દિવ્યાંગ શિક્ષિકાની આત્મિયતા તો જુઓ, નિવૃત્તિ પછી પણ બજાણાની શાળામાં નિ:શુલ્ક ભણાવે છે. તથા બાળકોને 32000 ના સ્વેટર દાનમાં આપ્યાં

બાળકો સામાન્ય રીતે રમકડાંની જીદ કરતાં જોયાં છે, પરંતુ પાટડી તાલુકાના બજાણાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ નિવૃત્ત થઈ ચૂકેલાં શિક્ષિકા પાસે જ ભણવાની હઠ પકડી હતી. શાળાના આચાર્યે બાળકોની લાગણી શિક્ષિકા સુધી પહોંચાડી અને શિક્ષિકા પણ જાણે રાહ જોઈને જ બેઠાં હોય, તેમ કોઈ પણ વેતન ન લેવાની શરતે તૈયાર થઈ ગયાં! 59 વર્ષીય નિવૃત્ત શિક્ષિકા નયનાબહેન રાવલ 3 મહિનાથી બાળકોને ભણાવી રહ્યાં છે. નયનાબહેન પોલિયોને કારણે બંને પગે 100 ટકા દિવ્યાંગ છે.

3 મહિનાથી રોજ બાળકોને ભણાવે છે

આ બીમારીએ તેમને શારીરિક રીતે વિકલાંગ બનાવ્યાં પણ મનોબળ તોડી ન શક્યું. નાનપણમાં જ પહેલાં એક પગે, પછી બીજા પગે પોલિયોથી દિવ્યાંગ બનેલાં નયનાબહેન કહે છે, ‘દૃઢમનોબળથી મેં વઢવાણ વિકાસ વિદ્યાલયમાં પીટીસી સુધીનું શિક્ષણ પૂરું કર્યા બાદ મારી માતા શિક્ષિકા હતી ત્યાં જ બજાણા પે સેન્ટરમાં શિક્ષિકાની નોકરી મળી. આ સ્કૂલમાંથી ગયા વર્ષે મેં નિવૃત્તિ લીધી હતી. એક દિવસ શાળાના આચાર્ય મોહનભાઈનો ફોન આવ્યો કે બાળકો આપને ખૂબ યાદ કરે છે અને આપની પાસે ફરીથી ભણવાની જીદ કરે છે. હું બાળકોને નિ:શુલ્ક ભણાવવાની શરતે તૈયાર થઈ અને 3 મહિનાથી રોજ બાળકોને ભણાવું છું.’

બાળકોના ચહેરા પર રોનક પાછી આવી ગઈ

નિવૃત્તિ બાદ પણ બાળકો એમને યાદ કરે છે અને તેઓ ફરી ભણાવવા આવતાં ભૂલકાંના ચહેરા પણ રોનક પાછી આવી ગઈ છે. નયનાબહેને નિવૃત્તિ બાદ ભૂલકાંને ઠંડું પાણી મળે એ માટે રૂ.30000નું વૉટર કૂલર અને ધોરણ 1થી 5નાં તમામ 219 બાળકોને સ્વેટર દાનમાં આપ્યાં છે. – મોહનભાઈ પરમાર, આચાર્ય, પે સેન્ટર શાળા, બજાણા

નયનાબહેન પાસે ભણવાની બીજા ક્લાસના બાળકો પણ જીદ કરે છે

નયનાબહેન પાસે જ ભણવાની અમે મમ્મી-પપ્પા પાસે જીદ કરી હતી. આથી એમણે આચાર્યને વાત કરી અને એમની વાત માનીને નયનાબહેન ફરીને અમને ભણાવવા સ્કૂલે આવવા લ‍ાગ્યાં છે. નયનાબહેન અમારા ક્લાસને ભણાવે છે તો બીજા ક્લાસનાં બાળકો પણ એમની પાસે ભણવાની જીદ કરે છે. નયનાબહેન સ્કૂલમાં આવે કે તરત બધા છોકરા એમને વળગી પડે છે. – સુફિયાન ખોખર, જસવંત પરમાર, મેહુલ ભરવાડ, વિદ્યાર્થીઓ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો