પાળેલા કૂતરાએ જીવ આપીને બચાવી 30 લોકોની જિંદગી,

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના અતર્રા વિસ્તારમાં એક પાળેલા કૂતરાએ 30 લોકોની જિંદગી બચાવી. અહીં 11 એપ્રિલ ગુરૂવારે રાત્રે એક ફર્નિચરની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. રાતનો સમય હોવાથી ચાર માળની બિલ્ડિંગમાં બધા ઘસઘસાટ ઊંઘમાં હતા. આગ લાગતાં જ કૂતરાએ ભસવાનું શરૂ કરી દીધું. કૂતરાના ભસવાથી બધા જ એલર્ટ થઇ ગયા અને બહાર આવી ગયા.જો કે કૂતરો સાંકળથી બાંધેલો હોવાથી સિલિન્ડર બ્લાસ્ટમાં તેનું મોત થઇ ગયું.

કૂતરાનો માન્યો આભાર

આગ એટલી ભીષણ હતી કે, ફાયર ટીમે ખૂબ જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. આ ભયંકર દુર્ઘટનામાં બચેલા લોકો કૂતરાનો દિલથી આભાર માની રહ્યાં છે. આ કૂતરાએ સમયસર એલર્ટ કરીને અંદાજે 30થી વધુ લોકોની જિંદગી બચાવી. પોલીસે જણાવ્યું કે, ‘બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં ફર્નિચરની દુકાન છે. ચોથા માળે દુકાનનો માલિક પરિવાર સાથે રહે છે’ ફર્નિચરના શો રૂમના માલિક રાકેશ ચૌરસિયાએ જણાવ્યું કે, ‘આગ લાગ્યાં બાદ મારા પાળેલા કૂતરાએ ભસવાનું શરૂ કરી દીધું. તેના સતત ભસવાના કારણે બધા જાગી ગયા અને બહાર આવી ગયા. જો કે કૂતરો સાંકળથી બાંધેલો હોવાથી તે આગની ઝપેટમાં આવી ગયો અને તેનું મોત થઇ ગયું. આગના કારણે સિલિન્ડર બ્લાસ્ટ પણ થયો હતો, જેના કારણે પાડોશના ચાર પાકા મકાન પણ ધરાશાયી થઈ ગયા’

પાળેલા કૂતરાએ જીવ આપીને બચાવી 30 લોકોની જિંદગી, ભીષણ આગમાં ઘસઘસાટ ઊંઘતા લોકોને કર્યા એલર્ટ

પ્રત્યક્ષદર્શી: ‘થોડા સમયનો પણ વિલંબ થયો હોત તો બચવું મુશ્કેલ હતું’

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, ‘દુકાનમાંથી ધૂમાડો નીકળતાં જ કૂતરો જોર-જોરથી ભસવા લાગ્યો હતો. તેના કારણે બધા જ લોકો સતર્ક થઇ ગયા. આગના કારણે આજુબાજુની ચાર બિલ્ડિંગ પણ ધરાશાયી થઈ ગઇ હતી. જો બહાર નીકળવામાં થોડા મિનિટનો પણ વિલંબ થયો હતો તો મોટી સંખ્યા જાનહાનિ થઇ જાત’

આગમાં 7 કરોડનું થયું નુકસાન

ફર્નિચર શો રૂમના માલિકે જણાવ્યું કે, ‘ભીષણ આગના કારણે સાત કરોડનો માલ બળીને ખાક થઇ ગયો. ઘટનાની જાણ થતાં ફાયર ટીમ સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડ અધિકારી વિનય કુમાર સિંહે જણાવ્યું કે, ‘રાકેશ કુમારે રહેવાસી વિસ્તારમાં કોઇ પણ પ્રકારની મંજૂરી વિના ફર્નિચરનો શો રૂમ શરૂ કર્યો હતો. દુકાનમાં આગ બુઝાવવા માટેના કોઈ ઉપકરણ પણ ન હતા. આ તમામ કારણોને કારણે વેપાર રાકેશ સામે પગલા લેવામાં આવશે’

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો