બાળ સંરક્ષણ ગૃહમાં રહેલાં ૧૭ વર્ષિય યુવકનું મોત, પોલીસે બહુ માર્યો છે, હું ખાઈ કે પી શકતો નથી, હું કોઈ જગ્યાએ બેસી શકું તેવી સ્થિતિમાં નથી’ તેવું દીકરાએ પિતાને જણાવ્યું હતું

કાકાની મનિએક્ચેન્જ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટીવ તરીકે નોકરી કરતાં ભત્રીજા ધ્રુવિલએ સાગરીતો સાથે મળીને કરેલી રૂ.૧૦.૯૭ લાખની લૂંટની ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા આશિષનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સોમવારે સવારે ૮ વાગ્યે મોત નિપજ્યું હતું.

બનાવ અંગે પરિવારે પોલીસના મારને કારણે કિશોરનું મોત થયાનો આક્ષેપ કરી જવાબદારો સામે ગુનો દાખલ કરવા માંગણી કરી છે. બીજી તરફ પોલીસે બચાવવામાં રિમાન્ડ હોમમાં કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને શિફ્ટ કરવામાં આવ્યો ત્યારે મેડિકલ તપાસમાં તેના શરીર પર બાહ્ય કે આંતરીક ઈજાના કોઈ નિશાન ન હતા.

હાલમાં શાહપુર પોલીસે આ અંગે અકસ્માત મોતની નોંધ કરીને ઊંડાણપૂુર્વકની તપાસ કરીને આશિષનું મોત કયા કારણથી થયું તે કોકડું ઉકેલવાની ખાતરી આપી છે.

ન્યુ રાણીપ વિસ્તારમાં મનિ એકેચન્જ કંપનીના રૂ.૧૦.૯૭ લાખની લૂંટની ઘટનામાં પોલીસે ભોગ બનનાર ધ્રૂવિલને આરોપી તરીકે ઝડપ્યો હતો. જેમાં યશ પટેલ, આશિષ દેસાઈ સહીત ચારના નામ ખુલ્યા હતા. આશિષ કાયદાના સંઘર્ષમાં આવ્યા બાદ પોલીસએ શુક્રવારે તેણે બાળ સરક્ષણ ગૃહ, ખાનપુર ખાતે શિફ્ટ કર્યો હતો.

બાળ સંરક્ષણ ગૃહમાં રહેલાં ૧૭ વર્ષિય આશિષના મોંમાંથી ફીણ નીકળવા માંડતા તેણે સારવાર માટે સિવિલમાં રવિવારે રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ સી-૬ વોર્ડમાં સાદા કેસમાં દાખલ કરાયો હતો. આશિષનું સારવાર દરમિયાન સોમવારે સવારે મોત નિપજ્યા બાદ પરિવાર અને તેના સમાજના લોકો ઉમટયા હતા.

આશિષના મોતના કલાકો બાદ પણ આ અંગે કોઈ કાર્યવાહી થઈ ન હતી. સિવિલમાં મોડી રાત્રી સુધી પેનલ પોસ્ટમોર્ટમાં ચાલ્યું તેમજ મોડી રાત્રી સુધી પોલીસની કોઈ કાગળ પર કાર્યવાહી થઈ ન હતી.

પોલીસ વિરુદ્ધ ગુનો દાખલ નહીં થાય તો ડેડબોડી સ્વીકારીશું નહી : પરિવારજનો

ફુલાભાઈએ જણાવ્યું હતું કે, મારા પુત્રનું મોત પોલીસના મારથી થયું છે. આશિષ કઈ ખાતો પિતો ન હોવાથી બાળ સંરક્ષણ ગૃહમાંથી ફોન આવ્યો કે, તમારો પુત્ર કઈ ખાતો પિતો નથી, તમે આવીને સમજાવીને જમાડો. હું ત્યાં ગયો તો મારા પુત્રએ મને કિધું કે, પપ્પા મને પોલીસને ખૂબ માર્યો છે, જેના કારણે હું કઈ પણ ખાઈ કે પી શકતો નથી, હું કોઈ જગ્યાએ બેસી શકું તેવી સ્થિતિમાં નથી.

અચાનક દીકરાની તબિયત લથડી અને મોંમાથી ફીણ નીકળતા રિમાન્ડ હોમ દ્વારા એમ્બ્યુલન્સ બોલાવી રવિવાર રાત્રે સિવિલ ખસેડયો હતો. સવારે સારવાર દરમિયાન મારા પુત્રનું મોત નીપજ્યું હતું. પોલીસના મારને કારણે મારા પુત્રનું મોત થયું છે. જ્યાં સુધી જવાબદાર પોલીસ સામે ગુનો નહીં નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહીં. પોલીસે મોડી રાત્રિ સુધી પરિવારને સમજાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો.

આશિષને માર માર્યાે હોય તો બાહ્ય કે આંતરિક ઈજા જોવા મળે : ડીસીપી

ઝોન-૨ ડીસીપી ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું કે, સાબરમતી પોલીસ સ્ટેશનમાં થયેલી રૂ.૧૦.૯૭ લાખની લૂંટની ઘટનામાં આશિષ કાયદાના સંઘર્ષમાં આવ્યો હોવાથી પોલીસે તેની પૂછપરછ કરીને ગણતરીના સમયમાં બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યો હતો. પોલીસ કસ્ટડીથી રિમાન્ડ હોમમાં શિફ્ટ કરતાં પહેલા આશિષની મેડિકલ તપાસ થઈ જેમાં કોઈ બાહ્ય કે આંતરિક ઈજાના નિશાન મળ્યા ન હતા.

સિવિલમાં સારવાર દરમિયાન આશિષના મૃત્યુ પછી પણ તેના શરીરમાં કોઈ ઈજાના નિશાન ડોકટરોને મળ્યા નથી. પરિવારના કોઈ ખોટી રીતે ઉશ્કેરીને પોલીસ પર આક્ષેપ કરાવી રહ્યું છે. જે આક્ષેપ ખરેખર ખોટા હોય તેવું જણાય છે. તેમ છંતા પણ આશિષના મૃત્યુ અંગે શાહપુર પોલીસ દ્વારા અકસ્માત મોતની નોંધ કરી ઊંડાણપૂર્વક તપાસ કરાશે.

બોડી સ્વીકારવા પરિવાર તૈયાર : સુપરિન્ટેન્ડેન્ટ

સિવિલના ઈન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ ડો. ગુણવંત રાઠોડે જણાવ્યું કે, મૃતકનું PM થઈ ગયું છે, શું રિપોર્ટ છે તેનો હાલ ખ્યાલ નથી, પરિવારને સમજાવતા તેમણે મૃતદેહ લેવા માટે તૈયાર થયા છે

ગુજરાતમાં બે વર્ષમાં ૧૩૩ કસ્ટોડિયલ ડેથની ઘટના

ગુજરાતમાં બે વર્ષમાં કસ્ટોડિયલ ડેથની ૧૩૩ ઘટનાઓ બની છે, આમાં પહેલી મે ૨૦૧૭થી ૩૦મી એપ્રિલ ૨૦૧૯ના સમય ગાળાની કસ્ટોડિયલ ડેથની ઘટનાઓ સામેલ છે. પોલીસ કસ્ટીમાં મોતની આ ઘટનાઓ પૈકી એક કેસમાં એક પીએસઆઈ, એક હેડ કોન્સ્ટેબલ અને એક પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો