જમીન પચાવી પાડવા મામલે દસ્ક્રોઈના મુઠીયા ગામના ખેડૂતે ન્યાય ન મળતા મુખ્યમંત્રી સમક્ષ ઈચ્છા મૃત્યુની માગ કરી

દસ્ક્રોઈ તાલુકાના મુઠીયાગામના રામાજી બેચરાજી ઠાકોર નામના ખેડૂતે અમુક શખ્સો દ્વારા જમીન પચાવી પાડવા મામલે ન્યાય ન મળતા મુખ્યમંત્રી સમક્ષ ઈચ્છા મૃત્યુની માગ કરી છે. આ અંગે ખેડૂતે ઈચ્છા મૃત્યુની માગ સાથે મુખ્યમંત્રીને અરજી કરી છે. આ અરજીમાં તેમણે ઉદય ઓટોલીક પ્રા.લિ., ઉદય દીનેશચંદ્ર ભટ્ટ, ગેલેક્સી લેઝર લિ., હેમાંગ ઉદયભાઈ ભટ્ટ પર જમીન પચાવી પાડવાનો આરોપ મુક્યો છે.

‘દસ્તાવેજો કરાવી લેનાર માણસો ખૂબ જ વગ ધરાવતા અને માથાભારે માણસો’

આ અરજી મુજબ, અમારી ખેતીલાયક જમીન અમદાવાદ ડીસ્ટ્રીક્ટ સબ ડીસ્ટ્રીક્ટના મોજે મુઠીયાની સીમમાં આવેલી છે. સામેના પક્ષ દ્વારા લાલચ આપીને ખેતી લાયક જમીન હડપી લેવાના બદઆશયથી અમારી જમીનના દસ્તાવેજો તથા બાનાખતમાં દર્શાવેલ રકમો અને ચેકો આજ સુધી અમને કે અમારા પરિવારજનોને મળ્યા નથી અને આ દસ્તાવેજો કરાવી લેનાર માણસો ખૂબ જ વગ ધરાવતા અને માથાભારે માણસો છે. તેમની મંડળીમાં રાજકીય વગ ધરાવતા અને જમીન પચાવી પાડનારા માણસો છે.

‘દસ્તાવેજો કર્યા બાદ ખાતામાં રકમ ટ્રાન્સફર કરાવી અને તુરંત પરત લીધી’

અમારી જમીનના બાનાખત તથા દસ્તાવેજો કરાવી અમારા બેંક ખાતામાં તમામ રકમો ટ્રાન્સફર કરાવડાવી અને ત્યાર બાદ તુરંત જ તેમના મળતીયાઓના ખાતામાં તમામ રકમ પરત કરાવી અમારા બેંક એકાઉન્ટમાં કોઈ રકમ જમા રહેવા દીધી નહીં. આમ કરીને પોલીસ, રેવન્યૂ અધિકારીઓ અને રાજકીય તથા અન્ય ગુંડાઓને લઈ અમારી જમીન પચાવી પાડી તેના ઉપર બિલ્ડિંગો બનાવડાવી દીધી અને અમને કે અમારા પરિવારજનોને આજદિન સુધી કોઈ નાણાં ન ચૂકવી તથા અમારું જીવવું દુષ્કર બનાવ્યું છે.

‘કોઈ પગલા ના ભરવાના હોય તો અમને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપશો’

આપ મુખ્યમંત્રી અમારા રાજા છો અને અમારુ સર્વસ્વ આપના તાબા હેઠળ છે. અમે નરોડા પોલીસ સ્ટેશનમાં તથા અન્ય અધિકારીઓને વિગતે દસ્તાવેજો તથા બેંક એકાઉન્ટ અને અન્ય કાગળો સાથે ફરિયાદ રજૂ કરી હોવા છતાં અમને ન્યાય મળ્યો નથી. જેથી આ બાબતે યોગ્ય તપાસ કરવા વિનંતિ છે અને કાર્યવાહી કરાવશો. અમારી હાલની ઈચ્છા મૃત્યુની અરજી ધ્યાનમાં લઈ કોઈ પગલા ના ભરવાના હોય તો અમને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપશો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો