‘આટલા ટાઈમથી તૈયારી કરું છું, ફેઈલ થઈશ તો બધાને શું મોઢું બતાવીશ’, સિવિલ સર્વિસીસની પરીક્ષામાં નાપાસ થવાના ડરથી સુરતમાં યુવકનો આપઘાત..
સિવિલ સર્વિસીસની પરીક્ષામાં નાપાસ થવાના ડરથી મોટા વરાછા નિવાસી ભાવનગરના હીરા વેપારીના પુત્રએ ગુરુવારે સાંજે ઘરમાં ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. સિવિલ સર્વિસીસની પરીક્ષાનો પ્રથમ રાઉન્ડ પાસ થયા બાદ કોરોનાને લઈ બીજા રાઉન્ડમાં વિલંબ થઈ રહ્યો હોય હતાશ થયેલા યુવકે ‘આટલા ટાઈમથી તૈયારી કરૂં છું, ફેઈલ થઈશ તો બધાને શું મોઢું બતાવીશ’ એવી સ્યુસાઈટ નોટ લખી આપઘાત કરી લીધો હતો.
બનાવ અંગે મળતી માહિતી મુજબ મૂળ ભાવનગરનો વતની મયુર કલ્યાણભાઈ ડાંખરા (ઉ.વ.26) પરિવાર સાથે મોટા વરાછા, પનવેલ પોઈન્ટ પાસે વ્હાઈટ હાઉસમાં રહેતો હતો. દરમિયાન ગુરુવારે સાંજના સુમારે મયુરની ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. મયુરે સાંજે સાડા પાંચથી સવા સાતેક વાગ્યાના અરસામાં ઘરમાં લેપટોપનું ચાર્જર પંખા સાથે બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું અમરોલી પોલીસ જણાવ્યું હતું. મયુરના પિતા કલ્પાણભાઈ મુળ ભાવનગર, સિદ્ધપુરના વતની છે અને તેઓ હીરાનો વેપાર કરે છે. તેમને સંતાનમાં મયુર સિવાય બીજો એક પુત્ર સુરેશ અને એક પુત્રી છે.
સોફ્ટવેર ઈજનેર સુરેશે જણાવ્યું હતું કે, મયુરે બીટેક સુધીનો અભ્યાસ કર્યો હતો. મયુર સિવિલ સર્વિસીસની તૈયારી કરી રહ્યો હતો. મયુરે દિલ્હીમાં એક માસ સુધી આ પરીક્ષાની તૈયારી કરી હતી. મયુરે સિવિલ સર્વિસીસની પરીક્ષાનો પ્રથમ (પ્રિલિમિનરી) રાઉન્ડ પાસ કરી લીધો હતો. જો કે, કોરોનાને લીધે બીજો (મેન્સ) રાઉન્ડની પરીક્ષા વિલંબિત થઈ રહી હતી અને આખું વર્ષ બગડયું હતું.
દરમિયાન 14મી ફેબ્રુઆરીએ પરીક્ષા થનાર હતી, પરંતુ ફરી પરીક્ષા રદ થતાં આગામી 7મી માર્ચની નવી તારીખ જાહેર કરાઈ હતી. જેને લઈ મયુર માનસિક રીતે પડી ભાંગ્યો હતો અને અંતિમ પગલું ભરી લીધું હતું. બનાવ અંગે અમરોલી પોલીસ તપાસ કરી રહી છે.
મયુરે પરિવારને સંબોધીને લખેલી અંતિમ ચિઠ્ઠી
સુરેશે વધુમાં કહ્યું હતું કે, મયુરે અંતિમ પગલું ભરતા પહેલા પરિવારને સંબોધીને સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, મને નથી લાગતું કે મારાથી આ એક્ઝામ ક્લિયર થશે. આટલા ટાઈમથી તૈયારી કરું છું, જો ફેઈલ થઈશ તો બધાને શું મોઢું બતાવીશ. બીજા કોઈને વાંક નથી બધી મારી જવાબદારી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

