દેશના તમામ ટોલ પ્લાઝા પર આજથી ફરજીયાત થશે FASTAG, જાણો ક્યાંથી ખરીદવું અને રિચાર્જ કેવી રીતે કરાવવું…
15 ફેબ્રુઆરીથી દરેક ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ (Fastag) ફરજીયાત થઈ રહ્યુ છે. નવી વ્યવસ્થાની સાથે દરેક ટોલ પ્લાઝા પર રોકડ લેવડ દેવડ બંધ થઈ જશે. ફાસ્ટેગ(Fastag)ને રિચાર્જ કરાવવામાં આવી રહેલી મુશ્કેલીને પણ એએચએઆઈ (AHAI)એ દુર કરી દીધી છે. જો કોઈ વાહનનું ફાસ્ટેગ (Fastag) એકાઉન્ટ રિચાર્જ ન હોય તો વાહન ચાલક ટોલ ઉપર તેને રિચાર્જ કરાવી શકશે. એનએચએઆઈ (NHAI) મેનેજમેન્ટ રિચાર્જ ત્રણ મિનિટમાં થતુ હોવાની વાત કરી રહ્યા છે. જો કે વધુ જાણકારી તો લોકોને હવે આ નવી વ્યવસ્થા શરૂ થયા પછી જ ખબર પડશે.
15 ફેબ્રુઆરી એટલે કે સોમવારે સમગ્ર દેશમાં ફાસ્ટેગ ફરજિયાત થઈ જશે. ટૂ-વ્હીલર વાહનો સિવાય તમામ પ્રકારના વાહનોમાં ફાસ્ટેગ લગાવવો પડશે. જો વાહનમાં ફાસ્ટેગ નહીં હોય તો ડ્રાઈવર/માલિકને ટોલ પ્લાઝા પરથી પસાર થવા માટે ડબલ ટેક્સ અથવા દંડ ભરવો પડશે. અમે તમને ફાસ્ટેગ વિશે બધું જણાવી રહ્યા છીએ.
ફાસ્ટેગ ખરીદવા માટે શું શું જોઈએ ?
ડ્રાઈવરનું લાઈસન્સ અને વાહનના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની કોપી જમા કરાવીને ફાસ્ટેગ ખરીદી શકાય છે. બેંક KYC માટે યુઝર્સની પેન કાર્ડ અને આધાર કાર્ડની કોપી પણ માગે છે.
ફાસ્ટેગને કેવી રીતે રિચાર્જ થાય છે ?
જે બેંકનું ફાસ્ટેગ છે, તેની વેબસાઈટ પર જઈને ઓનલાઈન રિચાર્જ કરી શકાય છે. તે ઉપરાંત UPI/ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/NEFT/નેટ બેંકિંગ વગેરે દ્વારા રિચાર્જ કરી શકાય છે. જો ફાસ્ટેગ બેંક અકાઉન્ટ સાથે લિંક છે તો પૈસા સીધા અકાઉન્ટમાંથી કટ થઈ જાય છે. જો Paytm વોલેટ ફાસ્ટેગ સાથે લિંક હોય છે તો પૈસા સીધા વોલેટમાં ઉમેરી શકાય છે.
ક્યાંથી ફાસ્ટેગ લઈ શકાય છે?
ફાસ્ટેગને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ખરીદી શકાય છે. કોઈપણ ઓથોરાઈઝ્ડ બેંક અથવા એમેઝોન, ફ્લિપકાર્ટ અને પેટીએમ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મથી ઓનલાઈન ફાસ્ટેગ ખરીદી શકાય છે. તે ઉપરાંત 23 ઓથોરાઈઝ્ડ બેંક, રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસના પોઈન્ટ ઓફ સેલ પરથી ફાસ્ટેગ લઈ શકાય છે. NHAIના અનુસાર, સમગ્ર દેશમાં 30 હજાર પોઈન્ટ ઓફ સેલ (PoS) પર ફાસ્ટેગ ઉપલબ્ધ છે.
શું ફાસ્ટેગ જરૂરી છે?
અત્યારે ટોલ પ્લાઝાને પાર કરવા માટે ફાસ્ટેગ જરૂરી છે. 1 એપ્રિલથી સરકાર થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ ખરીદવા માટે પણ ફાસ્ટેગ ફરજિયાત કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં જે વાહન ટોલ પ્લાઝા પાર નહીં કરે, તેમના માટે પણ ફાસ્ટેગ જરૂરી હશે.
શું હોય છે ફાસ્ટેગ?
ફાસ્ટેગ એક પ્રકારનો ટેગ અથવા સ્ટિકર હોય છે. તે વાહનની વિન્ડસ્ક્રીન પર ચોંટાડવાંમાં આવે છે. ફાસ્ટેગ રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન અથવા RFID ટેક્નિકથી કામ કરે છે. આ ટેક્નિક દ્વારા ટોલ પ્લાઝા પર લાગેલા કેમેરા સ્ટિકરના બારકોડને સ્કેન કરે છે અને ટોલ ફી આપોઆપ ફાસ્ટેગના વોલેટમાંથી કટ થઈ જાય છે. ફાસ્ટેગના ઉપયોગથી વાહનચાલકને ટોલ ટેક્સની ચૂકવણી માટે ઊભું નથી રહેવું પડતું. ટોલ પ્લાઝા પર જે સમય લાગે છે તે ઓછો કરવા અને મુસાફરીને સરળ બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
ફાસ્ટેગની કિંમત?
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ફાસ્ટેગની કિંમત 100 રૂપિયા નક્કી કરી છે. તે ઉપરાંત 200 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ આપવી પડે છે. જો કે, બેંકોના દર અલગ અલગ હોઈ શકે છે. ઘણી બેંક તેમની ભાગીદારી વધારવા માટે સમયસર ફ્રી અથવા સામાન્ય કિંમતમાં ફાસ્ટેગ ઓફર કરે છે.
ફાસ્ટેગ નહીં હોય તો શું થશે?
જો તમે ફાસ્ટેગ વગર ટોલ પ્લાઝા પર પહોંચી જાવ છો તો તમારે દંડ ભરવો પડશે. તે ટોલ ટેક્સનો બમણો હોઈ શકે છે. તે ઉપરાંત ડેમેજ ફાસ્ટેગ દ્વારા ટોલ પ્લાઝા પાર કરવા માટે પણ દંડ ભરવો પડી શકે છે.
ફાસ્ટેગ વોલેટમાં બેલેન્સ નહીં હોય તો શું થશે?
જો તમારા ફાસ્ટેગ વોલેટમાં પર્યાપ્ત બેલેન્સ નહીં હોય તો પણ તમે ટોલ પ્લાઝા પાર કરી શકો છો. ટોલ પ્લાઝા પર થતા વિવાદથી બચવા માટે NHAIએ આ સુવિધા લાગુ કરી છે. જો કે, આ સુવિધા માત્ર કાર, જીપ, વેન જેવા પેસેન્જર સેગમેન્ટના વાહનોને મળશે. કોમર્શિયલ વ્હીકલ્સને તેનો લાભ નહીં મળે. ટોલ પ્લાઝા પાર કર્યા બાદ સિક્યોરિટી ડિપોઝિટથી ટેક્સ કટ થઈ જશે. તે આગામી રિચાર્જ પર તેને ભરવામાં આવશે.
દેશમાં આ સમયે કેટલા ફાસ્ટેગ?
દેશમાં આ સમયે 2.54 કરોડથી વધારે ફાસ્ટેગ યુઝર છે. દેશના કુલ ટોલ કલેક્શનમાં ફાસ્ટેગની 80% ભાગીદારી છે. ફાસ્ટેગ દ્વારા દરરોજ લગભગ 89 કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. NHAIએ સમગ્ર દેશના ટોલ પ્લાઝા પર 100% કેશલેસ ટેક્સ કલેક્શનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

