ગામના 500 લોકોએ ભેગા મળી કાચા મંડપો બનાવી ટીંડોળાની ખેતી થકી ઘર આંગણે આવક ઊભી કરી

આદિવાસી વિસ્તાર ગણાતા ધરમપુર તાલુકામાં એક ગામ એવું છે કે જે સૌનો સાથે સૌનો વિકાસ સૂત્રને અનુસરીને તમામ ગ્રામજનોએ ભેગા થઈ ટીંડોળાની ખેતી અપનાવી છે. લુહેરી ગામના આ મહેનતકશ આદિવાસી ખેડૂતોએ એક વર્ષમાં જ ટીંડોળાનું મબલખ ઉત્પાદન મેળવ્યું છે. માત્ર 2000થી થોડી વધુ વસતી ધરાવતા આ ગામના 8 વોર્ડમાં અંદાજે 500 ખેડૂતોએ ભેગા મળી કાચા મંડપો બનાવ્યા અને ટીંડોળાની ખેતી કરી ઘરઆંગણે તમામ ખર્ચો બાદ કરી એક કરોડથી વધુની આવક મેળવી હતી.

ધરમપુરના લુહેરી ગામના આદીવાસીઓએ ટીંડોળાની ખેતી થકી સમગ્ર વર્ષ સુધી ઉત્પાદન મેળવી આશરે કરોડ રૂપિયાની આવક ઉભી કરી છે. આશરે 2000થી વધુ વસ્તી ધરાવતા ગામના 8 વોર્ડમાં 500 જેટલા લોકોએ કાચા મંડપો બનાવી ટીંડોળાની ખેતી થકી ઘર આંગણે આવક ઉભી કરી બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવી રહ્યા છે.

ગુજરાતના આ ગામના 500 લોકોએ ભેગા મળી કરી ટીંડોળાની ખેતી, 1 કરોડ કમાયા

વેલા વાળી ટીંડોળા, દૂધી,ગલકા, કારેલા સહિતની શાકભાજી માટે સરકારના બાગાયત વિભાગ તરફથી કાચા મંડપ માટે સબસીડી પણ આપવામાં આવે છે. જોકે 500 ખેડૂતો પૈકી આશરે 50 જેટલા ખેડૂત લાભાર્થીઓએ આ સબસીડીનો લાભ લીધો હોવાનું સ્થાનિક રાહીશે જણાવ્યું હતું. ઉનાળામાં વરસાદના આગમન પૂર્વે જમીનમાં ખેડાણ કરી પાળિયા બનાવી સેન્દ્રીય ખાતર નાખી જમીન તૈયાર કરવામાં આવે છે. અને દર વર્ષે વરસાદ શરૂ થતાં વેલાની ફેરરોપણી કરાયા બાદ વેલા ઉછેર થતા કાચા મંડપ તૈયાર કરવામાં આવે છે. વાવેતરના બેથી ત્રણ મહિનામાં તૈયાર થતા ટીંડોળાનો પાક દર બે દિવસે મળતો હોય છે. દર બે દિવસે ખેડૂત પાક મેળવે છે. આમ ટીંડોળાની ખેતી થકી લુહેરીના આદિવાસી ખેડૂતો ઘરઆંગણે રોજીરોટી મેળવી રહ્યા છે.

માત્ર આઠ મહિનામાં જ 2.40 લાખ મણ ઉત્પાદન મેળવ્યું
500 મંડપના સથવારે માસિક 30,000 મણ પ્રમાણે આંઠ મહિનાના 2,40,000 મણ અંદાજીત ઉત્પાદન થાય છે. સરેરાશ બજારભાવ રૂપિયા 500 પ્રમાણે રૂપિયા એક કરોડ વિસ લાખનું ઉત્પાદન થાય છે. દવા, ખાતર, ખેડાણ, પાણી, વિજળી સહિતના અંદાજીત વાર્ષિક 15થી20 લાખ ખર્ચ બાદ કરતાં સારો નફો થઈ શકે છે.

આટલી તકેદારી રાખો
લાંબા સમય સુધી ચાલનારી ખેતીમાં ફાયદો થાય છે. શિયાળામાં દસ દિવસના અંતરે પિયત કરે તો ચાલે. અને દર 20 દિવસે ખાતર નાખવું અને માત્ર શિયાળામાં જરૂરી દર 15થી 20 દિવસે જંતુનાશક દવા નાખવી પડે છે. – રામુભાઈ ગવળી, નાયક ફળિયું, લુહેરી

ગામની આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો 
ગામમાં લોકોએ ધીરે ધીરે ટીંડોળાની ખેતી તરફ વળ્યા બાદ તેમની આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. અને વર્ષો અગાઉ પોટલાં બાંધી બીજા ગામે ખેત મજૂરી સહિત અન્ય મજૂરી કામે જતા હતા. એમાં ઘટાડો થયો છે. – ગનુભાઈ એમ. વળવી, સરપંચ, લુહેરી

ખેતીની આવક થકી દીકરા-દીકરીને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું
ટીંડોળા વેચવામાં માટે ગામ બહાર જવું પડતું નથી. રોજ ગામમાં બપોરે ભાવ પડ્યા બાદ 7થી8 વેપારીઓ આવી ખરીદી કરે છે. આ સાથે અહીંના પ્રગતિશીલ ખેડૂતો રીંગણ, ટામેટા, ચોળી, લીલા મરચા અને પશુપાલન થકી દૂધ ઉત્પાદનનો વ્યવસાય કરી ગુજરાન ચલાવે છે. ગામમાં ત્રણ ડેરીમાં દૂધ ભરે છે. મારી દીકરીને ખેતઆવક થકી BSC અભ્યાસ પૂર્ણ કરાવ્યો છે અને લેબટેક્નિશિયનનો અભ્યાસ પૂર્ણ થવાનો છે. ગામમાં બીજા ખેડૂતો તેમના દીકરા, દીકરીને ઉચ્ચશિક્ષણ અપાવી રહ્યા છે. – રાજેશભાઈ વી.ભોયા, લુહેરી, પ્રમુખ ધરમપુર કોંગ્રેસ એસટી સેલ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો