ગુજરાતી ફિલ્મના જાણીતા એક્ટર હસમુખ ભાવસારનું 70 વર્ષની વયે હાર્ટ અટેકથી નિધન
ગુજરાતી ફિલ્મ તથા રંગમંચના જાણીતા એક્ટર હસમુખ ભાવસારનું કાલે 21 ઓક્ટોબરના રોજ દુઃખદ અવસાન થયું છે. તેઓ ડાકોર ગયા હતા અને અહીંયા જ તેમને હાર્ટ અટેક આવ્યો હતો. હસમુખ ભાવસારે ટીવી સિરિયલ ‘કાકા ચાલે વાંકા’ પ્રોડ્યૂસ કરી હતી. તેમના આકસ્મિક અવસાનથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે. હસમુખ ભાવસાર પોતાની આગવી એક્ટિંગ તથા ઘેઘુરા અવાજને કારણે ચાહકોમાં ઘણાં જ લોકપ્રિય હતા. તેમના આકસ્મિક અવસાનથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટી ખોટી પડી છે.
હસમુખ ભાવસારનો જન્મ અમદાવાદમાં રાયપુરમાં માર્ચ, 1950માં થયો હતો. તેમને સ્વિમિંગનો ઘણો જ શોખ હતો. તેઓ કાંકરિયા સ્નાનાગારમાં કોચ તરીકે કામ કરતા હતા. તેમણે નિવૃત્તિ સુધી અહીંયા કામ કર્યું હતું. હર્ષદ શુક્લ તેમના બોસ હતા. હસમુખ ભાવસારને સંતાનમાં એક દીકરો તથા એક દીકરી છે. જોકે, દીકરા બીરેનનું અકાળે અવસાન થતાં તેઓ ઘણાં જ ભાંગી પડ્યા હતા. દીકરી માનસી અને દોહિત્રી અનુષ્કા માતા-પિતા તેમની સાથે જ રહે છે.
70 વર્ષીય હસમુખ ભાવસારે વડોદરા પ્રોડ્યૂસરને મળવા કારમાં જતા હતા. તેમની સાથે કેમેરામેન મનુભાઈ ઝાલા હતા. રસ્તામાં ડાકોર આવતું હોવાથી તેમણે કુળદેવના દર્શન કરવાનું નક્કી કર્યું. પોણા બાર વાગે મંદિરમાં જઈને ભગવાનના દર્શન કર્યા હતા. બહાર આવીને તેઓ પરિવાર માટે પ્રસાદ લેવા દુકાને ઊભા રહ્યા હતા, પરંતુ અચાનક જ તેમને હાર્ટ અટેક આવી ગયો હતો. પ્રસાદ હાથમાં લે તે પહેલાં જ તેઓ દુકાન આગળ ઢળી પડ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક 108 બોલાવીને તેમને નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, ડૉક્ટર્સે એવું કહ્યું હતું કે હસમુખ ભાવસાર હવે આપણી વચ્ચે નથી.
હસમુખ ભાવસારના અંતિમ સંસ્કાર અમદાવાદના જમાલપુર ખાતે 21 ઓક્ટોબરના રોજ સાંજે છ વાગે કરવામાં આવ્યા હતા. કોરોનાને કારણે મોટા પ્રમાણમાં મિત્રો અંતિમસંસ્કારમાં હાજર રહી શક્યા નહોતા.
1970માં તારક મહેતાએ લખેલું નાટક ‘એક મૂરખને એવી ટેવ’થી હસમુખ ભાવસારે કરિયરની શરૂઆત કરી હતી. આ નાટકમાં તેમના સિવાય અન્નપૂર્ણા શુક્લા, હર્ષદ શુક્લા, દિપ્તી બ્રહ્મભટ્ટ હતા. આ નાટકને પ્રોડ્યૂસ કર્યું હતું. હસમુખ ભાવસાર તથા હર્ષદ શુક્લા વિવેકાનંદ કોલેજમાં સાથે હતા અને તેઓ પ્રોફેસર મંગુભાઈ પટેલના વિદ્યાર્થીઓ હતા. આ બંને નાટકમાં માહિર હતા. તેઓ કોલેજ ફેસ્ટિવલ તથા યુથ ફેસ્ટિવલમાં આગળ પડતો ભાગ લેતા હતા. જીતેન્દ્ર ઠક્કર, મહેશ વૈદ્ય તથા પ્રફૂલ ભાવસાર પણ તેમના મિત્ર હતા. પ્રચાર જવનીકા કલાના પ્રચાર શો કરતા અને તેમાં જ કામ કરતા હતા. પછી જવનીકાનું કમર્શીયલ નાટક શરૂ થયું હતું. આ રીતે તેમની કરિયરની શરૂઆત થઈ હતી. ઈસરો શરૂ થયું હતું, જેમાં તેમણે ભલા ભુસાના ભેદભરમ’માં કામ કર્યું હતું. અરવિંદ વૈદ્યે ભુસાનો તથા હસમુખ ભાવસારે ભલાનો રોલ કર્યો હતો. ત્યારબાદ તેમણે ધીમે ધીમે ટીવી સિરિયલમાં કામ કરવાની શરૂઆત કરી હતી. હસમુખ ભાવસારે ગુજરાતી ફિલ્મ ‘સંબંધોની સોનોગ્રાફી’, ‘બાપ વેચવાનો છે’, ‘બીજો દિવસ’, ‘સગપણ’, ‘ગ્રાન્ડ હળી’, ‘મોનાલીસા’ જેવી ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું. આ ઉપરાંત તેમણે સિરિયલ ‘એક ડાળના પંખી’, ‘ભલા ભુસાના ભેદભરમ’ જેવી સિરિયલમાં કામ કર્યું હતું. તેઓ છેલ્લે ‘મામાનું ઘર કેટલે’માં જોવા મળ્યા હતા.
ગુજરાતી ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર-પ્રોડ્યૂસર જીતેન્દ્ર ઠક્કરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘ભાઈ જેવો સંબંધ હતો. નિયમિત રીતે સંપર્કમાં રહેતા હતા. ગઈ કાલે મને હસમુખે બપોરે 2.23એ એક મેસેજ કર્યો હતો. આ મેસેજ આ રીતે સાચો પડશે તેવું વિચાર્યું નહોતું. મેસેજમાં તેણે કહ્યું હતું, ‘મિત્રો, જ્યાં સુધી આ શરીર છે, ત્યાં સુધી આ તમારી લાગણીઓ વહેવડાવી દો, ફોટાને લાગણીઓની અસર થતી નથી.’ આજે 2.23એ પોતે જ ફોટો બની ગયો. હજી તો એ મારા ઘરે પણ આવવાનો હતો. તેના આકસ્મિક નિધનથી મને ઘણો જ આઘાત લાગ્યો છે.’
વધુમાં જીતેન્દ્ર ઠક્કરે કહ્યું હતું, ‘સેટ પર ઘણી જ મસ્તી કરતા. કોઈ પણ ગીતની પેરોડી કરતા હતા. સેટ પર તે ગમે તેની મજાક ઉડાવી દેતા હતા. પ્રફૂલ ભાવસારની કોઈ ના કરે એવી મજાક હસમુખ ઉડાવતો હતો. તેને જ્યારે આ સમાચાર મળ્યાં તો તે રડી પડ્યો હતો. બધાને ખબર હતી કે હસમુખ નામ પ્રમાણે જ હસમુખો અને ભોળો હતો. તેની મજાકનું કોઈ ખોટું લગાડતું નહીં.’
ગુજરાતી ઈન્ડસ્ટ્રીના જાણીતા રાઈટર-એક્ટર વિનય દવેએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘અમે ઘણી બધી ફિલ્મ, નાટક તથા સિરિયલમાં સાથે કામ કર્યું છે. તેમની એક ટિપિકલ આદત હતી. તેઓ જ્યારે પણ પુરુષોને મળે ત્યારે તે સામેની વ્યક્તિની કાનની બુટ પકડતા અને ટિડિંગ એવો અવાજ કરતા હતા. એમની આ ખાસ આદત હતી. મારી અને તેમની વચ્ચે એવો સંબંધ હતો કે અમે જ્યારે પણ મળીએ ત્યારે સૌ પહેલા એકબીજાને એક-એક જોક કહેતા હતા. એક્ટર તો કમાલના હતા. અમારી વચ્ચે જોકના સંબંધો હતા. અમે બંનેને જ્યારે પણ નવો જોક મળે એટલે તરત જ એકબીજાને સંભાળવતા હતા. તેમણે ‘પૃથ્વીવલ્લભ’ નાટકમાં માલવપતિ મુંજનો રોલ કર્યો હતો. આ નાટકમાં તેમણે કમાલનું કામ કર્યું હતું. તેઓ ફૂડ લવર હતા. તેઓ ખાવાના શોખીન હતા અને કઈ વાનગી કઈ જગ્યાએ મળશે તેની દરેક માહિતી રહેતી હતી. એટલું જ નહીં તેમની પાસે ગમે તે બાબતની માહિતી રહેતી હતી. મારી લખેલી સિરિયલ ‘સુંદરલાલ સપનાવાળા’માં તેમણે ક્લાર્કનો રોલ કર્યો હતો.’
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

