વડોદરા: ભેંસની વફાદારી માલિકને મોંઘી પડી, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો

કૂતરા માલિક પ્રત્યેની પ્રખર વફાદારી માટે જાણીતા છે. પરંતુ પાદરા તાલુકાની એક ભેંસ કૂતરાઓની વફાદારીને પણ ટપી ગઈ અને આની કિંમત તેના માલિકને ચૂકવવી પડી!

અરવિંદ લુહાર નામના ખેડૂતને 22મી જાન્યુઆરીના રોજ પોતાની ભેંસ કરજણમાં રહેતા દૂરના સંબંધી ભેરા લુહારને આપી દેવી પડી કારણકે તે 15,000 રૂપિયાની લોન ના ચૂકવી શક્યો. તેણે આફ્રિકા જવા માટે આ રૂપિયા લીધા હતા. પરંતુ છેલ્લા એક વર્ષમાં મહામારીના કારણે યોગ્ય આવક ના થતાં ઉધાર લીધેલા રૂપિયા ચૂકવી ના શક્યો.

જો કે, અરવિંદ પ્રત્યેની વફાદારી દર્શાવતા ભેંસે ભેરાને દૂધ દોહવા ના દીધું. ભેરા અને તેના દીકરાઓ કલ્યાણ અને બળદેવે બે દિવસ સુધી ભેંસને પંપાળવાનો, શાંત પાડવાનો પ્રયાસ કર્યો. તેમને આવડતી તમામ યુક્તિ વાપરી જોઈ પરંતુ ભેંસે દૂધ ના જ આપ્યું. નાઉમેદ થયેલા ભેરાએ અરવિંદને પોતાના ઘરે બોલાવ્યો અને તેની ભેંસ લઈ જવાનું કહ્યું.

શનિવારે અરવિંદ અને તેના પિતા હિંમતભાઈ ભેંસને પાછી લેવા ભેરાના ઘરે પહોંચ્યા હતા. અરવિંદે પોલીસને જણાવ્યું, ‘મને લાગ્યું કે મને લોન ચૂકવવા થોડો વધુ સમય મળ્યો અને સાથે ભેંસ પણ પાછી મળી ગઈ.’ જો કે, પિતા-પુત્ર ભેરાના ઘરે પહોંચ્યા ત્યારે તેણે જિદ્દ પકડી કે અરવિંદ તાત્કાલિક રૂપિયા ચૂકવે અને ભેંસ લઈ જાય. ત્યારે અરવિંદે કહ્યું કે, રૂપિયાની વ્યવસ્થા થતાં જ તે તરત જ ચૂકવી દેશે.

અરવિંદે રૂપિયા ચૂકવવા માટે થોડો વધુ સમય માગતા શાબ્દિક દ્વન્દ્વ શરૂ થઈ ગયો હતો. ભેરા, તેના દીકરાઓ અને એક અજાણ્યો શખ્સ અરવિંદને મન ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. ઉગ્ર બોલાચાલી બાદ ભેરા પોતાના ઘરમાંથી લોખંડનો પાઈપ લઈ આવ્યો અને અરવિંદ તેમજ તેના પિતાને ફટકારવા લાગ્યો હતો. બાકીના ત્રણ આરોપીઓએ પણ પિતા-પુત્રની ધોલાઈ કરવા માંડી હતી ત્યારે પાડોશીઓએ તેમને છોડાવ્યા હતા.

ઈજાગ્રસ્ત થયેલા અરવિંદ અને તેના પિતાને વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડાયા હતા અને સારવાર બાદ તેમને રજા અપાઈ હતી. બાદમાં અરવિંદે કરજણ પોલીસ સ્ટેશનમાં મારઝૂડ, ગંભીર ઈજા પહોંચાડવાની અને અપમાનની ફરિયાદ નોંધાવી હતી. પોલીસના જણાવ્યા મુજબ હજી આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી.

આણંદ સ્થિત પશુપાલન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. સ્નેહલ પટેલને ભેંસની વર્તણૂંક અંગે પૂછવામાં આવતાં તેમણે કહ્યું, “દૂધાળા પશુઓને નવા વાતાવરણમાં ગોઠવાતાં અને તેમનું બચ્ચું આસપાસ ના હોય ત્યારે દૂધ આપવામાં સમય લાગે છે. પરંતુ ભેંસ થોડી અલગ છે કારણકે તે પોતાના માલિકો અને રખેવાળોને ઓળખી શકે છે. જો ભેંસનો માલિક એક દિવસ માટે પણ પાડોશીને દૂધ દોહવાનું કહેશે તો તે (ભેંસ) સહકાર નહીં આપે.”

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો