ગોધરા/ અકસ્માતમાં મૃત્યુ પામેલા પતિના દેહને જોઇ પત્નીનો કલ્પાંત…મને લેવા આવતા હતા તો હવે મને પણ લઈ જાઓ, પાષાણ હૃદયના માનવીને પણ પીગળાવી દે તેવા દ્રશ્યો સર્જાયા

ગોધરા નજીકના રામપુરાના 4 નવલોહીયા યુવાનોના અકાળે મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે, સમગ્ર ગામ અને પાટીદાર સમાજ પણ આ ઘટનાથી સ્તબ્ધ બની ગયો છે. જૂનાગઢના મેંદરડા પાસે ઇકો કાર તળાવમાં ખાબકતા મૃત્યુ પામેલા રામપુરાના 19થી 25 વર્ષના 4 યુવાનોના મોતથી પરિવાર હચમચી ઉઠ્યા છે. પત્નીને તેડવા ગયેલા પતિ પિનાકીનના નિશ્ચિત દેહને જોઇ પત્ની સીમાએ ‘તમે મને લેવા આવતા હતા તો હવે મને પણ લઈ જાઓ’ કહીને ભારે કલ્પાંત કરી મૂક્યો હતો.

મૌલિનની માતા દર્શનાબેને બેગમાં 3 જોડી કપડા અને જરૂરી વસ્તુ ભરી આપી કહ્યું સોમનાથ દાદાના દર્શન ભાવપૂર્વક કરજે

22 વર્ષીય મૌલિન ડિપ્લોમા સુધીનો અભ્યાસ કરી પિતા ઇન્દ્રવદન ભાઈને ખેતીકામમાં મદદરૂપ થતો હતો. તેના પરિવારમાં માતા દર્શનાબેન અને એકનાનો ભાઈ અને એક મોટી બહેન છે. અપરણિત મૌલિનના મોતથી પરિવાર અવાક બની રહ્યો છે. ત્યારે શનિવારે ઓચિંતા ફરવા જવાના બનાવેલા પ્રોગ્રામને લઇ માતા દર્શનાબેને તેની બેગમાં ત્રણ જોડી કપડા સહીતની જરૂરી વસ્તુઓ ભરી આપી હતી અને કહ્યું હતું કે સોમનાથ દાદાના દર્શન ભાવપૂર્વક કરજે.

પત્નીએ કહ્યું જ્યાં પહોંચો અને દર્શન કરો ત્યાંથી ફોન કરતા રહેજો

જીગરના લગ્ન એક વર્ષ અગાઉ પ્રિયાબેન સાથે થયા હતા.તેઓના પરિવારમાં માતા-પિતા છે. જીગર ત્રણ મોટી બહેનોનો એકનો એક લાડકો ભાઈ હતો. સોમનાથ જવા નીકળતા પહેલા પત્નીએ બેગ તૈયાર કરી કહ્યું હતું કે જ્યાં પહોંચો અને દર્શન કરો ત્યાંથી ફોન કરતા રહેજો. સગર્ભા પ્રિયાની સ્થિતિ બગડે નહીં તે માટે તકેદારીના ભાગરૂપે દવા-સારવાર કરાવાઇ હતી. જીગરનો મૃતદેહ રામપુરા લવાતા પ્રિયાના આક્રંદથી સમગ્ર વાતાવરણ કરૂણ બની ગયું હતું.3 બહેનોએ પોતાના એકના એક ભાઈના મૃતદેહને જોઈને હવે તે કોને રાખડી બાંધશે કહીને ભારે આક્રંદ કરી મૂકયું હતું.

પિનાકીનના માતાએ કહ્યું શાંતિથી જઇ વહેલાસર પાછા આવી જજો

પીનાકીન પટેલના પરિવારમાં પત્ની, પિતા, માતા, મોટાભાઈ અને બહેન છે. પિનાકીન પટેલે 8 માસ અગાઉ સીમા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ઘુસિયા ગામે ગયેલી પત્નીને લેવા પીનાકીન બસ મારફતે ઘુસિયા જવાના હતા. મિત્રોએ પણ ફરવા આવવા ઈચ્છા વ્યક્ત કરતા 4 મિત્રો કાર લઇ રવાના થયા હતા. માતા મંજુલાબેને શાંતિથી જઇ વહેલાસર પાછા આવી જવા જણાવ્યું હતું.દીકરો કાયમ માટે સિધાવી જતા પરિવાર શૂન્યમસ્ક બની ગયો હતો. પતિના નિશ્ચેત દેહને જોઇ સીમાએ ‘તમે મને લેવા આવતા હતા તો હવે મને પણ લઈ જાઓ’ કહીને ભારે કલ્પાંત કરી મૂક્યો હતો.

એકના એક દીકરાને ગુમાવી દેતાં પરિવાર ગુમસુમ બની ગયો

અકાળે મોતને ભેટેલા રામપુરાના 4 યુવકો પૈકી સૌથી નાના 19 વર્ષીય મોહિતના પરિવારની હાલત પણ ભારે હૃદયદ્રાવક બની ગઈ છે. પોતાના પરિવારનો કુલદીપક બુઝાઈ જતા પિતા મહેશભાઈ ગુમસુમ બની ગયા તો માતા પણ અર્ધબેભાન બની પુત્ર મોહિતના નામનું કલ્પાંત કરી રહ્યા છે. બે મોટી બહેનોનો એકના એક ભાઈના મૃતદેહને વળગીને કોઈ તો અમારા લાડકડા ભાઈલાને ઉઠાડો કહીને રડારોડ કરી રહી છે. પોતાના મા-બાપના એકના એક સહારા ભાઈને ગુમાવી દેતા બન્ને બહેનોની હાલત બગડી ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો