ભારતીય ક્રિકેટર હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુભાઈ પંડ્યાનું હાર્ટએટેકથી વડોદરામાં નિધન, બંને દીકરાએ પિતાંબર પહેરી કાંધ આપી, દેહ પંચમહાભૂતમાં વિલિન
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું આજે વહેલી સવારે વડોદરામાં નિધન થયું હતું. સવારે હૃદયરોગનો હુમલો થતાં ક્રિકેટરબંધુના 71 વર્ષીય પિતા હિમાંશુભાઈ પંડ્યાનું નિધન થયું હતું, જેથી કૃણાલ પંડ્યા હાર્દિક બંને પુત્રો ઘરે આવી પહોંચ્યા હતા. ત્યારબાદ અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં પરિવાર, સંબંધીઓ સહિતના હાજર રહ્યા હતા. જ્યારે બંને દીકરાએ પિતાંબર પહેરી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક કાંધ આપી હતી. બાદમાં વડી વાડી ખાતે અગ્નિસંસ્કાર આપવામાં આવ્યાં હતાં.
બરોડા ક્રિકેટ એસોસિએશન મીડિયા કમિટિના ચેરમેન સત્યજીતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે, છેલ્લા થોડા સમયથી હિમાંશુ પંડ્યાની તબિયત નાદુરસ્ત હતી. આજે સવારે 4 વાગ્યે હાર્ટ એટેક આવતા તેઓને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં રસ્તામાં જ નિધન થયું હતું. ત્યારબાદ ઘરે લઈ આવ્યા હતા. વડોદરાના ભાયલી રોડ ખાતે આવેલા ઘરેથી અંતિમયાત્રા કાઢી વડીવાડી સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યાં હતાં. પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકિપેર કિરણ મોરે પણ પહોંચ્યા હતા.
Himanshu Pandya, father of India cricketers #HardikPandya and Krunal Pandya, died due to a cardiac arrest. pic.twitter.com/DctGZlQ1Al
— TOI Ahmedabad (@TOIAhmedabad) January 16, 2021
હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યા સુરતમાં ફાઇનાન્સનો વેપાર કરતા હતા. જોકે થોડા સમય બાદ 1998માં તેમના પિતા વેપાર બંધ કરીને વડોદરા જવા મજબૂર થયા હતા. એ સમયે હાર્દિક પંડ્યા માત્ર પાંચ વર્ષનો હતો. વડોદરામાં પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો. હાર્દિકના પિતાને ક્રિકેટની રમત ખૂબ પસંદ હતી. તેઓ હંમેશાં પોતાના બંને દીકરાને પાસે બેસાડી મેચ દર્શાવતા હતા તો અનેકવાર મેચ જોવા માટે સ્ટેડિયમ પણ લઈ જતા હતા.
આર્થિક તંગી હોવા છતાં દીકરાઓને ક્રિકેટ એકેડમીમાં એડમિશ અપાવ્યું હતું
હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાને પિતાએ આર્થિક તંગી હોવા છતાંય કિરણ મોરેની એકેડમીમાં એડમિશન અપાવ્યું હતું. હાર્દિક પંડ્યા ધોરણ-9માં નાપાસ થયો હતો. ત્યાર બાદ તેણે સમગ્રપણે ક્રિકેટ પર ફોકસ કરવા માટે અભ્યાસ છોડી દીધો હતો. હાર્દિક 17 વર્ષનો હતો ત્યારે તેની પાસે પોતાની ક્રિકેટ કિટ પણ નહોતી. બંને ભાઈઓએ લગભગ એક વર્ષ સુધી બરોડા ક્રિકેટ એસોસિયેશન પાસેથી ક્રિકેટ કિટ લઈને કામ ચલાવ્યું હતું.
અંડર-19 ક્રિકેટ દરમિયાન હાર્દિક અને કૃણાલ પાસે પૈસા રહેતા ન હતા, જેને કારણે તે મેગી ખાઈને કામ ચલાવતા હતા. આ દરમિયાન હાર્દિકના પરિવારની હાલત પણ કાંઈ ઠીક ન હતી. જોકે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ખરીદાયા બાદ હાર્દિક અને તેના પરિવારનું જીવન બદલાઈ ગયું હતું. એ બાદ તે સતત શાનદાર પ્રદર્શન કરતો રહ્યો અને ભારતીય ટીમમાં જગ્યા બનાવી લીધી છે.
ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની પત્ની નતાશા 6 મહિના પહેલાં આણંદની આકાંક્ષા હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. હાર્દિકની પત્ની નતાશાએ પુત્રને જન્મ આપ્યો હોવાની ખુશ ખબરી સાંભળીને માતા-પિતા આણંદ ખાતે હોસ્પિટલમાં પહોંચી ગયાં હતાં અને ખુશી વ્યક્ત કરી હતી.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર કિરણ મોરેએ જણાવ્યું હતું કે, હિમાંશુભાઈ તેમના બંને પુત્રો હાર્દિક અને કૃણાલને મારી એકેડેમીમાં પ્રવેશ માટે આવ્યા હતા. બન્ને ભાઈઓ શરૂઆતથી જ મહેનતુ અને ક્રિકેટમાં આગળ વધવાની ધગશ ધરાવતા હતા. આજે તેઓ ભારતીય ક્રિકેટ ટીમમાં જે સ્થળે પહોંચ્યા છે તે માટે તેમના પિતા હિમાંશુભાઈ પંડ્યાનો સિંહ ફાળો છે. આજે તેઓનું અવસાન થયું તેનાથી હું દુઃખની લાગણી અનુભવું છું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

