માતા-પિતા કોરોના પોઝિટિવ થયાં તો છ મહિનાના દીકરાને ડૉક્ટરે એક મહિના સુધી સાચવ્યો, બાળકને તેની માતાને પરત સોંપતા સર્જાયાં ઈમોશનલ દૃશ્યો
બુધવારે 15 જુલાઈના રોજ કોચી ખાતે ભારે ઈમોશનલ દૃશ્યો સર્જાયાં હતાં. ડૉ. મેરી અનિતાએ છ મહિનાના એલ્વિન નામના બાળકને તેની માતાને સોંપ્યું અને ખુદ ચોધાર આંસુએ રડી પડ્યાં. એ જોઈને ત્યાં ઊભેલા લોકોને પણ ગળે ડૂમો ભરાઈ આવ્યો હતો. કોઈ ફિલ્મનું દૃશ્ય લાગે તેવી આ ઘટના પાછળ આપણી આંખો હરખથી છલકાઈ ઊઠે તેવી માનવતાની મિસાલ જેવી સ્ટોરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
દરઅસલ, મૂળ કેરળના એર્નાકુલમનું દંપતી ગુડગાંવની એક હોસ્પિટલમાં નર્સનું કામ કરે છે. તેમને છ મહિનાનો ભારે મીઠડો દીકરો છે, એલ્વિન. જૂનની શરૂઆતમાં એલ્વિનના પિતાને કોરોનાનો ચેપ લાગ્યો. એટલે સલામતી ખાતર એલ્વિનની માતા દીકરાને લઈને કેરળ આવતી રહી.
પરંતુ કેરળ આવતાંવેંત નાનકડા એલ્વિનની મમ્મીનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો. સદનસીબે ‘ઉન્ની’નું હુલામણું નામ ધરાવતા એલ્વિનને કોરોનાનો ચેપ લાગ્યો નહોતો. પરંતુ હવે તેને માતા સાથે રાખી શકાય તેમ નહોતો, અન્યથા એને પણ ગમે ત્યારે ચેપ લાગી શકે તેમ હતો. આથી કોચીની ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ વેલફેર કમિટીએ આ બાળકની મમ્મી કોરોનામાંથી રિકવર થાય ત્યાં સુધી બાળકને સાચવે તેવા લોકોની શોધ ચલાવી. કમનસીબે કોરોનાનો ચેપ લાગવાના ભયે અજાણ્યા તો ઠીક, એલ્વિનનાં સગાંમાંથી પણ કોઈ આગળ ન આવ્યું.
આ જ ક્રમમાં ચાઈલ્ડ વેલફેર કમિટીએ ડૉ. મૅરી અનિતાનો સંપર્ક સાધ્યો. ડૉ. મૅરી પોતે ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ છે અને કોચી ખાતે દિવ્યાંગ બાળકો માટેની એક સંસ્થા પણ ચલાવે છે. 15 જૂનના રોજ જ્યારે આ મુદ્દે ડૉ. મૅરીનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે એમણે પળભરનો પણ વિચાર કર્યા વિના કહી દીધું કે, ‘એલ્વિનની મમ્મી સાજી થાય ત્યાં સુધી એને હું સાચવીશ.’
રસપ્રદ વાત એ છે કે ડૉ. મૅરીનાં પોતાનાં ટીનએજમાં પ્રવેશેલાં ત્રણ બાળકો છે. એમની સાથે મૅરીએ ચર્ચા કરેલી અને સૌ આ મુદ્દે એકદમ તૈયાર હતાં. પરંતુ સાવચેતી ખાતર શરૂઆતમાં મૅરીએ પોતાના જ એપાર્ટમેન્ટમાં એક ખાલી ફ્લેટમાં નાનકડા એલ્વિન સાથે રહેવાનું શરૂ કર્યું. મૅરીનાં બાળકો દરરોજ જમવાનું એ ફ્લેટની બહાર મૂકી જતાં.
યાને કે સ્થિતિ એ થઈ કે એલ્વિનના પપ્પા ગુડગાંવમાં, મમ્મી કોચીની એક મેડિકલ ફેસિલિટીમાં અને નાનકડો એલ્વિન એના માટે તદ્દન અજાણી એવી ડૉ. મૅરી સાથે હતો. અલબત્ત, દરરોજ એની મમ્મી-પપ્પા સાથે વીડિયો કૉલથી વાત થતી રહેતી.
આટલા નાના ધાવણા બાળક માટે માતાથી દૂર રહેવાનું કેવું કપરું હશે તે સમજી શકાય તેમ છે. મૅરીના કહેવા પ્રમાણે શરૂઆતમાં એલ્વિન આખો વખત રડતો રહેતો. પરંતુ ધીમે ધીમે તેનો ડૉ. મૅરી સાથે મનમેળ થઈ ગયો. પછી તો ડૉ. મૅરી પોતાનાં ઘરમાં નાનકડા એલ્વિન સાથે શિફ્ટ થઈ ગયાં અને એલ્વિન સૌનો લાડકો બની ગયો.
15 જુલાઈએ જ્યારે એલ્વિનની મમ્મી અને એલ્વિનનું એક મહિનાના લાંબા સમયગાળા બાદ મિલન થયું ત્યારે લિટરલી ઈમોશનલ દૃશ્યો સર્જાયાં હતાં. ડૉ. અનિતા પણ પોતાનાં આંસુ રોકી શક્યાં નહોતાં અને એલ્વિનને તેની માતાને સોંપતી વખતે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં હતાં.
એલ્વિનની માતા હરખનાં આંસુ સાથે સ્વીકારે છે કે તેઓ ડૉ. અનિતાની આ નિઃસ્વાર્થ સેવા બદલ આજીવન ઋણી રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

