એક ખેડૂતે કન્સ્ટ્રકશનનો ધંધો છોડી કરી મરચાની ખેતી, કમાય છે લાખો

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ગીડાસણના એક ખેડૂતે કન્સ્ટ્રકશનો ધંધો છોડી મરચાની ખેતી કરી છે. જેમાં 8 થી 9 લાખના ખર્ચ સામે 10 માસમાં અંદાજે 18 થી 19 લાખનું ઉત્પાદન મળવાની શક્યતા છે. વડગામના ગીડાસણમાં રહેતા હેમરાજભાઇ ચૌધરી જેઓએ 30 વર્ષ સુધી કન્સ્ટ્રકશનના ધંધા સાથે સંકળાયેલા હતા. જ્યારે પાંચ વર્ષથી તેમને ખેતીમાં ઝંપલાવ્યું છે અને તડબૂચ, પપૈયા, મરચા, શક્કરટેટી સહિતના પાકોની ખેતી કરી લાખો કમાઇ રહ્યા છે.

આ અંગે ખેડૂત હેમરાજભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘20 વિઘામાં મરચાની ખેતી કરી છે. જે દશ માસની ખેતી છે. જેમાં અંદાજે 8 થી 9 લાખનો ખર્ચ થશે તેની સામે અંદાજે 18 થી 19 લાખનું ઉત્પાદન મળશે. આમ અંદાજે 10 લાખ જેટલો નફો મળી શકે તેમ છે. દિલ્હીના વેપારી ખેતરમાં આવી મરચા લઇ જાય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખેતીનો વ્યવસાય 100 ટકા મહેનતનો પૈસો છે તેમજ કોઇ સાહેબને સલામ મારવી કે ચોપડા ચીતરવા પડતા નથી.’ આમ 10 માસની ખેતીમાં અંદાજે 10 લાખ ખેડૂત રળી રહ્યો છે.

કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી મરચાની ખેતી

ખેડૂત હેમરાજભાઇ ચૌધરીએ જણાવ્યું કે, ‘દિલ્હીના વેપારી સાથે મરચાની ખેતી કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી મરચાની ખેતી કરી છે. જેમાં કિલોના 45 રૂપિયાના ભાવે મરચાનો કોન્ટ્રાક્ટ થયો છે. જો કે અત્યારે પાલનપુરની બજારમાં મરચાના એક કિલોના ભાવ અંદાજે રૂ. 30 જેટલા ચાલી રહ્યા છે. પરંતુ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં રૂ. 45 મળી રહ્યા છે. જેથી આજના બજાર પ્રમાણે અંદાજે રૂ. 15 જેટલો કિલોએ ફાયદો થઇ રહ્યો છે.’

 

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો