સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયા બાદ લાપતા થયેલા વડોદરાના પરિવારની કાર નર્મદા કેનાલમાંથી મળી, કારમાંથી મળ્યા 4 મૃતદેહો

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસે ગયા બાદ લાપતા થયેલા વડોદરાના પરિવારની કાર ગુરુવારે ડભોઈના શંકરપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદાની પેટા કેનાલમાંથી મળી આવી છે. ફાયરબ્રિગેડે કારને બહાર કાઢતાં તેમાંથી 4 મૃતદેહો મળી આવ્યા હતા, જ્યારે 1 મહિલાના મૃતદેહની શોધખોળ ચાલુ છે. ગાડી કેનાલ પાસેના કાચા રોડ પર રોંગ સાઇડ પર ગયા બાદ કેનાલમાં પડી હતી. ત્યારે પ્રશ્ન એ ઉદભવે છે કે, કલ્પેશ પરમાર ગાડીને કાચા રસ્તે કેમ લઈને ગયો? શું તે રસ્તો ભૂલ્યો હતો કે પછી ઇરાદાપૂર્વક તેણે ગાડી કાચા રસ્તે ઉતારી? આવા અનેક સવાલોના કારણે આ ઘટના અકસ્માત છે કે સામૂહિક આપઘાત તે તપાસનો વિષય બન્યો છે. દરમિયાન ગુરૂવાર રાત્રે મૃતકોના વડોદરા ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતાં.

પોલીસ – પરિવારને મૂંઝવતા પ્રશ્નો

  • કલ્પેશ વેગા ચોકડીથી વડોદરા તરફ જવા નિકળ્યો,ત્યારે તેણે કાર પરત કરી શિનોર ચોકડી થઈ ચાંણોદના માર્ગ તરફ કેમ વાળી ?
  • કાર તેનતલાવ પાસે પસાર થતી નર્મદા કેનાલના કાચા રસ્તે રોંગ સાઈડ કેમ ગઈ ?
  • કેનાલની બંને તરફની પાળીઓ પર કારના ઘસરકાના કોઈ નિશાન મળ્યાં નથી ?
  • કલ્પેશ શેરમાર્કેટમાં કામ કરતો હતો,તો શું તેને દેવું થઈ ગયું હતું ?
  • પરિવાર સાથે હતો તો કલ્પેશે કેમ કાચા રસ્તે ગાડી ઉતારી ?
  • ચાંણોદ પાસે કોઈ સગા-વહાલા રહેતા ન હતા તો રાતના સમયે આ રસ્તે કેમ ગયો ?
  • કાર અકસ્માતે કેનાલમાં ખાબકી હોય તો ઘસરકો કેમ નહીં, હેડલાઇટ અને બમ્પર પણ કેમ અકબંધ?

શું હતી સમગ્ર ઘટના

નવાપુરા વિસ્તારમાં રહેતો કોમ્પ્યૂટરની લે-વેચ કરતો વેપારી કલ્પેશ ચંદુભાઈ પરમાર 1 માર્ચ,રવિવારના રોજ પોતાની પત્ની તૃપ્તિ, માતા ઉષાબેન, પુત્ર અથર્વ (ઉ.વ 9) અને પુત્રી નિયતી (ઉ.વ 7)ને લઈને કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ફરવા ગયો હતો. જોકે ત્યાર બાદ પરિવાર ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી કેવડિયા પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પરિવાર ભેદી રીતે ગુમ થઈ જતાં કેવડિયા પોલીસે 7 ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી.
પોલીસે સીસીટીવી ફુટેજ તપાસતાં પરિવાર છેલ્લે ડભોઇ વેગા ચોકડી પાસેની હોટલમાં જમવા ઉભો રહ્યો હોવાનું દેખાયું હતું. જ્યારે વેપારીનું મોબાઇલ લોકેશન શંકરપુરાનું નીકળ્યું હતું. શંકાના આધારે પોલીસે ડભોઈ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં તપાસ કરવાનું શરૂ કરતાં શંકરપુરા પાસેથી પસાર થતી નર્મદાની પોર શાખાની પેટા કેનાલમાં કાર દેખાઇ આવી હતી. પોલીસે તુરંત ફાયર બ્રિગેડની મદદથી ક્રેઈન મારફતે ગાડીને બહાર કાઢતાં તેમાંથી કલ્પેશ પરમાર,ઉષાબેન,અથર્વ અને નિયતીના મૃતદેહો મળી આવ્યા હતા. જ્યારે કલ્પેશની પત્ની તૃપ્તિબેનનો મૃતદેહ મળી આવ્યો ન હતો.
પોલીસ અધિકારીએ ઘટનાની જાત તપાસ કરતા તેમણે કેટલાક મુદ્દાઓ જણાવ્યાં હતાં. જેમાં આ ઘટના અકસ્માત હોય તેના પર તેમને શંકા ઉદભવી હતી. કેમ કે કારની કોઈ પણ તરફ ઘસરકાના નિશાન ન મળ્યાં હતાં, હેડલાઈટ,કાચ કે બંપર તુટ્યું ન હતું. કાર સીધી કેનાલમાં ઉતારી જ દીધી હોય તેવી શંકા છે. જ્યારે અકસ્માત થાય તો તેની કોઈ નિશાનીઓ કેનાલની પાળીઓ પર કે પછી ઝાડ કે અન્ય સ્થળે જોવા મળતી હોય છે. તે પણ જોવા મળી નથી. બીજી તરફ પોલીસને શંકા છે કે,વડોદરાનો કોઈ પરિવાર સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે ફરવા ગયો હોય તો તે રાતના સમયે વડોદરા જ જાય. જ્યારે કલ્પેશ પરમારે પોતાની કાર વેગા ચોકડીથી વડોદરા તરફ હંકારી જોકે એકાદ કિલોમીટર બાદ તે પરત ફરી શિનોર ચોકડી થઈને ચાણોદના માર્ગે શું કામ આવ્યો? તે શંકા ઉપજાવે છે.

શંકરપુરાથી તેનતલાવના રસ્તા પર નર્મદા કેનાલના નાળાની બંને બાજુ અટપટો વળાંક છે

ડભોઈથી ચાંણોદ જવાના રસ્તે શંકરપુરા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની પેટા કેનાલ પર એક એસ આકારનો ભયજનક વળાંક આવેલો છે. આ વળાંક પર જો કાર પુરઝડપે આવે તો ચોક્કસથી અકસ્માત સર્જાય. જેથી એ એસ આકારનો વળાંક અકસ્માત ઝોન છે. કલ્પેશની કાર આ વળાંક પર પુરઝડપે પસાર થઈ હોય તેવી સંભાવનામાં કાર વળાંક પાસેના જ કાચા રસ્તે વળીને કેનાલમાં ખાબકી હોય તે બની શકે છે. બીજી તરફ કલ્પેશ ભુલથી પોતાની ગાડીને કાચા રસ્તે વાળી લીધી હોય અને રીવર્સ લેતા તે અંધારામાં કેનાલમાં ખાબકી હોઇ શકે છે. જો કે બનાવ અંગે અનેક શંકા ઉદભવી છે.

સીસીટીવીમાં કાર ચાણોદ તરફ જતી દેખાઇ હતી

પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતાં કલ્પેશની કાર 1 માર્ચે ડભોઈના વેગા ચોકડી ખાતે આવેલી જયવીર હોટલમાં જોવા મળી હતી. જ્યાં પરિવાર જમીને વડોદરા જતુ હતું. પરંતુ માત્ર એક કિમી આગળ જઈ કાર પરત ફરી શિનોર ચોકડી થઈ ચાણોદના માર્ગ તરફે જતી સીસીટીવીમાં જોવા મળી હતી. મોબાઇલનું છેલ્લુ લોકેશન શંકરપુરા ગામ પાસે મળ્યું હતું.

ઘટના સ્થળે ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા

ડભોઈના તેનતલાવ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી કાર મળી આવા હોવાના સમાચાર સાંભળીને વડોદરા જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઈ, નર્મદા જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક એસ.જે.મોદી, ડભોઈ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક કે.વી.સોલંકી, એલસીબી-એસઓજીની ટીમો, મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.

અંધારુ થતાં શોધખોળ અટકાવી, આજે ફરી કરાશે

ફાયર ઓફિસરહર્ષવર્ધન પુવારે જણાવ્યું હતું કે, તેનતળાવથી શંકરપુરાની 2 કિ.મીની નહેરમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી,પરંતુ લાપતા મહિલાનો મૃતદેહ મળ્યો નથી. હાલ રાતના અંધારાના કારણે શોધખોળ બંધ કરી છે. કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યું છે જેથી પાણીનું સ્તર ઘટી રહ્યું છે. હાલ 8 થી 10 ફૂટ પાણીનું સ્તર છે. સવારે પાણી ઉતરી જતાં ફરીથી તપાસ હાથ ધરાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો