વિદ્યુત વિભાગના એન્જિનિયરને પીયુસી ના હોવાથી ટ્રાફિક પોલીસે મેમો આપ્યો, નારાજ થયેલા અધિકારીએ પોલીસ સ્ટેશનનું વીજ કનેક્શન કાપી નાખ્યું

ઉત્તર પ્રદેશના મેરઠમાં વીજળી વિભાગના એક જૂનિયર એન્જિનિયરને મેમો આપવો ભારે પડ્યો. રોષે ભરાયેલા જૂનિયર એન્જિનિયરે મેમો મળતાં એક પોલીસ સ્ટેશનનું વીજ કનેક્શન કાપી નાખ્યું. જેના કારણે પોલીસને કલાકો સુધી વીજળી વિના રહેવું પડ્યું. સાથે જ પોલીસ સ્ટેશનનું કામકાજ પણ અટકી પડ્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મેરઠના મેડિકલ પોલીસ સ્ટેશનમાં વીજળી ગુલ થઈ ગઈ. કહેવાઈ રહ્યું છે કે, આ પોલીસ સ્ટેશનનું લાઈટ બિલ ભરવાનું બાકી છે. પરંતુ મહત્વની વાત એ છે કે, પોલીસ સ્ટેશનનું વીજ કનેક્શન એ વખતે જ કાપી નંખાયું જ્યારે પોલીસકર્મીઓએ જૂનિયર એન્જિનિયરને મેમો આપ્યો.

પોલીસ સ્ટેશનમાં વીજળી ગુલ

માહિતી પ્રમાણે, જૂનિયર એન્જિનિયર સોમ પ્રકાશ ગર્ગ પોતાની બાઈક લઈને જતા હતા એ વખતે ટ્રાફિક પોલીસે તેમને રોક્યા. પોલીસે સોમ પ્રકાશ પાસે જરૂરી કાગળિયા માગ્યા. તેમણે બધા કાગળિયા બતાવ્યા પરંતુ તેમની પાસે PUC નહોતું. જેથી ટ્રાફિક પોલીસે મેમો ફટકાર્યો. સોમ પ્રકાશ ગર્ગે પોતાને વીજળી વિભાગના અધિકારી ગણાવીને મેમો ન આપવાનું કહ્યું પરંતુ પોલીસ ટસની મસ ના થઈ. ટ્રાફિક પોલીસે મેમો ફાડીને તેના હાથમાં પકડાવી દીધો.

મેમો મળતાં જૂનિયર એન્જિનિયર સોમ પ્રકાશ ગગર્ગ નારાજ થયા. તેઓ પોતાની ઓફિસે ગયા અને પોલીસ સ્ટેશનનું વીજ કનેક્શન કાપી નાખ્યું. સાથે જ તેજગઢ ચોકીનો પણ વીજ પુરવઠો બંધ કર્યો. લગભગ 4 કલાક સુધી લાઈટ ના આવતા પોલીસકર્મી પરેશાન થઈ ગયા. પોલીસ સ્ટેશનમાં રહેલું ઈન્વર્ટર પણ બંધ થઈ ગયું. લાંબા સમય સુધી વીજળી ના આવી તો ઉચ્ચ અધિકારીઓએ મામલો હાથમાં લીધો. અને ફરીથી પોલીસ સ્ટેશનનો વીજ પ્રવાહ શરૂ કરાવ્યો. પરંતુ તેજગઢી ચોકીની વીજળી તો ના જ આવી.

પોલીસ અને વીજળી વિભાગ વચ્ચે જંગ છેડાઈ ગઈ. ત્યાં વીજળી વિભાગના અધિકારીઓએ સોમ પ્રકાશ ગર્ગનું સમર્થન કરતાં કહ્યું કે, પોલીસ સ્ટેશનનું 1,67,000 રૂપિયાનું બીલ ભરવાનું બાકી છે. પરિણામે વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. આ અંગે વીજળી વિભાગના એક્ઝીક્યુટિવ એન્જિનિયર સોનુ રસ્તોગીએ કહ્યું કે, બદલો લેવાના આશયથી વીજ કનેક્શન નથી કાપ્યું. આ માત્ર સંયોગ છે. વીજળી વિભાગ આજકાલ લાઈટ બીલ ના ભરનારા લોકો સામે અભિયાન ચલાવી રહ્યો છે. જેમાં બીલ ન ભરનારા સરકારી અને બિન સરકારી તમામ લોકોના વીજ કનેક્શન કપાઈ રહ્યા છે.

તો પોલીસ સ્ટેશનમાં તૈનાત એક પોલીસકર્મીએ કહ્યું કે, થોડા દિવસ પહેલા વીજળી વિભાગના અધિકારીને મેમો આપવામાં આવ્યો હતો. આ કારણે તે નારાજ હતો. અને આ જ કારણે તેમણે પોલીસ સ્ટેશનની વીજળી કાપી નાખી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો