જેતપુરના મેવાસા ગામે અતિવૃષ્ટિથી નજર સામે પાક નિષ્ફળ જતો જોઇ યુવાન ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કર્યો

જેતપુર તાલુકાના મેવાસા ગામે ખેતી ધરાવતા જામકંડોરણા ગામના મોટા ભાદરા ગામનો હિરેન ગોવિંદભાઇ રાઠોડ (ઉ.વ. 25) નામના ખેડૂત બે ભાઈઓમાં નાનો હોય અને અત્યારે મોંઘવારીના સમયમાં મોટો ભાઈ મજૂરી કરે અને પોતે ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જેમાં ગયા વર્ષે નહીંવત વરસાદને કારણે કરજ કરીને ઉગાડેલ પાક સાવ નિષ્ફળ જતા જેમ તેમ કરી આખું વર્ષ વિતાવ્યું હતું. ફરી સારા પાકની આશાએ વાવેતર કર્યું, જેમાં સારા વરસાદને કારણે સારા પાકની આશા બંધાણી ત્યાં પાછોતરા વરસાદે સારા પાકની આશા પર પાણી ફેરવી નાખ્યું ઉપરથી હજુ “મહા” વાવાઝોડું માથે મંડરાઈ રહ્યું છે. જેથી જે બચ્યો કુચ્યો પાક ઉભો છે તે પણ નજરની સામે નિષ્ફળ જતા જોવાનો વારો આવ્યો હોય ખેડૂત પુત્ર હિરેનને હવે શું કરીશ? તેવું વિચારી પોતાના જ ખેતરમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

હોસ્પિટલે લાવતા હતા પરંતુ રસ્તામાં જ દમ તોડી દીધો

હિરેનને ગયા વર્ષનું કરજ આ વર્ષના સારા પાકથી ઉતરી જશે તે આશા નઠારી નીવડતી દેખાઈ ! ઉપરથી ચાલુ વર્ષનું વધારાનું કરજ. આમ બે-બે કરજાનો ભાર પોતે કંઈ રીતે ઉતારશે? સ્વાભિમાની ખેડૂતે પોતાના મોટાભાઈ હીમાંશુને પાક નિષ્ફળ અને કરજની વાત કરી પરંતુ પોતે અંદર અંદરથી પિશાય છે, રિબાય છે તે ન કહ્યું ! અંતે બુધવારે પોતાના ખેતરે જઇ પાકની વચ્ચે જ પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા હિરેનને સારવાર માટે જેતપુર હોસ્પિટલે તેના મામા મનસુખભાઈ મહિડા લાવતા હતા ત્યારે મામાના ખોળામાં મારો પાક બળી ગયો એટલું જ બોલતો હતો અને જેતપુર સરકારી હોસ્પિટલે કંઈ સારવાર મળે તે પહેલાં જ આશાસ્પદ યુવાન ખેડૂતનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું.

હિરેનના પરિવારજનોને સરકારી સહાય આપવા ખેડૂતોની માંગ

આમ એક બાજુથી ખેડૂત ઉપર કુદરત રૂઠી છે અને બીજી બાજુ પાક વીમાના ફોર્મ ભરવાના નામે સરકાર ખેડૂતોની મજાક કરી રહી છે. જેથી ખેડૂતને આપઘાત સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો ન હોય સરકારે તાત્કાલિક ખેડૂતોના પાક વીમા વિશે ઘટતા પગલાં લેવા જોઈએ અને આપઘાત કરનાર યુવાન ખેડૂત હિરેનના પરિવારને તાત્કાલિક સરકારી સહાય આપવી જોઈએ તેવી ખેડૂતો માંગ કરી રહ્યાં છે.

કપાસ બગડી જતાં કરજ વધતા પગલું ભર્યું : સરપંચ

જામકંડોરણાના મોટાભાદરાના યુવાને ખેતીના પાકમાં નુકસાન થતા કરજ વધતા આપઘાત કર્યાની ઘટના અંગે મોટા ભાદરા ગામના સરપંચ અશ્વિનભાઈ અટાળાએ જણાવ્યું હતું કે, મોટાભાદરાના યુવાન હિરેન ગોવિંદભાઇએ પોતાની મેવાસા ગામે આવેલી ખેતીની જમીનમાં પાક બગડી જતાં નુકસાન વેઠવું પડતા કરજના ભાર નીચે દબાઇ જવાથી જીવન ટૂંકાવ્યું હોવાનું તેમના પરિવારજનો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો