કાલાવાડના કોઠા ભાડુકિયા ગામના ખેડૂતે પાણીની સમસ્યાને દૂર કરવા માટે કર્યો કૂવા રીચાર્જનો નવતર પ્રયોગ

સામાન્ય રીત ચોમાસા સિવાયના દિવસોમાં ખેડૂતોને પિયત માટેના પાણીની ખેંચ રહેતી હોય છે. પરંતુ કેટલાક કોઠાસૂજ ધરાવતા ખેડૂતો સમસ્યામાંથી સમાધાન શોધીને આગળ વધતા હોય છે. જામનગરના એક ખેડૂતે નવતર પ્રયોગ કરીને પોતાના કૂવાને છલોછલ કર્યો છે. જામનગર જિલ્લામાં કાલાવાડ તાલુકામાં કોઠા ભાડુકિયા ગામના ખેડૂતે આ વર્ષે નવતર પ્રયોગ કર્યો છે.

પોતાની વાડીમાં કૂવામાં વરસાદી પાણીના સંગ્રહ માટે પાઇપ મુકીને કૂવો રીચાર્જ કરવાની પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. જેના પગલે તાજેતરમાં ભારે વરસાદ પડવાના કારણે કૂવામાં અને ખેતરમાં પાણી ભરાવાના કારણે ભૂગર્ભજળ ઊંચા આવ્યા છે. આ ખેડૂતનો કૂવો રીચાર્જનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં જામનગર જિલ્લાના ખેડૂતોને પ્રેરણા મળી છે.

મળતી માહિતી પ્રમાણે કોઠા ભાડુકિયા ગામના ખેડૂત પંકજભાઇ પરસોતમભાઇ કથીરીયાએ આ વર્ષે ખેતરમાં કૂવો રીચાર્જ કરવા માટે આઠ પાઇપ મારફત આયોજનબધ્ધ વરસાદનું પાણી કૂવામાં સંગ્રહ થાય તેવું ગોઠવ્યું હતું. બે દિવસ પહેલા ભારે વરસાદ પડતા પંકજભાઇની 50 વિઘા ખેતીની જમીનમાં પાણી ભરાયા બાદ ચારેય બાજુ આઠ પાઇપની ગોઠવણ કરીને 125 ફૂટના કૂવામાં જોડાણ આપવામાં આવ્યું હતું. અને એક જ વરસાદ દ્વારા 125 ફૂટ ઉંડા કૂવામાં વરસાદી પાણીનો 85 ફૂટ સુધી સંગ્રહ થયો હતો. ત્યારે આ વખતે પંકજભાઇએ કપાસના પાકનું વાવેતર કર્યુ છે.

હવે ચોમાસા દરમિયાન એકપણ વરસાદ ન પડે તો પણ પંકજભાઇને ચિંતા નથી. કેમ કે, કૂવો રીચાર્જ થવાના કારણે હવે કપાસના પાક માટે સિંચાઇનું પાણી પ્રર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ બની ગયું છે. કોઠા ભાડુકિયા ગામના ખેડૂત આગેવાન પંકજભાઇના કૂવા રીચાર્જના નવતર પ્રયોગના પગલે સમગ્ર કાલાવડ તાલુકામાં ખેડૂતોને નવી પ્રેરણા મળી છે. અને સોશ્યલ મીડિયામાં તેમનો વીડિયો વાયરલ થતાં હવે ખેડૂતો પણ પોતાની વાડીમાં કૂવો રીચાર્જ કરવા માટે પઘ્ધતિનો ઉપયોગ કરવા તરફ આગળ વધી રહ્યા છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો