ડિંડોલીના અત્યંત ચકચારી એવા સાડા ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસમાં આરોપીને જીવે ત્યાં સુધી જેલમાં રહેવાની સજા

ડિંડોલીના અત્યંત ચકચારી એવા 5 વર્ષની બાળકી પર બળાત્કાર, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અને હત્યાના પ્રયાસના ગુનામાં આજે ગુરુવારે અત્રેની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર. કે. દેસાઈની કોર્ટે આરોપી રોશન ભૂમિહાર (ઉં. વ. 19)ને છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફટકારી હતી. ઉપરાંત પીડિત બાળકીને વધારાના વળતર માટે સત્તામંડળને ભલામણ પણ કરી હતી. સતત નવ મહિના સુધી ચાલેલી ટ્રાયલમાં આરોપી સામે તેના જ ચાર વર્ષીય ભાણેજની પોલીસ સમક્ષની જુબાની, પીડિતાની જુબાની અને મેડિકલ એવિડન્સ સજા માટે મહત્ત્વના પુરવાર થયા હતા. ટ્રાયલ દરમિયાન 26 સાક્ષીઓની જુબાની લેવાઈ હતી અને 35 જેટલા પુરાવા રજૂ કરાયા હતા. કોર્ટે પોતાના ચુકાદામાં ટાંક્યું હતું કે, રેરેસ્ટ ઓફ રેર કેસ ન હોઈ ફાંસીની સજા આપી શકાય નહીં. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલ કરી હતી કે, આરોપીએ જઘન્ય કૃત્ય કર્યું હોવાથી તેને કેપિટલ પનીશમેન્ટ જ થવી જોઈએ. સમગ્ર કેસની વિગત મુજબ ડિંડોલી ખાતે રહેતો મૂળ બિહારનો આરોપી એવો રોશન ઉર્ફે સુકર કાંતાસિંગ ભૂમિહાર(ઉં. વ. -19) તેમના જ ચાર વર્ષીય ભાણેજ સાથે ઘરના આંગણે રમી રહેલી પાંચ વર્ષની દીકરીને ચોકલેટ અપાવવાના બહાને ઘરની થોડે દૂર રેલવે ફાટક પાસેના પાલિકાના ખુલ્લા મેદાનમાં લઈ ગયો હતો. જ્યાં વણવપરાયેલા પાઇપનો જથ્થો પડ્યો હતો. આરોપી બાળકીને સાતમા નંબરના પાઇપમાં લઈ ગયો હતો અને બાળકી પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. રેપની ઘટના એટલી ક્રૂર હતી કે બાળકીના બંને આંતરિક અવયવ એક થઈ ગયાં હતાં. બાળકી અધમરી હાલમાં પહોંચી ગઈ હતી. આ સમયે બાળકીએ પાણી માંગ્યું તો આરોપીએ માસૂમને તમાચો મારી તેનું ગળું દબાવી દીધું હતું. બાળકી મરી ગઈ હોવાનું માની તે ત્યાંથી ભાગી ગયો હતો.

હેવાનના ચહેરા પર આજે સજા સાંભળ્યા બાદ પણ અફસોસ ન હતો

આરોપી રોશન ભૂમિહારને બપોરથી જ પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. ત્રણ વાગ્યાના સમયે તેને કોર્ટે તકસીરવાર ઠેરવ્યો હતો. ત્યાર બાદ સાંજે આરોપીને કોર્ટે છેલ્લા શ્વાસ સુધી એટલે કે કુદરતી મોત આવે ત્યાં સુધી જેલમાં રાખવાની સજા ફટકારી હતી. જે અંગે વકીલ દ્વારા આરોપીને સજા બાબતે જણાવવામાં આવ્યું હતું જે સાંભળ્યા બાદ પણ આરોપીનું કોઈજ રિએક્શન ન હતું. જાણે કોઈ પસ્તાવો જ ન હોય.

સજા માટેના પરિબળો : મેડિકલ એવિડન્સ, પંચનો પુરાવો, વીડિયોગ્રાફી, ભોગ બનનારની જુબાની, 164નું નિવેદન, દરમિયાન આ કેસમાં તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલા ચાઇલ્ટ ફ્રેન્ડલી કોર્ટનું પણ મોટું યોગદાન છે. જ્યાં બાળકીએ હિમ્મતપૂર્વકની જુબાની આપી હતી.

દોઢ વર્ષમાં 34 સજા : સુરત કોર્ટમાં 1લી એપ્રિલ 2018થી 21મી નવેમ્બર, 2019 સુધી પોક્સો એક્ટ સહિતના બળાત્કારના કેસમાં કુલ 34 સજા કરવામાં આવી છે. નોંધનીય છે કે, હાલ 500થી વધુ કેસ ટ્રાયલ હેઠળના છે.

બાળકી : જૂઠું બોલે તો પાપ લગતા હૈં, ભગવાન મારતા હૈં

બાળકીએ પોતાની જુબાની દરમિયાન આખી ઘટના વર્ણવી હતી. તેને જ્યારે પૂછવામાં આવ્યું કે, તમે મંદિર જાઓ છો? તો બાળકીએ ‘હા’ કહ્યું અને જ્યારે પૂછવામાં આવ્યું કે જૂઠું બોલે તો શું થાય? તો બાળકીએ કહ્યું હતું કે, ‘જૂઠું ન બોલવું જોઈએ. ભગવાન મારતા હૈં.’ તેણે ફોટો મારફત આરોપીને ઓળખી બતાવ્યો હતો. બાળકીની તબક્કાવાર બે વાર જૂબાની લેવાઈ હતી.

પિતા : સજા સાંભળી ખુશ થયો,જોકે બાળકી તંદુરસ્ત નથી

મોડી સાંજે સજાનું એલાન થયું એની જાણ થઈ છે. સજા સાંભળીને આનંદ થયો. જો કે ફાંસીની સજા થઈ હોત તો વધુ સારું થયું હોત. હાલ મારી બાળકી સારવાર હેઠળ છે. ઓપરેશન થયું છે. ત્રણ-ચાર મહિના પછી ઓપરેશન સફળ છે કે કેમ તે ખબર પડશે. બાળકીની માતાએ પણ આરોપીને થયેલી સજા અંગે ખુશી વ્યક્ત કરી હતી.-પીડિતાના માતા-પિતા

વકીલ : પોલીસ ન પહોંચી હોત તો બાળકી જીવિત ન હોત

આ ગુનાની ગંભીરતા જોતાં કોઈના પણ હૃદય કાંપી જાય. આરોપીએ માત્ર હવસ નહોતી સંતોષી, પરંતુ બાળકીને જીવનભરનો ડાઘ આપ્યો છે. આરોપી બળાત્કારનું પ્લાનિંગ કરીને બાળકીને લઈ ગયો હતો. બાળકીના ગર્ભાશયને ક્ષતિ પહોંચી છે. તે ભવિષ્યમાં માતા બનશે કે કેમ તે પણ એક સવાલ છે.-નયન સુખડવાલા, મુખ્ય જિલ્લા સરકારી વકીલ

કોર્ટે શું નોંધ્યું : મૃત્યુ દંડ માટે રેરેસ્ટ ઓફ રેર કેસ જરૂરી

કોર્ટે નોંધ્યું હતું કે, મૃત્યુ દંડ માટે રેરેસ્ટ ઓફ રેર કેસ હોવો જોઈએ. આ કેસના સંજોગો અને હકીકતો તેમ જ આરોપીની ઉંમર તેમ જ તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાતો ન હોઈ આરોપીને મૃત્યુદંડની સજા કરવી યોગ્ય અને ઉચિત જણાતું નથી. આરોપીએ બાળકીની જિંદગી જોખમમાં મૂકી અને ભવિષ્ય પણ પીડાદાયક બને તેવું કૃત્ય કરી તેમ જ તેણીની હત્યાનો પ્રયાસ કર્યો છે. જેને હળવાશથી લઈ શકાય નહીં.

પીડિત બાળકી આજે પણ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ, ઓપરેશન કરાયું

બળાત્કાર બાદ બાળકીની હાલત અતિશય નાજુક હતી. લોહીલુહાણ હાલતમાં તેને પહેલાં સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. શરૂઆતથી આજદિન સુધી બાળકીની સારવાર અને તેને મદદ માટે સાથે રહેલાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડનાં સભ્ય પ્રતિભાબેન દેસાઈએ કહ્યું હતું કે, બાળકીને શરૂઆતના સમયમાં ત્રણ મહિના સુધી સ્મીમેરમાં રખાઇ હતી.
એટલી ક્રૂરતાપૂર્વક બળાત્કાર ગુજારાયો હતો કે બાળકીના બંને પ્રાઇવેટ પાર્ટ એક જ થઈ ગયા હતા. બાળકીને હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ તેને એક અઠવાડિયા સુધી ઘરે જ રાખવામાં આવી હતી. જોકે, તેનું લેટરિન બંધ થઈ ગયું હતું. તેને વોમિટ થતી હતી. પેટ ફૂલી ગયું હતું અને લેટરિનની થેલી પણ ચીપકી ગઈ હતી. બાળકી કુદરતી હાજરની ચેતના જ ગુમાવી બેઠી હતી. આથી તેને ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ લેટરિન એક બેગમાં જ થાય છે. આવી 350 બેગ હજી સુધી બદલવામાં આવી છે. બાળકીનું સર્વાઇકલ અને લેટરિનનો ભાગ એક જ થઈ ગયો હતો. તેને બે ભાગમાં કરવાનું ઓપરેશન ગઈ તા. 20મી ને બુધવારે જ કરવામાં આવ્યું છે. જે સફળ થયું કે નહીં તેની જાણકારી ચાર મહિના પછી ખબર પડશે. ઓપરેશન સફળ થાય તો લેટરિનની થેલી જોઇન્ટ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો