દિવસે નો એન્ટ્રી હોવા છતાં બેફામ દોડતા ડમ્પરે વૃદ્ધને કચડી નાખતા મોત નીપજ્યું, પુત્રીએ મહિના પૂર્વે માતાનું અને હવે પિતાનું છત્ર ગુમાવ્યું
વડોદરા શહેરના તરસાલીના સુશેન સર્કલ પર ડમ્પરે સ્કૂટીસવાર વૃદ્વને કચડી નાખતા મોત થયું હતું. દિવસે પ્રતિબંધ છતાં બેફામ ડમ્પરોથી જીવલેણ અકસ્માત થતાં રોષે ભરાયેલા ટોળાએ રોડ પર ચક્કાજામ કરી પથ્થરમારો કર્યો હતો. જેમાં ડમ્પરના કાચ તૂટી ગયા હતા. ટોળાએ સુશેન ચોકીમાં પણ તોડફોડ કરી ડમ્પર ચાલકને માર માર્યો હતો.
પોલીસે ધરપકડ કરી
મંગળવારે સવારે 10.30 વાગ્યાના સુમારે સુસેન સર્કલ પર સ્કૂટી લઇને જતાં 65 વર્ષીય વૃદ્ધ બંસીભાઇ સુરતી (રહે. શિવશક્તિ, સોસાયટી, મકરપુરા) નું ડમ્પરની ટક્કરે મોત નિપજ્યું હતુ. અકસ્માતમાં ડમ્પરના પૈડા તળે તેમનું માથું કચડાઇ જતાં ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. અકસ્માતના પગલે રોષે ભરાયેલા લોકોએ ટ્રક પર પથ્થરમારો કરી ચક્કાજામ સર્જતા વાહનો અટવાઇ ગયા હતા. પોલીસે જાહેરનામાનો ભંગ કરીને ટ્રક હંકારીને વૃદ્ધનું મોત નિપજાવનારા ટ્રક ચાલક પ્રમોદ રાજેન્દ્રસિંહની ધરપકડ કરી છે. બંસીભાઇના મોતને પગલે રોષે ભરાયેલા લોકોએ સુશેન ચાર રસ્તા નજીકની પોલીસચોકીને પણ પથ્થરમારામાં નિશાન બનાવી હતી. ટોળાએ અકસ્માત કરનાર ટ્રક ચાલકને પોલીસ ચોકીમાંથી ખેંચીને માર માર્યો હતો. પોલીસે પથ્થરમારા સહિતની ઘટનાઓના સંદર્ભે સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
જાહેરનામાનો ભંગ કરતા વાહનો ટ્રાફિક પોલીસને દેખાતા નથી
અકસ્માતના પગલે એકત્ર થયેલા લોકોમાં દિવસે ભારદારી વાહનોને શહેરમાં પ્રવેશ બંધી છતાં આડેધડ દોડતા વાહનો સામે અને ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતા સામે રોષ ભભૂકી ઊઠ્યો હતો. આખા વિસ્તારના રસ્તાઓ પર દંડ ઊઘરાવ્યા સિવાય જાહેરનામાનો ભંગ કરીને દોડતા ભારે વાહનો માટે પોલીસ મૂક પ્રેક્ષક બની જાય છે.
પુત્રીએ મહિના પૂર્વે માતાનું અને હવે પિતાનું છત્ર ગુમાવ્યું
મકરપુરા શિવશક્તિ નગરમાં રહેતા બંસીભાઇ બળવંતરાય સુરતી (ઉવ.65)એ પુત્રી માધવીનું લગ્ન બે દિવસ અગાઉ રવિવારે જ નવસારી સમૂહલગ્નમાં પ્રતીક સાથે કરાવ્યું હતું. દીકરીને વળાવ્યા બાદ ઘરે એકલા હોઇ અને મંગળવારે અગિયારસ હોવાથી તેમના ભાઇ કનૈયાભાઇ સુરતના માંજલપુર સ્થિત ઘરે જમવા જતા હતા ત્યારે જ સર્કલ અને ટ્રકની વચ્ચેના ભાગમાં આવી જતાં કાળમુખી ટ્રકનો ભોગ બન્યાં હતા. તેમની પત્ની પ્રવિણાબહેનનું એ મહિના પૂર્વે બિમારીથી મોત થયું હતું. બુધવારે બંસીભાઇનું મોત થતાં દીકરીએ માતા બાદ પિતાનું છત્ર પણ ગુમાવ્યું હતું.
હજુ કેટલા મોતની તંત્ર રાહ જુએ છે?
શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેરનામાનો ભંગ કરીને ડમ્પરો બેફામ દોડી રહ્યાં છે. બીજી તરફ શહેરમાં આ વર્ષે 29 જાન્યુઆરીએ મકરપુરા જીઆઇડીસીમાં એક ડમ્પરે કેસરાજ નામના યુવાનને કચડી નાંખ્યો હતો. આ ઉપરાંત ગત વર્ષે 20મી જૂને માંજલપુરાના અમરનાથ પુરમ ખાતે એક્ટિવા ચાલક યુવતી પર ડમ્પરના પૈડા ફરી વળતાં મોત નિપજ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

