અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ શ્વાસનળીમાં ફસાયેલો લીસ્સો આરસનો પથ્થર કોઈપણ પ્રકારની સર્જરી વગર કાઢીને ચાર વર્ષની બાળકીનો જીવ બચાવ્યો

ચાર વર્ષની બાળકીની શ્વાસનળીમાં ફસાયેલો લીસ્સો આરસનો પથ્થર કોઈપણ પ્રકારની ચીરફાડ વગર ફોગાથિય કેથેટર બલૂનનો ઉપયોગ કરી સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગના તબીબોએ બહાર કાઢવામાં સફળતાં પ્રાપ્ત કરી છે. શ્વાસનળીમાં ફસાયેલો આરસનો પથ્થર લિસ્સો અને ચીકણો થયો હોવાથી ચીપિયાથી પકડાતો ન હતો. ત્યારે એનેસ્થેટિક તબીબની કોઠાસૂઝના કારણે ઓપરેશન વગર પથ્થર બહાર કાઢીને ચાર વર્ષની બાળકીને નવજીવન બક્ષ્યું હતું.

મૂળ ઉત્તર પ્રદેશના વતની લાલુ રાજપૂત પરિવાર સાથે હાલોલ ખાતે રહીને મજૂરી કામ કરે છે. ગઈ તા. 29મી નવેમ્બરના રોજ તેની ચાર વર્ષની દીકરી મોહીની પથ્થરનો ટુકડો ગળી ગઈ હતી. શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેને વડોદરાની સયાજીરાવ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં બે વખત દૂરબીન નાંખી પથ્થર કાઢવાનો પ્રયાસ નિષ્ફળ જતાં તેને સારવાર માટે અમદાવાદ મોકલ્યા હતા. સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગના વડા ડૉ. કલ્પેશ પટેલ, ડૉ. દેવાંગ ગુપ્તા, ડૉ. વિરલ પ્રજાપતિએ દૂરબીન નાંખી ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. તેમની સાથે હાજર એનેસ્થેટિક ડૉ. સ્મિતા એન્જિનિયરે પોતાના અનુભવ અને કોઠા સૂઝથી કાર્ડિયાક સર્જરીમાં ફોગાથિય કેથેટર બલૂનનો ઉપયોગ થાય છે તે મુજબ પથ્થર કાઢવાનો પ્રયાસ કરવા સૂચન કર્યું હતું. ત્યારબાદ તબીબોએ બલૂનને પથ્થરની પાછળ ફેફસાંમાં અને શ્વાસનળીમાં નાંખી ખેંચવાની શરૂઆત કરી હતી. ત્યારે ગળાંના ભાગેથી પથ્થર ઉપર આવતાં તબીબોએ તેને સરળતાથી કાઢી લીધો હતો.

આ અંગે ઇએનટી વિભાગના વડા ડૉ. કલ્પેશ પટેલે જણાવ્યું કે, પથ્થર વધુ સમય અંદર રહે તો શ્વાસ લેવામાં તકલીફ ઊભી થાય અને બાળકના જીવનું જોખમ પણ હતું. જ્યાંથી શ્વાસ લેવાનો છે ત્યાં જ પથ્થર ફસાયો હતો અને ત્યાં જ એનેસ્થેસિયા પણ આપવાનું હોવાથી મુશ્કેલી ભર્યું હતું. બિયો, ઠળિયો ગળી જવાની અન્ય સર્જરી થઈ છે. પરંતુ આ પ્રકારની સર્જરી પ્રથમ હતી. જ્યારે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. જી.એચ. રાઠોડે કહ્યું હતું કે, પરિવાર પાસે પૈસાની કોઈ વ્યવસ્થા ન હતી. પરંતુ અહીંયાં નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો