ઓર્ગેનિક ખેતીમાં સુરત આગળ વધી દેશને દિશા બતાવેઃ CM

સુરતથી કોઈ પણ અભિયાનની શરૂઆત થાય અને તેને પછી દેશ અપનાવે તેવી પ્રથા રહી છે. ઓર્ગેનિક ખેતીમાં પણ સુરત આગળ વધી ભારતને દિશા બતાવે તેવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફેમિલી ફાર્મર અભિયાનના વેબસાઈટ લોન્ચિંગ કાર્યક્રમના ઉદ્દઘાટન પ્રસંગે જણાવ્યું હતું. આ સાથે કાર્યક્રમમાં હાજર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતર સાથે જૈવિક ખાતરની ખરીદીનો નિયમ બનાવવામાં આવે તે માટે પણ નિયમ તૈયાર કરાશે.

સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને શહેરના વિવિધ પરિવાર સાથે જોડી ફેમિલી ફાર્મર બનાવવાના અભિયાનની શરૂઆત કરાઈ છે. જે અંતર્ગત શનિવારે તા.8 જૂનના રોજ અબ્રામાના ગોપીન ગામ ખાતે તેની વેબસાઈટ લોન્ચીંગનું કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે હાજરી આપવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આઝાદી પહેલાં આપણા વડવાઓ પ્રાકૃતિક ખેતી જ કરતાં હતા.

આધુનિકરણ આવ્યા પછી એ દેશો આપણને જ્ઞાન આપતાં થયા છે જેઓ પોતાના દેશના લોકોનું શોષણ કરી રૂપિયા બનાવી ગયા છે. આપણે કેમ આપણાં ખેડૂતોને ખેતી કરતાં શીખવાડવું પડે. આપણી સંસ્કૃતિ છે કે આપણે દરેકમાં ભગવાન પુજીએ છીએ. કહેવત જ છે કે છોડમાં પણ રણછોડ છે. સુરત એવી ભૂમિ છે કે કોઈપણ અભિયાન અહીંથી શરૂ થાય અને પછી દેશ તેને આગળ ધપાવે છે. મથુર સવાણી, પ્રફૂલ્લ સેંજલિયા અને હરેશ ગાજીપરા દ્વારાની ફેમિલી ફાર્મરની ટીમ દ્વારા જે ફેમિલી ફાર્મરનું અભિયાન હાથ ધરાયું છે. તેને સુરત આગળ ધપાવે, આપણે ભારતને ઓર્ગેનિક ખેતીમાં દિશા બતાવીશું. રાજ્ય સરકારનો ખેતી વિભાગ પણ આ આ વેબસાઈટ પર વિનામૂલ્યે ગાય આધારિત જૈવિક ખેતી કરતાં ખેડૂતો પોતાને રજીસ્ટ્રેશન કરાવી શકશે. જેના પર શહેરીજનો તેની સાથે કોન્ટ્રાક્ટ કરી વર્ષ દરમિયાન તે ખેડૂત દ્વારા તૈયાર થતાં ખેત પેદાશોની સીધી ખરીદી કરી શકશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો