સુરતમાં ઓર્થોપેડિક ડોક્ટર પરિવારે કોરોનાને મ્હાત આપી અને કહ્યું, સાવધાની એ જ મોટી સુરક્ષા
કોરોનાનો અજગરી ભરડો દિવસેને દિવસે વધી રહ્યો છે. લોકો સાવધાની ન રાખતાં હોવાથી કોરોનાનો ચેપ ફેલાઈ રહ્યો છે ત્યારે કોરોના વોરિયર્સ પણ તેનો શિકાર બની રહ્યાં છે. સુરતના વરાછા હીરાબાગ નજીક આવેલી વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેતા ઓર્થોપેડિક ડોક્ટર અને તેના પરિવારના સભ્યોને કોરોના થયો. તેમના પરિવારમાં સૌ પ્રથમ પિતાને કોરોના થયો તેની સેવા ચાકરી કરવામાં ડોક્ટરને અને તેના થકી તેમની પત્ની એમ પરિવારના કુલ ત્રણ સભ્યો કોરોનાનો શિકાર બન્યા.પરંતુ યોગ્ય સારવાર અને તકેદારીના કારણે પરિવારના તમામ સભ્યોએ કોરોનાને મ્હાત આપી અને લોકોને એક જ સલાહ આપે છે કે, જેટલી સાવધાની-સાવચેતી રાખશો તે જ સૌથી મોટી સુરક્ષા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સૌપ્રથમ પિતાને કોરોના થયો
નાના વરાછા ઢાળ ખાતે ઓર્થોપેડિક હોસ્પિટલ ધરાવતા ડો. કિશોરભાઈ દૂધાતે જણાવ્યું હતું કે, લોકડાઉન જાહેર થયું ત્યારથી જ તેઓ ખૂબ તકેદારી રાખતાં. શરૂઆતના દિવસોમાં બેકરીથી સામાન, ફ્રૂટ, શાકભાજી જેવી વસ્તુઓ લેવા નીકળતાં પરંતુ તે પણ પછી બંધ કરી દીધું હતું. આ દરમિયાન પિતાની તબિયત લથડી હતી. જેથી ઘરમાં જ તેમની સારવાર ચાલુ કરી દીધી હતી. કોરોના હશે તેવો વ્હેમ નહતો. કેસ પણ વરાછામાં ઓછા હતા. વલ્લભનગરમાં એક પોઝિટિવ કેસ નોંધાયો હતો.અમે રિપોર્ટ કરાવવાનું યોગ્ય ન સમજી ઘરે જ સારવાર શરૂ કરી હતી.
નિવૃત પિતા ડાયાબિટિસના દર્દી હતા
કોરોનાની જર્ની વિષે કહેતા ડોક્ટર દૂધાતે જણાવ્યું કે, પપ્પા નિવૃત હોવાની સાથે ડાયાબિટિસ અને બ્લડપ્રેશર સહિતની બીમારી ધરાવે છે. તેમની રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી છે. શરૂઆતમાં એ બહાર નીકળેલા તેમાં તેમને સંક્રમણ લાગી ગયું હતું. ઘરમાં કોઈ બીમાર પડે તો આપણે લાગણીમાં પ્રિકોશન લેવાનું ભુલી જતાં હોઈએ છીએ એમ જ અમારે પણ થયું હતું. ત્રણ દિવસ ઘરે જ તમામ સારવાર અને રિપોર્ટ કરાવ્યાં. પણ તેમાં કશું ન આવ્યું. પણ ફેફસામાં તકલીફ થઈ ત્યારે અમે કોરોના રિપોર્ટનું વિચાર્યું.
માતાને આઈસોલેટ કરાતા તેને ચેપ ન લાગ્યો
ડો.દૂધાતે ઉમેર્યું કે, જરૂરી પ્રિકોશન લેવાની ભૂલના કારણે મને ચેપ લાગ્યો હતો. ત્રણ દિવસ બાદ મને તાવ આવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો. બાદમાં તેનાથી મને અને એમાંથી ડેન્ટિસ્ટ પત્નીને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. જો કે, માતાને આઈસોલેટ કર્યા હોવાથી તેમની તબિયત સારી રહી. તેમને કોઈ જ સંક્રમણ લાગ્યું નહોતું. અમે એક જ ઘરના ત્રણ સભ્યોને કોરોના હતો. જેથી સિવિલમાં ખૂબ સારી સેવા મળી હતી. તમામ તબીબોએ રાત દિવસ ખૂબ મહેનત કરી. તમામ તબીબો અને સ્ટાફની જહેમતથી 10 દિવસમાં નેગેટિવ થઈ ગયા હતાં.
જરૂરી પ્રિકોશન લેવા એ જ સુરક્ષા છે
ડો.દૂધાતે કહ્યું કે, સરકારે જે પ્રિકોશન લેવા માટે કહ્યું છે. તે અંગે પગલાં લેવા જોઈએ. હાથના મોજા, માસ્ક પહેરો, અંતર જાળવી રાખવું વગેરે ખૂબ જરૂરી છે. કારણ કે તેનાથી સંક્રમણ ફેલાવો ઓછો થઈ શકે છે. માટે તમામ લોકોએ સરકારની ગાઈડલાઈન મુજબ સંક્રમણ અટકાવીને પણ એક સેવા જ કરી શકાય તેમ છે. અત્યારે આપણે ક્યાંય બોર્ડર પર લડવા જવાનું નથી પણ મેડિકલ સ્ટાફને પ્રોત્સાહન આપીએ તે પણ મોટી સેવા જ છે.
સિવિલમાં ઉત્તમ સારવાર મળે છે
સારવાર વિષે ડો. દૂધાતે કહ્યું કે, સિવિલ હોસ્પિટલમાં તમામ તબીબો ઉત્તમ સારવાર આપી રહ્યાં છે. આયુર્વેદિક હોસ્પિટલ અને હોમિયોપેથીના તબીબો પણ દવાઓ આપે છે. જેનાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને કોરોનાને હરાવી શકાય છે. કોરોના ન થાય તે માટે સાવચેતી રાખવી જરૂરી છે પરંતુ ત્યારબાદ સારવાર પણ એટલી જ જરૂરી છે. સમયસર સારવાર તમામ લેવી જોઈએ. કોરોના છુપાવવો ન જોઈએ કારણ કે તે છુપાઈ નહી શકે મોડું હોસ્પિટલ જવાની જગ્યાએ પ્રાથમિક લક્ષણો સાથે સારવાર લેવા જવાથી વહેલા સારા થઈ શકાય છે. સિવિલમાં ખૂબ સારી સુવિધા અને સ્ટાફ રાત દિવસ મહેનત કરે છે જેથી તકેદારી અને સારવાર પણ કોરોનામાં એટલી જ જરૂરી હોવાનું વધુમાં તેમણે જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

