એક વર્ષનો દીકરો બીમાર હોવા છતાં સાથે રાખીને મહિલા પોલીસકર્મી ટ્રમ્પના કાર્યક્રમના બંદોબસ્તમાં ફરજ બજાવવા મજબૂર

ગુજરાતની સંવેદનશીલ ભાજપ સરકાર એક તરફ મહિલાઓની સુરક્ષાની વાતો કરે છે, બીજી બાજુ મહિલા પોલીસ કર્મીઓ સાથે ફરજના નામે જોહુકમી કરવામાં આવી રહી છે. વડોદરા શહેરના ગોરવા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે રજૂઆત છતાં તેણીને એક વર્ષના દીકરા સાથે અમદાવાદ ખાતે ‘નમસ્તે ટ્રમ્પ’ના બંદોબસ્તમાં મોકલવામાં આવ્યા છે. દીકરાને આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં સાથે લઈને સંગીતાબહેન પરમાર 19 ફેબ્રુઆરીથી અમદાવાદમાં ફરજ બજાવી રહ્યાં છે.

એક વર્ષનો દીકરો સ્તનપાન કરે છે તેમ છતાં બંદોબસ્ત મૂકાયા

વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા અમદાવાદ ખાતે 24 ફેબ્રુઆરીના રોજ આવી રહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના બંદોબસ્તમાં 500થી પોલીસ જવાનો મોકલવામાં આવ્યા છે. જેમાં વડોદરા શહેરના આઇ.પી.સી.એલ. ટાઉનશિપમાં રહેતા અને વડોદરાના ગોરવા પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સંગીતાબહેન રણજીતસિંહ પરમારને પણ મોકલવામાં આવ્યા છે. તેઓને એક વર્ષનો પુત્ર ધ્રુવ છે. અને આજે પણ તે સ્તનપાન કરે છે. તેઓને અમદાવાદના રાયચંદનગર રોડ ઉપર બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા છે.

બંદોબસ્ત સ્થળ પર સાડીનો ઝૂલો બાંધીને પુત્રને આરામ કરાવી રહી છું

પોલીસ કોન્સ્ટેબલ સંગીતાબહેન પરમારે જણાવ્યું હતું કે, મને 19 ફેબ્રુઆરીની રાતથી બંદોબસ્તમાં મોકલવામાં આવી છે. મારે એક વર્ષનો પુત્ર છે. તેણે આંખોમાં ઇન્ફેક્શન થયું છે. આંખો ખોલી શકતો નથી. ગઇકાલે મે સાકેજ ગામમાં રહેતા મારા સબંધિના ઘરે મૂકીને બંદોબસ્તમાં આવી હતી. મારો જ્યાં બંદોબસ્ત છે. ત્યાંથી 24 કિલોમીટર ગામ છે. મારો પુત્ર ગઇકાલે આખો દિવસ રડ્યો છે. આજે હું મારી સાથે બંદોબસ્ત સ્થળે લઇને આવી છું. બંદોબસ્ત સ્થળ પર સાડીનો ઝૂલો બાંધીને તેને આરામ કરાવી રહી છું.

પુત્રની તબિયત સારી ન હોવા છતાં ફરજના ભાગરૂપે બંદોબસ્તમાં આવી છું

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારો પુત્ર નાનો હોવાથી મને બંદોબસ્તમાં ન મોકલવા માટે ઉપલા અધિકારીઓને રજૂઆત કરી હતી. પરંતુ મારી રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી નથી. હાલ મારા પુત્રની તબિયત સારી ન હોવા છતાં મારી ફરજના ભાગરૂપે બંદોબસ્તમાં આવી છું. મને બંદોબસ્તમાં આવવા સામે કોઇ વાંધો નથી. માત્ર મારા પુત્રના કારણે મને તકલીફ છે. જેના બાળકો નાના હોય તેવા મહિલા કર્મચારીઓને બંદોબસ્તથી દૂર રાખવા જોઇએ. એવી મારી લાગણી છે. હાલ અમારો બંદોબસ્ત સવારે 8 રાત્રીના 9 વાગ્યા સુધીનો છે. મને મારા પુત્રની ચિંતા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો