તાલાલાના ખેડૂતે બેક્ટેરીયા આધારિત જૈવિક પદ્ધતિ અપનાવી કેસર કેરીના બગીચાને લચલચતો બનાવ્યો, જાણો વિગતે.

નવ રચિત ગીર-સોમનાથ જિલ્લાનો તાલાલા તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિધ્ધ છે. અહિની જમીન કેસર કેરીને ખુબ માફક આવે છે. તાલાલા ગીર કેસર કેરીની રાજધાની છે. એમ કહીએ તો ખોટુ નથી. તાલાલા તાલુકાના 49 ગામોની 29800 હેકટર ખેતી લાયક જમીન પૈકી અંદાજિત 16900 હેકટર જમીનમાં આંબાવાડી છે. કેસર કેરીનાં આબાવાડીઓ તાલાલા તાલુકાની જીવાદોરી તો છે જ પણ અહીંની આગવી ઓળખ પણ છે.

વરસાદ, વાતાવરણ, ખેડૂતોની માવજત, માર્કેટીંગ, બજારભાવ મુજબ કેસર કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોને નાણાં મળે છે. પરંતુ ખેડૂતો બજારમાં કેસર કેરી વહેલાસર લાવવા કલ્ટાર વાપરીને આંબાવાડીયાની સાથે જમીનને પણ નુકશાન પહોંચાડી રહ્યા છે. ઉપરાંત કેસર કેરી બજારમાં આવ્યા બાદ કેરીને પકવવા ઉપયોગમાં લેવાતો કાર્બેટ લોકોને કેસર કેરીના અસલ સ્વાદથી વિમુખ કરે છે.

આથી કાર્બેટ અને કલ્ટાર કેસર કેરીની સાથે લાંબા ગાળે કેરીનુ ઉત્પાદન કરતા ખેડૂતો અને ખાનાર વર્ગ માટે નુકશાનકારક છે. આ માટે કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતો જાગૃત બને એ દિશામાં તાલાલાનાં પ્રગતીશીલ બાગાયતકાર યોગેશભાઇ કૂંભાણીનાં પિતા જગદિશભાઇનાં દેહાવસાન બાદ યોગેશભાઇને નાની ઉંમરે અભ્યાસ અને ખેતીનાં કામનો સીધો ભાર તેમનાં શીરે આવતા ગામનાં અનુભવી બાગાયતકાર ચંદુભાઇ લક્કડનાં સુચવેલ પથ પર બેક્ટેરીયા આધારીત જૈવીક પાકવૃધ્ધી અપનાવી કેસર બગીચાને લચલચતો બનાવ્યો છે.

ગીર વિસ્તારના મહત્તમ કેસર કેરીના બગિચા પર્યાવરણીય આડઅસરનો ભોગ બન્યા.

આ અંગે યોગેશભાઇએ જણાવ્યું હતું કે, ગીરની કેસર કેરી ગુજરાતની ઓળખ છે. ફળની રાણી એવી સુમધુર કેસર કેરીની લોકો રાહ જોતા હોય છે ત્યારે તેનું ઉત્પાદન ઘટે તે પાલવે તેમ નથી. ખેડુતની આવક બમણી કરવા માટે આધુનિક ખેતી અને ગુણવતાયુકત ઉત્પાદન જરૂરી છે. પરંપરાગત કેસર કેરીના આંબાના વાવેતરના બદલે ઈઝરાયલની હાઇડેન્સીટી પધ્ધતિથી આંબાના વાવેતરનો પ્રયોગ વિઘાદીઠ ઉત્પાદનમાં બમણો વધારા સાથે સફળ થયો છે. પણ આ વર્ષે વરસાદની અગાઉનાં વર્ષોની તુલનાએ માત્રા અપુરતી રહી છે. ભૂગર્ભ જળનું વધુ પડતુ દોહન ભુતળનાં જળસ્તર ઉંડા ઉતરી રહ્યાં છે.

શિયાળો પૂર્ણ થયો અને આમ્રકુંજમાં આમ્રમંજરીની સુવાસ રેલાવી હતી. ખેડુતોને આશા બંધાણી હતી કે આ વરસે ભલે વરસાદ ઓછો થયો પણ ઈશ્વર આપણી સાથે છે. પણ આંબાની આમ્રમંજરી એટલે કે આવરણ પર સુકારા અને મધીયાનાં રોગે ભરડો લીધો અને સમગ્રતયાઃ આંબા આવરણ રહીત બની જતા કેસર કેરીનો ફાલ બેસવાની સંભાવના મરી પરવારી છે. બદલાતા વાતાવરણને કારણે તાલાળા તાલુકાનાં સુરવા, મોરૂકા, રસુલપરા, અમૃતવેલ, જશાપરુ, વાડલા, આંકોલવાડી, લુશાળા, ધાવા, વિરપુર, બોરવાવ, ચિત્રોડ ગામોનાં આંબાવાડીયા રોગના ભરડામાં સપડાઇ જતા ખેડુતોની આશા પર જાણે પાણી ફરી વળ્યુ છે.

આંબાવાડીયામાં અનેક આંબાઓ જાણે કે વાંઝીયા હોય તેમ દેખાય છે. પરંતુ ખેડૂતોએ તેની યોગ્ય સારસંભાળ લેવી જોઇએ. જો તેમ કરવામાં આવે તો તેના કારણે આંબા પરનો મોર ડાળી પરથી ખરી જતો નથી અને વિકાસ પણ સારો થઇ શકે છે. આ માટે મારા આંબાવાડીયામાં મેં આગોતરી બાબતોની કાળજી દાખવી હતી અને અન્ય ખેડુતોનાં બગીચા જેવી મારા આંબાવાડીયાની હાલત થઇ નથી, આજે મારા બાગાયતમા કેરી ત્રણ વિભાગમાં આવી છે. આગતર હતી તે મસમોટી બની છે, બીજીવારનું આવરણ હતુ તે કેરી ખાખડી સ્વરૂપે ઝુમખામાં જુલી રહી છે. અને તાજેતરમાં આવેલ આવરણમાં મગીયો બંધાઇ રહ્યો છે. આમ ત્રણ જનરેશન મારા બગીચામાં દ્રષ્ટીગોચર થઇ રહ્યો છે. મારા ખેતરની આસપાસ ઘણાંખરા બગીચા જાણે કે ખાલીખમ ભાસી રહ્યા છે.

બગીચાની સારસંભાળ તેની ભુપૃષ્ટ સંરચનાનો અભ્યાસ થકી કરવી

આંબાવાડી ધરાવતા યોગેશભાઇ કુંભાણીને તેના બગીચાનાં સારા આવરણ વિશે પૃચ્છા કરતા જણાવ્યુ કે બગીચાનાં વૃક્ષોની સારસંભાળ તેની ભૃપૃષ્ટ સંરચનાનો અભ્યાસને લઇને કરવી જોઇએ. આડેધડ રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાઓ, વધુ પાક ઉત્પાદન લેવા અને આગોતરા કેરીનાં ફાલ લેવા કલ્ટાન જેવા ઝેરી રસાયણો બગીચાને વિનાશ તરફ દોર જાય છે.

તલાલા યાર્ડમાં વર્ષોવર્ષ થયેલું કેરીનું વેચાણ

તાલાલા માર્કેટીંગ યાર્ડના છેલ્લા વર્ષોના કેરીના વેંચાણના આંકડા તપાસીએ તો 2000-01માં 51550 કવીન્ટલ કેરીની આવક થઇ હતી. 1 ક્વિન્ટલનો સરેરાશ ભાવ રૂ.800 આવ્યો હતો. જે મુજબ રૂ. 4.12 કરોડની કેરીના વેંચાણની આવક ખેડૂતોને મળી હતી. આ આવક 2004-05માં રૂ.16.90 થઇ હતી. જ્યારે આ આવક 2009-10માં 13.14 કરોડની થઇ હતી. વર્ષ 2013-14માં 1,18,508 કવીન્ટલ, સરેરાસ રૂ.2500ના ભાવથી વેંચાણ મુજબ રૂ.29.62 કરોડની આવક થઇ હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો