હુમલાખોરોએ સચિનની હત્યાની રેકી પણ કરી હતી, ગીતાનગર સોસાયટીમાં સચિન કોને ત્યાં આવ્યો હતો તે અંગે પોલીસે કોઈ ફોડ પાડયો નથી.

નવા વર્ષે જ ગેંગવોરમાં યુવકની હત્યા થઈ હતી

વેડ રોડ પંડોળ વિસ્તારમાં નવા વર્ષે જ સૂર્યા મરાઠી ગેંગ અને ડાહ્યા ગેંગના સભ્યો વચ્ચે જૂની અદાવતને લઈને મારામારીના દ્રશ્યો સર્જાયા હતાં. બંને ગેંગના યુવાનો એકબીજા ઉપર તીક્ષ્ણ હથિયારો લઈને તૂટી પડ્યા હતાં અને જાહેરમાં તલવાર અને ચપ્પુ વડે એકબીજા ઉપર હુમલો કરી રહ્યાં હતાં. 5 જેટલાં યુવકોએ એક યુવકને ચપ્પુ અને તલવારના અનેક ઘા ઝીંકીને હત્યા કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો