સુરતમાં મૃતદેહો બદલાઈ ગયા: અંતિમ વીડિયો કોલમાં માતાએ સંતાનોને કહ્યું- અહીં ખૂબ જ તકલીફ છે; મને બીજે શિફ્ટ કરો, 7 વર્ષની દીકરીએ કહ્યું હતું કે ‘અમ્મી, આપ હિંમત રખના’ પુત્ર માતાની દફનવિધિથી પણ વંચિત રહ્યો

સુરતમાં કોવિડ હોસ્પિટલની એક ગંભીર ભૂલે એક પુત્રને માતાની દફનવિધિથી વંચિત રાખ્યો છે. સુરત કોવિડ હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ પામેલી બે મહિલા શબાના અને સુશીલાના મૃતદેહો બદલાઈ ગયા હતા. જેની દફનવિધિ કરવાની હતી તે શબાનાનો મૃતદેહ સુશીલાના પરિવારને સોંપી દેવાતાં તેમણે અગ્નિસંસ્કાર કરી દીધા હતા. જ્યારે સંતાનો સાથે અંતિમ વીડિયો-કોલમાં માતાએ કહ્યું હતું કે અહીં ખૂબ જ તકલીફ છે. મને અહીંથી શિફ્ટ કરો. સામેથી સંતાનોએ હિંમત રાખવાનું આશ્વાસન આપ્યું હતું.

પિતાનું મોત બાદ માતાના મોતથી સંતાનો નોધારાં થયાં

સૈયદપુરા રાજાવાડી ખાતે રહેતા 38 વર્ષીય શબાનાબેન મોહમ્મદ અંસારીના પતિનું અગાઉ હૃદયરોગથી મૃત્યુ થઇ ગયું હતું. હાલ તેઓ પુત્ર અનશ, આકિબ અને 7 વર્ષીય દીકરી અલવીરા સાથે રહેતા હતા. 10 દિવસ પહેલાં તેમને લક્ષણો જણાતાં રિપોર્ટ કરાવ્યો હતો અને પોઝિટિવ આવ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. છેલ્લા બે-ત્રણ દિવસથી તેમની તબિયત વધુ ગંભીર બનતાં તેમને વેન્ટિલેટર પર મૂકવા પડ્યા હતા. શનિવારે સાંજે સાડાપાંચ વાગ્યે તેમનું મૃત્યુ થયું હતું. જોકે મૃત્યુના 4 કલાક પહેલાં એટલે કે બપોરે દોઢ વાગે શબાનાએ વીડિયો-કોલથી તેમના પુત્ર અનશ અને દીકરી અલવીરા સાથે વાતો કરી હતી.

વીડિયો-કોલના 4 કલાક બાદ તબિયત લથડી હતી

વીડિયો-કોલમાં શબાનાએ દીકરાને કહ્યું હતું કે અહીં ખૂબ જ તકલીફ છે. મને બીજે શિફ્ટ કરી દો. ત્યારે 7 વર્ષની અલવીરાએ કહ્યું હતું કે ‘અમ્મી, આપ હિંમત રખના’. જોકે આ પછી સાડાચાર વાગે સિવિલ હોસ્પિટલમાંથી શબાનાના પુત્ર અનશને ફોન ગયો હતો કે તમારી માતાની તબિયત વધુ ગંભીર થઇ ગઇ છે. આ પછી એક કલાક બાદ ફરીથી અનશને તેની માતાનું મૃત્યુ થઇ ગયું હોવાનો સંદેશો મળ્યો હતો. પિતા વગરના પુત્રએ માતાના મૃત્યુની જાણ માસીને કરી હતી અને રવિવારે સવારે સૈયદપુરાના હસનજી કબ્રસ્તાનમાં દફનવિધિ કરવા માટે કબર ખોદી હતી.

ઘટના શું હતી?

રવિવારે સવારે શબાનાનો પરિવાર મૃતદેહ લેવા પહોંચ્યો ત્યારે એક કલાક સુધી તેમને બેસાડી રાખવામાં આવ્યા અને મૃતદેહ બદલાઇ ગયો હોવાની કોઇપણ જાણ કરવામાં આવી નહીં. ત્યાર બાદ પરિવારની ધીરજ ખૂંટતાં તેમણે મૃતદેહની માગણી કરી હતી. આ સમયે સિવિલ હોસ્પિટલમાં મૃતદેહનો નિકાલ કરનાર ખાનગી ટ્રસ્ટના સંચાલકે ભૂલ થઇ ગઇ હોવાનું કહી શબાનાના અંતિમસંસ્કાર કરી દીધા હોવાની જાણ કરી હતી. આ સાંભળતાં જ શબાનાના પુત્ર અને તેમનાં બહેનના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને રીતસર તેઓ ભાંગી પડ્યાં હતાં. આ પછી તેમણે પોતાનાં પરિવારનાં અન્ય સ્વજનોને પણ બોલાવતાં ભારે વિવાદ થયો હતો.

સિવિલની આ બેદરકારીને પગલે રોષે ભરાયેલા શબાનાના પુત્ર અનશ અને તેની માસી દ્વારા જવાબદારને મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસ આવી ગઇ હતી અને તેમણે ઘટનાની તપાસ કરવાની ખાતરી આપી હતી. મૃતદેહ જોવા માટે પરિવાર સતત આજીજી કરતો રહ્યો હતો. પોલીસ શબાનાના પરિવારને મડદાઘરમાં લઇ ગઇ ત્યારે ત્યાં સુશીલાનો મૃતદેહ પડ્યો હતો. સુશીલાના પરિવાર શનિવારે મોડી સાંજે જ તેમને સોંપવામાં આવેલા શબાનાના મૃતદેહના અગ્નિસંસ્કાર કરી તેમના વતન મહારાષ્ટ્ર ખાતેના ધુલિયાના નિમગુળ ગામે જતા રહ્યા હતા. ઘટના અંગે કલેક્ટરે તપાસ કમિટી નીમી હતી. જોકે પરિવાર સમક્ષ કલેક્ટરે કહ્યું હતું કે અમે ભૂલ સ્વીકારીએ છીએ, પણ હવે બીજો કોઇ વિકલ્પ નથી. રવિવારે મોડી સાંજે ખટોદરા પોલીસે બે લોકો સામે ગુનો દાખલ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો