દરેક ગરીબ દર્દીને મફત દવા અને સેવા આપી તેમની સારવાર કરે છે ડો. ચિત્તરંજન

ઓરિસ્સાના ઘણા જિલ્લાઓમાં આદિવાસીઓની મોટી વસ્તી સ્થાયી થયેલી છે. તેને કાલાહાંડી બાલાંગીપ કોરાપુટ પ્રદેશ (કેબીકે રીજન) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં આદિવાસીઓની પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે તેમની અને મોત વચ્ચે કાયમ હાથવેંતનું જ અંતર હોય છે. આ વિસ્તારને દેશના સૌથી વધુ પછાત વિસ્તારોમાંનો એક વિસ્તાર માનવામાં આવે છે. અહીં પ્રસૂતિ દરમિયાન સ્ત્રીઓનો મૃત્યુ દર અને શિશુ મૃત્યુ દર પણ ઘણો ઊંચો છે. આ પરિસ્થિતિમાં એક સરકારી ડોક્ટર તેમના માટે ભગવાન બનીને આવ્યા છે. આ ડોક્ટરનું નામ છે ડો. ચિત્તરંજન જેના.

ડો. ચિત્તરંજન જેના અને તેમની ટીમ દર અઠવાડિયે આ જિલ્લાઓની મુલાકાતે આવે છે અને આદિવાસી લોકોની સારવારની તમામ જવાબદારી ઉપાડે છે. અહીંના લોકોની પરિસ્થિતિ એવી છે કે તેઓ બે ટંક ખાવાનું પણ બહુ મુશ્કેલીથી મેળવી શકે છે. આવી હાલતમાં જો કોઈ વ્યક્તિ રોગનું શિકાર બને તો તે સારવારના અભાવે મૃત્યુ પામે છે. ડો. ચિત્તરંજનની ટીમ આ જિલ્લાના દરેક ગામમાં દર અઠવાડિયે મુલાકાત લે છે અને દરેક ગરીબ દર્દીને મફતમાં દવા અને સેવા આપી તેમની સારવાર કરી નવજીવન આપે છે.

ઓરિસ્સાના આદિવાસીઓને ગંભીર બીમારીઓથી બચાવી નવજીવન આપી રહ્યા છે ડો. ચિત્તરંજન જેના

તાજેતરમાં ડો. ચિત્તરંજન ઓરિસ્સાના દશમંતપુર જિલ્લામાં કાર્યરત હતા. ત્યારે તેમણે વાત કરતાં જણાવ્યું, ‘2007માં અહીં કોલેરા ફેલાઈ ગયો હતો. જેનાથી લગભગ 350 લોકો મૃત્યુ પામ્યા હતા અને હજારો લોકોના જીવન પર તેની અસર પડી હતી. સમાચારમાં આ ખરાબ ઘટના વાંચીને મેં તબીબી અભ્યાસ કરવાનો નિર્ણય કરી લીધો. કોલેજમાં મેડિકલ અભ્યાસ કરતી વખતે પણ મારો ધ્યેય એ જ હતો કે હું ભણીને આ આદિવાસી લોકોની સેવા કરું. 2016માં મને મારું પહેલું પોસ્ટિંગ કોરાપુટમાં મળ્યું. ત્યારે જઇને હું નજીકથી આ વિસ્તારની સમસ્યાઓ સમજવા લાગ્યો.’ ગામની ખરાબ પરિસ્થિતિ જોઇને ડો. ચિત્તરંજને નક્કી કર્યું કે તે કોઈ ગરીબને સારવારના અભાવે અને ગરીબીના કારણે મોતના મુખમાં નહીં જવા દે. આ માટે તેમણે એક કમિટી રચી, જેનું નામ રાખ્યું, ‘ગોન્કુ ચલા સમિતિ.’ જેનો અર્થ થાય છે કે, ‘ચાલો, ગામ તરફ જઈએ.’

ડો. ચિત્તરંજનની ટીમમાં ઘણાં મેડિકલ પ્રોફેશનલ છે, જે એક ટીમ તરીકે સાથે મળીને ગ્રામજનોની સારવાર કરે છે. સારવાર કરવાની સાથે તે ગામવાસીઓને સ્વચ્છતા માટે પણ પ્રોત્સાહન આપે છે અને લોકોને સફાઈનું મહત્ત્વ સમજાવે છે. તેનાથી રોગના ફેલાવામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ડોક્ટરની આ ટીમ દરેક ઘરમાં મચ્છર જાળીનું વિતરણ કરે છે, જેનાથી મેલેરિયા અને ડેન્ગ્યુનું જોખમ પણ ઘટ્યું છે.

આ વિસ્તારમાં બાળલગ્ન અને દારૂ પીવાની ઘણી સામાજિક સમસ્યાઓ વિસ્તરેલી છે, જેના કારણે અહીં લોકોનું જીવનધોરણ સ્તર બહુ નીચું જઈ રહ્યું છે. ડો. ચિત્તરંજન અને તેમની ટીમ લોકોને આ મુદ્દાઓ વિશે જાગૃત કરવા માટે પણ કાર્ય કરે છે. આ અભિયાનની એટલી અસર થઈ છે કે હવે આસપાસમાં રહેતાં ડોક્ટરો પણ લોકોમાં આ ઝુંબેશ ચલાવે છે. આટલું જ નહીં, ઓરિસ્સા સરકાર પણ આ ડોક્ટરની ટીમનું આ પ્રેરણાત્મક કાર્ય જોઇને ગામના વિકાસ માટે કેટલીક યોજનાઓ બનાવવા પર કામ કરી રહી છે. ડો. ચિત્તરંજન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામને પોતાના આદર્શ માને છે અને કહે છે કે, ‘જો લોકો સુધી તબીબી સુવિધાઓ નથી પહોંચી રહી તો આ સુવિધાઓને તેમના સુધી લઈ જવાની જરૂર છે અને તે કામ દરેક ડોક્ટરનું છે.’

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો