ગાંધીનગરમાં એક કૂતરાએ પ્રાણના ભોગે માલિકનો જીવ બચાવી ઋણ અદા કર્યુ, માલિકને કરડવા આવતા સાપના કરી નાખ્યા બે કટકા

ખેતરમાં ખાટલા ઉપર બેસીને ભોજન કરતા માલિકને કરડવા આવેલા સાપના બે કટકા કરી નાખી પાલતુ શ્વાન માઇકલે માલિકનો જીવ બચાવ્યો હતો. જોકે સાપે માઇકલ (કુતરા)ને ડંખ મારી દેતા કુતરાનું મોત નિપજ્યું હતું. કુતરાએ જીવ આપીને માલિકનું ઋણ અદા કરી વફાદારી બતાવ્યાનો કિસ્સો સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

ચંદ્રાલા ગામમાં ખેતીકામ કરતા અનિશ અશોકભાઇ પટેલ બપોરના સુમારે નિત્યક્રમ મુજબ તેમના અઢારીયા ફાર્મ હાઉસના ખેતરમાં ખાટલા ઉપર ભોજન લઇ રહ્યા હતા. ત્યારે ફોન આવતા તેઓનું ધ્યાન વાતમાં જ હતું. તે દરમિયાન પાછળ સાતેક ફુટ લાંબો ઝેરી સાપ ખાટલા ઉપર ચડી ગયો હતો. સાપ ઉપર કુતરા(માઇકલ)ની નજર પડતા તેણે સાપ ઉપર હુમલો કરી દીધો હતો. કુતરાએ ખાટલા ઉપર હુમલો કરતા અનિશભાઇ ચોંકી ઉઠ્યા હતા. થોડી મિનીટ ચાલેલા સાપ અને કુતરા વચ્ચેના જંગમાં માઇકલે સાપના બે કટકા કરી નાંખ્યા હતા.

ચંદ્રાલા ગામના ફાર્મ હાઉસ પર બનેલી ઘટના.. કૂતરાએ પ્રાણના ભોગે માલિકનો જીવ બચાવી ઋણ અદા કર્યુ

માઇકલની શાસ્ત્રોક્ત રીતે અંતિમવિધિ કરી

ઝેરી સાપે મારેલા ડંખથી માઇકલનું મોત નીપજ્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ સાથે ખેતરમાં જ તેની અંતિમવિધિ કરાઇ હતી, જ્યારે મૃત સાપને ઘી નાંખીને સળગાવી દીધો હતો.

શ્વાનના માલિક સેક્ટર-8ના રહેવાસી

અનિશ પટેલ હાલ તેમની માતા સાથે ગાંધીનગર શહેરમાં પ્લોટનં.804/1, સેક્ટર-8માં રહે છે.

માઈકલ 7 વર્ષથી પટેલ પરિવારની સાથે રહેતો હતો

પાલતુ શ્વાન માઇકલના માતા-પિતા રાજા-રાણી પણ ફાર્મ હાઉસમાં જ રહેતા હતા. માઇકલનો ઉછેર જ ફાર્મ હાઉસમાં થયો હતો. અને તે છેલ્લા 7 વર્ષથી પટેલ પરિવાર સાથે રહેતો હતો.

આ પણ વાંચજો..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો