પુરતા પાણીના અભાવે પાક નિષ્ફળ જતા હતાશ થયેલા ખેડૂત દંપત્તિનો આપઘાત

સુરત જિલ્લાના ઓલપાડમાં રહેતા ખેડુત દંપતીએ મંગળવારે સુરત એરપોર્ટ પાસે ઝેર પીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. ખેતી માટેના પાણીની સમસ્યાના કારણે ખેડૂત દંપતિએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. ઓલપાડનાં કપાસીનાં ગામના ખેડૂત દંપતી બેભાન હાલતમા મળી આવ્યા હતાં. સિવીલ હોસ્પિટલમાં ખસેડાતા બંનેને મૃત જાહેર કરાયા હતાં. આત્મહત્યા પાછળ દેવુ અને ગૃહકંકાસના કારણો પણ જાણવામાં આવ્યા છે.

સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં કપાસી ગામે રહેતા અને ખેતીકામ કરતા ૪૮ વર્ષીય જયેશ મણીલાલ પટેલ અને તેમની પત્ની રીટાબેન જયેશભાઇ પટેલ (ઉ.૪૭) ડુમસ એરપોર્ટ નજીક સાયલન્ટ ઝોનમાંથી બેભાન અવસ્થામાં મળી આવતા તેમને તાબતતોડ નવી સિવીલમાં સારવાર માટે ખસેડાયા હતાં. જો કે તેઓને સારવાર મળે એ પહેલા જ બંનેના દેહમાંથી પ્રાણ નીકળી ગયો હતો. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતાં.

મૃતક દંપતિના સંબંધીઓ પાસેથી મળેલી માહિતી મુજબ કપાસીમાં તેમણે ડાંગરનું વાવેતર કર્યુ હતું. ડાંગર સાથે પરવર અને કેળનું પણ વાવેતર કર્યુ હતું. પરંતુ નહેરનાં પાણી કપાસી ગામમાં નહી પહોંચતા પાક નિષ્ફળ ગયો હતો. પાક નિષ્ફળ જવાથી જયેશભાઇ ભારે હતાશામાં હતાં. દરમિયાન આજે સુરતમાં સાયલન્ટ ઝોનમાં આવીને આ અંતિમ પગલુ ભરી લીધુ હતું.

જયેશભાઇની સાથે તેમનીપત્નીએ પણ આપઘાત કરી લેતા આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી. એક તરફ રાજ્ય પાણીની સમસ્યાથી ઘેરાયેલુ છે ત્યારે પાણીના કારણે જ સામૂહિક આત્મહત્યાની ઘટના રાજકારણને પણ ગરમાવશે એ નક્કી છે.

મૃતક જયેશભાઇ પાસે ૨૦ વીઘાથી વધુ જમીન છે. જેમાં ૧૦ વીઘામાં ડાંગર, પાંચ વીઘામાં પરવર અને પાંચ વીઘામાં કેળનું વાવેતર કર્યુ હતું. આ સિવાય તેમની પાસે ૨૦ જેટલા પશુઓ પણ હતાં. આ પશુઓ માટે ડેઇલી ટેન્કરથી પાણી મંગાવવુ પડતુ હતુ. આમ પાણીએ તેને ચારેતરફથી પરેશાન કરી મૂક્યા હતાં.

માહિતી મુજબ તેમણે ગામમાં કોઇ શખ્સ પાસેથી બે લાખ આસપાસની રકમ વ્યાજે લીધી હતી જેના થકી તેમણે પાક કર્યો હતો. પાક નિષ્ફળ જતા એ રકમ આપવામાં તકલીફ પડી અને વ્યાજ પણ શરૃ હોવાથી ટેન્શનમાં આ પગલુ ભર્યુ તો બીજી મળેવી માહિતી પ્રમાણે સોમવારે તેમનો ઘરે જ ઝઘડો થયો હતો. એ કારણથી પણ ડીસ્ટર્બ હતાં. આ બધા કારણો ભેગા થઇને દંપતિને આત્મહત્યા માટે મજબુર કર્યા હોવાની ચર્ચા ચાલી રહી હતી.

મૃતક જયેશભાઇનાં સંબંધી કલ્પેશ પટેલને જયેશભાઇએ ફોન કરીને કહ્યુ હતું કે અમે ઝેર પી લીધુ છે. મારી દીકરી આયુષીને સાચવજો અને તેને પરણાવી દેજો. ઉલ્લેખનિય છે આયુષી ધો-૧૨ માં છે અને તેનો પુત્ર ધોર-૧૦માં ભણે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો