માત્ર ધોરણ 10 પાસ ખેડૂત ડ્રીપ ઈરિગેશન પદ્ધતિથી ઓર્ગેનિક બીટ ઉગાડી કરે છે લાખો કમાણી

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના નરસંડા ગામના ખેડૂત દ્વારા સજીવ ખેતી દ્વારા આવક બમણી કરવામાં આવી છે. રાસાયણીક ખાતરના ઉપયોગ વગર જ તેમણે બીટ, શાકભાજીનું વધુ ઉત્પાદન મેળવ્યું છે. જેમાં પાકનો ઉતારો સારો રહેવાના પગલે બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

નડિયાદ નજીકના નરસંડા ગામમાં રહેતા ઉમેશગીરી શૈલેષગીરી ગોસ્વામી છેલ્લાં બે દાયકાથી વારસાઇ જમીનમાં બટેટા, ચિકોરી, ઘઉં વગેરેની ખેતી કરીને જીવનનિર્વાહ કરી રહ્યા છે. તેઓએ સરકારના આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ નવતર પ્રયોગ માટે છેલ્લાં છ વર્ષથી સજીવ ખેતી તરીકે બીટની ખેતી કરે છે. માત્ર ધો.10 પાસ ઉમેશગીરીએ ખેતીમાં નવતર પ્રયોગથી અનેક ખેડૂતોને નવી રાહ ચીંધી છે.

આ અંગે ઉમેશગીરી ગોસ્વામીના જણાવ્યાનુસાર, અગાઉ અમે શિયાળામાં બટાકાનો મુખ્ય પાક લેતાં હતાં. જ્યારે ચોમાસામાં પડવાશ, બાજરીનો પાક લેતાં હતાં. બટાકામાં ખર્ચ વધુ અને ભાવ નક્કી હોતા નથી. આથી, 2010માં 2 વીઘા જમીનમાં બીટનો પ્રયોગ કર્યો હતો. જેમાં ચાર મહિને એક લાખ રૂપિયા કમાયો હતો. અન્ય પાકોની જેમ બીટ પણ ગાદી ક્યારો બનાવી કરવામાં આવે તો ઉતારો સારો મળે છે.

ગાદી ક્યારો બનાવવાથી પાણી માફકસરનું મળે છે અને નિંદામણ પણ ખેત આધારિત ઓજારો દ્વારા સારી રીતે કરી શકાય છે. પાટલા પધ્ધતિમાં છોડને ફક્ત ભેજ મળે છે. જેનાથી છોડનો વિકસ સારો થાય છે અને મબલખ પાક ઉતરે છે. આ સફળતા બાદ 2016થી ઓર્ગેનીક ખેતી ચાલુ કરી છે. રસાયણિક ખાતરોના બદલે ડ્રીપ ઇરિગેશન દ્વારા જીવામૃતનો ઉપયોગ કરવાથી સારૂ ઉત્પાદન મળે છે. નિંદામણ મીની ટ્રેક્ટર દ્વારા કરવામાં આવતાં ખર્ચની બચત થાય છે. ખેતરમાં બીટની સફાઇ કરી ગ્રેડિંગ કરી વેચવાથી સારો ભાવ મળે છે.

ઓર્ગેનિક ખાતર બનાવવા ઉમેશગીરીએ સૂચવેલા પ્રયોગો

બીજામૃત: ઓર્ગેનિક પધ્ધતિમાં બીજામૃત ખાતર બનાવો, જેમાં 5 કિલો દેશી ગાયનું ગોબર, 5 લીટર ગૌમુત્ર, 50 ગ્રામ ચુનો, 20 લી.પાણીને 24 કલાક પહેલા મિશ્રણ તૈયાર કરવું, 100 કિલો બીજ પલાળી વાવેતર કરવાથી ઉપજ વધુ મળે છે.

જીવામૃત: આ પધ્ધતિમાં 10 કિલો દેશી ગાયનું ગોબર, 10 લીટર ગૌમુત્ર, 1 કિલો કઠોળનો લોટ (તેલીબિયા સિવાય), એક કિલો દેશી ગોળ, એક મુઠી માટી (અખમાણ તરીકે), 200 લીટર ડ્રમમાં પાણી સાથે ભેગું કરી સવાર સાંજ ઘડીયાળની દિશામાં એક મિનિટ માટે ફેરવવાનું, શિયાળામાં સાત દિવસ, ઉનાળામાં ચાર દિવસ બાદ મિશ્રણ તૈયાર થાય. આ મિશ્ર એક એકરે એક ડ્રમ 15 દિવસ પાણી સાથે આપવાનું હોય છે. ઉભા પાક પર પણ સ્પ્રે કરી શકાય.

દસપર્ણી અર્ક : 
આંકડો, લીમડો, સીતાફળ, નાળો, અર્ણી, પાંચ પતા સરેરાશ બે કિલો લેવા. એલોવીરા, બીલી, ધતુરો, અંતરવેલ, નઘોળ, કડવી મહેંદી, કરંજ, પીલુડો, કાળી તુલસી, ગાજર ઘાસ, હજારી પાન, ગાય ન ખાય તે દવામાં વાપરવાનું. દાંતણ જેટલી ડાળીઓ પાણીમાં લેવા. નાના – નાના ટુકડા કરી ઉકાળવાના, ઠંડુ પાણી પમ્પીંગ કરવું જોઈએ.

અગ્નીહોત્રી યજ્ઞ: દેશી ગાયના છાણાનો યજ્ઞ કર્યા બાદ તેની ભસ્મનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત રોગ માટે દેશી ગાયના દૂધની છાશનો છંટકાવ કરવાથી પણ અનેક ગણો ફાયદો મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો