રાજકોટ: પરીક્ષાના 20 દિવસ પહેલા જ પિતાનું થયું નિધન, છતાં પણ પુત્રએ હિંમત રાખી પરીક્ષા આપતા 97.04 PR મેળવ્યા

રાજકોટમાં સ્વ. હસમુખભાઇ ટાંકના પુત્ર સંકેતે 12 સાયન્સમાં 97.04 PR મેળવ્યા છે. પરંતુ સંકેત સાથે ભગવાને કસોટી કરી હોય તેમ પરીક્ષાના 20 દિવસ પહેલા જ પિતાનું મોઢાના કેન્સરને કારણે અવસાન થયું હતું. એક તરફ માથા પર 12 સાયન્સની પરીક્ષા અને બીજી તરફ પિતાના અવસાનનો આઘાત આવી પડ્યો હતો. નાની ઉંમરમાં જ આટલું દુખ આવી પડ્યું અને આ વાત કોઇ પણ સાંભળે તો તેની આંખોમાં આંસુ જરૂર આવી જાય. છતાં સંકેત હિંમત ન હાર્યો અને 12 સાયન્સની પરીક્ષા પૂરી મહેનત સાથે આપી અને ઝળહળતું પરિણામ પણ પ્રાપ્ત કર્યું. સંકેતના પરિણામથી સૌથી વધુ તેના માતા હર્ષાબેન ખુશ થયા છે અને સવારથી જ સગા-સંબંધીઓના ફોન અભિનંદન આપવા માટે રણકવા લાગ્યા છે. પતિના અવસાનનું દુખ ભૂલાવી દે તેવું પરિણામ પુત્રએ પ્રાપ્ત કરતા ભગવાને છિનવેલી ખુશી ફરી પરત આવી છે. હર્ષાબેન ઘરકામ ઉપરાંત સિલાઇકામ, વેફર બનાવીને વેચવાનું કામ કરે છે.

હું મારા પતિની પીડા જોઇ શકતી નહોતી: હર્ષાબેન

હર્ષાબેને જણાવ્યું હતું કે, મારા પતિને એક વર્ષ પહેલા મોઢાનું કેન્સર થયું હોવાથી અમદાવાદ તેની સારવાર ચાલી રહી હતી. બાદમાં સંકેતની પરીક્ષા નજીક આવી તેમ તેની તબીયત પણ વધુ લથડી હતી. ડોક્ટર ડ્રેસીંગ કરવા ઘરે આવતા ત્યારે સંકેત જ તેના રૂમમાં રહેતો અને તેનું ધ્યાન રાખતો હતો. હું મારા પતિની પીડા જોઇ શકતી નહોતી. પરંતુ સંકેત હિંમત રાખી બધાને સાંત્વના આપતો હતો. મારા પતિ અવસાન પામ્યા ત્યારે તેણે મને કહ્યું હતું કે, મમ્મી પપ્પા પીડામાં છૂ્ટ્યા છે તમે જરા પણ દુખ ન લગાડતા અને ઘરના એક પણ સભ્ચની આંખમાંથી આંસુ વહેવા દીધુ નહોતું. કઠણ હૃદય રાખી પિતાની અંતિમવિધિ કરી હતી.

રોજ 10થી 11 કલાકનું વાંચન

સંકેત રોજ 10થી 11 કલાક સુધી વાંચન કરતો હતો. દિવસે પિતાની સેવા કરતો અને રાત્રે વાંચન કરતો હતો. તેમજ સવારે સ્કૂલે જતો રહેતો અને બપોર સુધી ત્યાં જ વાંચતો હતો. સંકેત ક્રિષ્ના હાયર સેકેન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરે છે. સ્કૂલના સંચાલકોએ પણ અમને કહી દીધું હતું કે, તમારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. સંકેતની જવાબદારી અમારા પર છોડી દો. સ્કૂલ દ્વારા રોજ સંકેતની એક્ઝામની તૈયારી કરાવવામાં આવતી હતી. પરિવાર ઉપાંત સ્કૂલે પણ અમારી ખૂબ મદદ કરી છે. સંકેતને 10માં ધોરણમાં પણ 98 પીઆર મેળવ્યા છે. 10 ધોરણમાં હતો ત્યારે તેના પિતાનું પહેલું ઓપરેશન કર્યું હતું. મારે સંતાનમાં સંકેત અને દીકરી દિવ્યશા છે. દિવ્યશા હાલ એન્જિનિયર છે અને તે અમદાવાદમાં નોકરી કરે છે. મને મારા સંતાનો પર ગર્વ છે.

કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનું સપનું

સંકેતને કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનું સપનું છે. સંકેતના પિતા સેલ્સમેન હતા. સંકેતે જણાવ્યું હતું કે, ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ આપણે અડગ રહેવું જોઇએ. બીજા વિદ્યાર્થીઓને હું એટલો જ સંદેશ આપીશ કે, 12 સાયન્સની બધી બુકને સોલ્વ કરવી જોઇએ. ક્યારેય ગોખવું ન જોઇએ.

કારખાનામાં મજૂરી કરનારના પુત્રે મેળવ્યા 70 પીઆર

સર્વોદય સાયન્સ સ્કૂલમમાં અભ્યાસ કરતા ભાવિન હિતેશભાઇ વરસડાને 70 પીઆર આવ્યા છે. તેણે જણાવ્યું હતું કે, મારૂ સપનું ઇલેક્ટ્રીકલ એન્જિનિયર બનવાનું છે. મારા પિતા મજૂરી કામ કરી રાત-દિવસ એક કરી મને ભણાવ્યો છે. હવે હું આગળ એન્જિનિયર બનીને મારા પિતાનું મજૂરી કામ બંધ કરાવવું છે.

સિક્યુરિટીની પુત્રીને 99.96 પીઆર

રાજકોટની કોમલ લક્ષ્મણભાઇ શિયાળને 12 સાન્સમાં 99.96 પીઆર આવ્યા છે. કોમલે બી ગ્રુપ રાખ્યું હતું. કોમલના પિતા લક્ષ્મણભાઇ સિક્યુરિટી તરીકે કામ કરે છે. કન્યા છાત્રાલયમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવે છે. તેઓને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. લક્ષ્મણભાઇ જણાવ્યું હતું કે, મારી દીકરી સ્કૂલ ઓફ સાયન્સમાં અભ્યાસ કરે છે. સ્કૂલ તરફથી અમને ઘણો બધો સપોર્ટ મળ્યો છે. એમ ગણો તો સ્કૂલમાં મેં ફી ભરી નથી તેવી મદદ મળી છે. મારી દીકરી રોજ 12થી 14 કલાક મહેનત કરતી હતી. મારી દીકરીએ એમએસ કાર્ડિયોલોજીસ્ટ બનવાનું સપનુ છે.

રાજકોટમાં ચાની દુકાનદારના પુત્રે 98.37 પીઆર મેળવ્યા

રાજકોટના કોઠારીયા ગામમાં ચાની દુકાન ચલાવતા હરેશભાઇ ચૌહાણના પુત્ર કેવીને 98.37 પીઆર મેળવ્યા છે. કેમેસ્ટ્રીમાં 75 માર્ક આવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. પેપર રી-ચેકિંગ કરવામાં આવે તો પીઆરમાં વધારો થવાની આશા છે. ચાની દુકાન ચલાવી પિતાએ અભ્યાસ કરાવ્યો હોવાથી મહેનત એળે ન જવા દેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો