નવસારીના અશોકભાઇ પટેલે મધમાખીના ઉછેર થકી 25 લોકોને રોજગારી આપી તેમના જીવનમાં મધ જેવી મીઠાશ પુરી પાડી છે

નવસારી જિલ્લાના ચીખલીથી ૧૦ કિ.મી.ના અંતરે આવેલ સોલધરા ગામ આજે મધઉછેર પ્રવૃતિના કારણે જાણીતું બન્યું છે. અશોકભાઇ ભગુભાઇ પટેલ મધમાખી ઉછેર પ્રવૃતિ થકી આજે લાખોપતિ બન્યા છે. દર વર્ષે લાખો રૂપિયાની આવક મધમાખીની પ્રવૃતિ કરીને, મધના વેચાણ દ્વારા મેળવી છે. તેઓ હાલમાં હળવદ તાલુકામાં તલના ફુલો પર, માંગરોળ તાલુકામાં નાળીયેરી અને કચ્છ ખાતે જંગલી બોરડી, ખેર અને ગોરાડના ઝાડ પર મધમાખીને ડેવલપ કરીને મધમાખીઓ મુકીને મધ એકઠું કરી રહયા છે.

અશોકભાઇના ધર્મપત્નિ અસ્મિતાબેન પણ આ પ્રવૃતિમાં ભાગીદાર બન્યા છે. ઉત્પાદિત મધનું મુલ્યવર્ધન કરીને તેઓ બજારમાં વેચાણમાં મુકવાની પ્રવૃતિ કરે છે. તેઓ ગુજરાતના કોઇપણ સ્થળે કુરીયર દ્વારા મધ પહોંચાડે છે. તેઓનું નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા શ્રેષ્ઠ મહિલા ખેડૂત તરીકેનું સન્માન કરાયું હતું. અશોકભાઇ છેલ્લા આઠ વર્ષથી મધઉછેર પ્રવૃતિ સાથે જોડાયેલા છે. પહેલાં તેઓ ચીલાચાલુ પધ્ધતિથી મધ ઉછેર કરતા. જયારથી એમને જાણવા મળ્યું કે મધપુડાને પેટીઓમાં પણ ઉછેરી શકાય, ત્યારથી કંઈક નવું કરવાની તમન્નાથી મધમાખી ઉછેરની તાલીમ મેળવી. નાના પાયે મધ ઉત્પાદનની શરુઆત કરી. આજે તેઓ કાયમી ૨૫ લોકોને રોજગારી પુરી પાડીને તેઓના જીવનમાં મધ જેવી મીઠાશ પુરી પાડી છે.

તેમની પાસે આજે ૨૦૦૦ મધઉછેર માટેની પેટીઓ છે. જેનાથી થકી તેઓ પોતાની આવક સાથે બીજાને રોજગારી પુરી પાડીને નવસારી જિલ્લો તથા દક્ષિણ ગુજરાતમાં તેમણે એક આગવી ઓળખ ઉભી કરી છે. તેમના ખેતરે ખેડૂતો અને વિઘાર્થીઓ આવે તેમને અશોકભાઇ માર્ગદર્શન આપે છે. આત્મા યોજનામાં જોડાયા બાદ તાલીમ અને પ્રેરણા પ્રવાસમાં આ અંગે વધુ જાણકારી મેળવી. ત્યારબાદ આત્મા પ્રોજેકટ નવસારી તરફથી એમને ત્યાં તાલીમ ગોઠવવામાં આવી.

ચીખલી તાલુકાના સોલધરાના અશોક પટેલે મધમાખી ઉછેર થકી લાખોપતિ બન્યા

તાલીમમાં આવનાર ખેડૂતોને આ નવા વિષય ઉપર ખૂબ જ રસ પડયો. એમને સૌ પ્રથમ વાર જાણવા મળ્યું કે મધમાખી ઉછેર ફકત મધ મેળવવા માટે નહીં, પરંતુ તેનાથી પાક ઉત્પાદનમાં, ખાસ કરીને શાકભાજી પાકોના ઉત્પાદનમાં ૨૫ થી ૩૦ ટકાનો વધારો થાય છે. ખેતરમાં મધમાખી પેટીઓ રાખવાથી પરાગનયનની ક્રિયા ખૂબ જ ઝડપી બને છે. જેના પરિણામ સ્વરૂપે ઉત્પાદન વધે છે. ખુબ જ ટુંકાગાળામાં અશોકભાઇએ એક પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. બીએસસી સુધીનો અભ્યાસ કર્યો હોવાના કારણે તેઓને જાણકારી મેળવવા કોઇ મુશ્કેલી પડી નથી. અશોકભાઈ આત્મા યોજના સાથે જોડાયેલા હોવાથી પ્રગતિશીલ ખેડૂત તરીકે કિસાન ગોષ્ટી વગેરે કાર્યક્રમો દ્ગારા અન્ય ખેડૂતોને મધમાખી ઉછેર અંગે માર્ગદર્શન પૂરું પાડે છે.

મધમાખીનો ઉછેર બે રીતે કરી શકાય

અશોકભાઇ કહે છે કે, મધમાખીનો વ્યવસાય હજારો વર્ષ જૂનો છે. ઈજીપ્તના પિરામિડોમાં મમીને જાળવી રાખવા ઉપયોગમાં લેવાયેલા મધ પરથી આમ કહી શકાય. મધમાખીનો વ્યવસાય બે પ્રકારે થઈ શકે. કુદરતી રીતે મધપુડા થાય ત્યાંથી મધ કાઢવું. પરંતુ આ રીત ઓછું ઉત્પાદન આપનારી એટલે કે માસ પ્રોડકશન આપી શકતી નથી. વૈજ્ઞાનિક રીતે પેટીમાં મધમાખી ઉછેર કરીને ગુણવત્તા યુકત મધનું માસ પ્રોડકશન મેળવી શકાય છે.

કેન્સરની સારવારમાં આ મધ ઉપયોગી

અશોકભાઇ અનેક પ્રયોગો કરીને ગુણવત્તાવાળું મધ મેળવવા પ્રયત્નો કરી રહ્યાં છે. કેરાલાના જંગલમાં કુચી મધમાખી (ટ્રાયગોના) લાવી તે માખીને મલ્ટીપ્લાય કરી આ માખી તુલસી, ચણોઠી જેવા આયુર્વેદિક છોડના ફુલો ઉપર બેસીને મધ એકઠું કરે છે. તેમાંથી મળતું મધ કેન્સરગ્રસ્ત વ્યકિતને કીમોથેરાપી સારવાર થકી શારીરિક અશકિતઓ નિવારવા ઉપયોગ થાય છે.

જો તમે દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો