આધુનિક ઢબે ડ્રેગન ફ્રુટની ખેતી થકી 17 વર્ષની આવક સુનિશ્ચિત બનાવી

સુરતના કેમિકલ એન્જિનિયરે ધરમપુરના ઓઝરપાડામાં હેલ્થ બેનીફિટ અને વિટામિન, મિનરલ્સ અને હાઈ ન્યુટ્રીશન વેલ્યુ ધરાવતા ડ્રેગન ફ્રુટની ખેતી કરી 15 થી17 વર્ષની આવક સુનિશ્ચિત કરી છે. એક વાર ડ્રેગન ફ્રુટની રોપણી કરી નિયમિત પિયત કરવાથી લાંબા ગાળા સુધી ઉત્પાદન મળે છે. કાંટાવાળા થોર ઉપર કાંટા રહિત આવતા ફળની સારી એવી આવક મળી શકે છે. સુરતના એન્જિનિયરની સારી આવક રળી આપતી ડ્રેગન ફ્રુટની ખેતી તાલુકામાં અન્ય ખેડૂતોને માર્ગદર્શન રૂપ સાબિત થશે એમ પ્રતીત થઈ રહ્યું છે.

ચાર મહિનાની સિઝનમાં મહિનામાં એક ટનથી વધુ ઉત્પાદન

વિદેશી ફ્રુટ ગણાતા અને પિતાયા તરીકે ઓળખાતા ડ્રેગન ફ્રુટની માંગ માર્કેટમાં વધી રહી છે. એન્જિનિયર ચેતન ગુણવંતભાઈ દેસાઈ આમ તો ટેક્સટાઇલ મિલોમાં કેમિકલ સપ્લાય કરે છે. સાથે આધુનિક અને કંઈક અલગ ખેતી કરવામાં પણ રસ ધરાવે છે. શિક્ષિત અને વાંચનના રસિયા ચેતન દેસાઈને ડેંગ્યુના દર્દીના ઘટેલા પ્લેટલેશને એક દિવસમાં વધારવા દુબઇથી ડ્રેગનફ્રુટ મંગાવ્યા હોવાની સ્ટોરી વાંચી ડ્રેગન ફ્રુટની ખેતીનો વિચાર આવ્યા બાદ ભારતમાં ક્યાં અને કેવી રીતે ડ્રેગન ફ્રુટની ખેતી માટે ઇન્ટરનેટ પર રિસર્ચ કર્યું હતું.

મહારાષ્ટ્રમાં ડ્રેગન ફ્રુટની ખેતીની માહિતી મળતા બે, ત્રણ વાર ત્યાં જઈ અભ્યાસ કરી ધરમપુરના ઓઝરપાડામાં મિત્રની પડતર સવા ત્રણ એકર જમીનમાં ધરમપુરમાં ડ્રેગન ફ્રૂટની ખેતી માટે અનુકૂળ વાતાવરણ સહિતની તપાસને અંતે બે વર્ષ અગાઉ ડ્રેગન ફ્રુટના રોપા મહારાષ્ટ્રથી લાવી ખેતીની શરૂઆત કરી હતી. ખાસ ડિઝાઇનવાળા 7 ફૂટના સિમેન્ટના મજબૂત 850 પોલ બનાવડાવી એક પોલ પર 4 ડ્રેગન ફ્રૂટનાં રોપા પ્રમાણે 3400 રોપા ચઢાવી પ્રોજેકટ નાખ્યો હતો. ડ્રેગન ફ્રૂટની ખેતી માટે ખાતરની ખાસ જરૂર નથી પડતી. માત્ર નિયમિત રીતે એક છોડ દીઠ એક લીટર પાણી નિયમિત આપવું પડે છે.

ધરમપુરના નાલંદા ટ્રસ્ટના નિલેશ રાઠોડ દ્વારા દ્વિપ સિસ્ટમ અને સોલાર પેનલ લગાવી હતી. તેમણે સિમેન્ટ પોલ, ડ્રેગન ફ્રુટ રોપા, દ્વિપ સિસ્ટમ, સોલાર પેનલ, મજૂરી સહિતના ખર્ચ મળી રૂપિયા 15 લાખના રોકાણ બાદ 17 વર્ષના અંતે ખર્ચ બાદ કરતા સારું માર્કેટ રહેતા કુલ 80 થી 90 લાખનો ફાયદો થશે એમ જણાવ્યું હતું. જ્યારે સારી માવજત અને દેખભાળ લેવાતા ડ્રેગન ફ્રુટ ત્રણ વર્ષ બાદ રોકેલા નાણાં પરત કમાવી આપે છે.

એક વાર રોપા ચઢાવી 17 વર્ષના અંતે રૂપિયા 80થી 90 લાખની આવક મળશે

પ્રતિ વર્ષ 6 ટન પાક મળવાની આશા

ખેતરમાં એકવાર રોપ્યા બાદ 18 મહિના બાદ 300 કિલો ડ્રેગન ફ્રુટનું પ્રથમ ઉત્પાદન મેળવ્યું હતું. રૂ. 200 પ્રતિ કિલો પ્રમાણે મોટા ભાગનો માલ સુરતમાં વેચાયો હતો. કેરીની સિઝનની જેમ ડ્રેગન ફ્રૂટની વરસાદમાં આવતી ચાર મહિનાની સિઝનમાં મહિનામાં એક ટન (1000 કિલો )બીજો પાક મળશે અને સારો એવો ફાયદો હવે દેખાશે. ત્રીજા વર્ષે 4થી 5 ટન અને ત્યાર બાદ પ્રતિ વર્ષ 6 ટન પાક સહિત સતત બીજા 13 વર્ષ સુધી મળશે એમ જણાવી એક વાર ખેતીમાં  રોકાણ બાદ 17 વર્ષ સુધી સારો એવો નફો મળશે. – ચેતન દેસાઈ, ખેડૂત, કેમિકલ એન્જિનિયર, સુરત

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો