નોખી માટીનો માનવી – શ્રી દિલીપભાઈ સંઘાણી

બાળપણ અને પ્રાથમિક શિક્ષણ

મોટા ભાગના લોકો માને છે કે, દિલીપભાઈ સંઘાણીનું જન્મ સ્થળ માળીલા છે. પરંતુ હકીકતે તેમના પિતાશ્રી નનુભાઈ જયારે ચલાલાનો ખાદી કાર્યાલયમાં નોકરી કરતા હતા ત્યારે તેમનો જન્મ થયેલો. તે વખતે નનુભાઈ ખાદી કાર્યાલયના કવાટર્સમાં રહેતા હતા. દિલીપભાઈના પત્ની ગીતાબેન ચલાલાના છે. એ રીતે જોતા દિલીપભાઈ તથા ગીતાબેન એક જ ગામના-ચલાલાના ગણાય. તેમની જન્મ તારીખ ૧૨ મે ૧૯૫૪ નોંધાયેલ છે. એ સમયના જમાનામાં સંતાનોની જન્મ તારીખ નોંધવાનો રિવાજ પડ્યો ન હતો. તેથી આ તારીખ અને વર્ષ ચોકકસ હોય, તેવું ખાત્રીપૂર્વક કહી શકાય તેમ નથી. દિલીપભાઈના પિતાશ્રી નનુભાઈનું મૂળ વતન માળીલા. દિલીપભાઈ સહીત કુલ પાંચ ભાઈઓ. દિલીપભાઈ બીજા નંબરે. પાંચ ભાઈઓ વચ્ચે એક જ બહેન, અનસુયા. માતા શાંતાબેનનું વતન અમરેલી.

ચલાલાના બાલમંદિરમાં શિવકુંવર અકબરીએ પ્રેમથી માથે ફેરવીને પાટીમાં એકડો ઘૂંટાવેલો તે આજે પણ દિલીપભાઈને યાદ છે. ત્યાર પછી તેમના પિતાશ્રી ચલાલાના ખાદી કાર્યાલયની નોકરી છોડી માળીલા રહેવા આવી ગયા. તે વખતે માળીલા લગભગ એકાદ હજારની વસ્તી ધરાવતું ગામ. મોટા ભાગના પરિવારો પટેલ જ્ઞાતિના. ૨૫ થી ૩૦ ક્ષત્રિયોના ખોરડા. જીવનના પરોઢના આછા અજવાળાની જૂજ સ્મૃતિઓ તેમના હૃદયમાં સંગ્રહાયેલી પડી છે.

તે વખતે આખું ને આખું ગામ ઉર્મિના તાંતણે જોડાયેલું રહેતું. દિલીપભાઈના શબ્દોમાં, ” ગામ જઉં તો હજુ કેટલાક લોકો મળે છે, જેમણે મને ફળીયાની ધૂળમાં રમતાં જોયો છે. મને ‘તું’ કહીને બોલવાનારાઓની સંખ્યા ઝડપથી ઘટતી જાય છે. આંચકો તો ત્યારે લાગે છે, જયારે મને ‘તું’ કહીને બોલાવી શકનાર વડીલ ‘તમે’ કહીને સંબોધે છે. ”

ખિસકોલીની પૂંછડીએ બેઠેલું બાળપણ કયાંક ખોવાઈ ગયું છે. આમ છતાં બચપણની કેટલીક વાતો આજે પણ તેમના મનોજગતમાં અકબંધ જળવાયેલી છે. એ જમાનામાં રોકડા પૈસાની છુટ નહી પણ દિલની ત્રેવડ ઘણી. ગામમાં છાશ વહેંચાતી, વેચાતી નહી. દૂમનાવટ હોય તો પણ મુશ્કેલીમાં એક બીજાને મદદ કરવાનો શિરસ્તો. ઘાસથી ભરેલ બળદ ગાડામાં જમીનથી એકમાળ જેટલી ઉંચાઈએ બેસીને ગામમાં પસાર થવાનો વૈભવ ધરાઈ ને માણેલો. નાનપણનો એક પ્રસંગ અહી ખાસ ઉલ્લેખ કરવા યોગ્ય છે.

એક વખત ગામના પાદરમાં બાળકો સંતાકુકડીની રમત રમતા હતા. સંતાકુકડીની રમત કદાચ વિશ્વમાં તમામ બાળકો વચ્ચે રમાતી હશે. કદાચ ભગવાનની પણ તે પ્રિય રમત છે, કારણ કે આખું જગત તેને શોધી રહયું છે. એ વખતે ક્ષત્રિય કુંટુબના નાની ઉંમરના બાળકને પણ ‘ ભાઈ ‘ કહીને જ બોલાવવાનો રીવાજ. રમતાં રમતાં દિલીપભાઈ એ તેની સાથે રમતાં બાળસખાને તેના નામથી બોલાવ્યો, પણ પેલાએ તો પોતાને ‘ભાઈ’ કહીને જ બોલાવવો તેવો આગ્રહ રાખ્યો. જવાબમાં દિલીપભાઈએ કહ્યું કે મને તું ‘ભાઈ’ કહીને બોલાવે તો જ હું તને ‘ભાઈ’ કહીને બોલાવીશ. તું મને નામથી બોલાવે છે એટલે હું પણ તને નામથી બોલાવીશ. આમ બચપણથી જ સ્વમાનભેર અને ખુમારીથી જીવવાની વાત તેમના વ્યકિતત્વમાં વણાય ગઈ હતી.

– પ્રથમ બે ધોરણ સુધીનું શિક્ષણ માળીલાની પ્રાથમિક શાળામાં લીધું. ત્યાર પછી દિલીપભાઈના પિતા નનુભાઈ જુનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાના શોભાવડલામાં રહેવા ગયા. ત્રીજુ અને ચોથું ધોરણ તેમણે શોભાવડલાની નિશાળમાં પુરૂ કર્યું. દિલીપભાઈના મોટા બાપા તે વખતે ચિતલના ખાદી કાર્યાલયમાં નોકરી કરતા હતા. તેમણે દિલીપભાઈને ચિતલ તેડાવી લીધા. ત્યાંની નિશાળમાં ધો.પમાં અભ્યાસ કર્યો. આમ તેમનું પ્રાથમિક શિક્ષણ ચલાલા, માળીલા, શોભાવડલા અને ચિતલ એમ ચાર ગામની શાળાઓ વચ્ચે પુરૂ થયું.

અમરેલીમાં માધ્યમિક શિક્ષણ

એ વખતે અમરેલીમાં તેમના નાના નરભેરામ બાપા જીવતા હતા. તેમણે તેમના દિકરા એટલે કે દિલીપભાઈના મામા નાનાલાલભાઈ રામાણીને દિલીપભાઈને સારૂ ભણતર મળે તે માટે, અમરેલી બોલાવવા કહયું. છઠ્ઠા ધોરણમાં અધવચ્ચેથી જ દિલીપભાઈ નૂતન મીડલ સ્કૂલમાં દાખલ થયા. તે વખતે ભીમજીભાઈ મહેતા મીડલ સ્કૂલના પ્રિન્સીપાલ હતા, જે સ્વભાવે ખૂબજ કડક હતા. માધ્યમિક શિક્ષણ પુરૂ કર્યા પછી કે.કે. પારેખ નૂતન હાઈકસ્કુલમાં દાખલ થયા. એસ.એસ.સી. સુધીનું શિક્ષણ દિલીપભાઈએ નૂતન સ્કૂલમાં જ પુરૂ કર્યું. હાઈસ્કૂલમાં પ્રિન્સીપાલ તરીકે શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર, નટુભાઈ ત્રિવેદી હતા. ઘણા શિક્ષકો તે સમયે કડક સ્વભાવના હતા. કેટલાક માસ્તર સ્કૂલ માસ્તરને બદલે રીંગ માસ્ટર જેવા હતા. શિક્ષકોની પર્સનાલીટી અને રૂઆબ નિષ્ફળ જાય ત્યારે ડસ્ટર કે ફુટપટ્રીની પર્સનાલીટી અસરકારક બનતી. છોકરાઓને મેથી પાક ચખાડવો એ ઘણા શિક્ષકોની મનગમતી હોબી હતી. ફુટપટ્ટી એટલા જોરથી મારવામાં આવતી કે, ક્યારેક તુટી જતી. સામા પક્ષે છુટી સ્લેટ માસ્તરને મારી ભાગી જનારા વિદ્યાર્થીઓ પણ હતા. કોઈ માથાભારે વિદ્યાર્થી ગુસ્સે થાય ત્યારે શિક્ષકના ધોતીયાનો છેડો પાછળથી ખેંચી ભાગી જતો. આમ બન્ને પક્ષે લગભગ ગેરીલા પદ્ધતિથી પ્રહારો થતા. આમ છતાં મોટા ભાગના શિક્ષકો પોતે વેરેલા અસંખ્ય બીજ કયાંકને કયાંક અંકુરીત થઈ વૃક્ષની માફક પાંગરશે એવી અડગ શ્રધ્ધા સાથે સંપૂર્ણ લગનથી ભણાવતા.

કોઈપણ બાળકના ઘડતરમાં શિક્ષકનો ફાળો કેટલો છે તે જાણવાની કોઈ ફોર્મયુલા હજુ સુધી જડી નથી. દાયકાઓ વીતી જાય પછી પણ કોઈ શિક્ષકનું પાવક સ્મરણ એના વિદ્યાર્થીઓને કોઈને કોઈ નિમીતે થાય, એજ સાચા શિક્ષકની સંપ્રાપ્તી છે. એવા કેટલાક શિક્ષકોને આજેય દિલીપભાઈ યાદ કરે છે જેમાં, એમ.ડી.જોષી સાહેબ, ગુજરાતી વિષય લેતા અરવિંદભાઈ ચિતલીયા, કાંતણ અને ઉદ્યોગ શીખવતા રાણવા સાહેબ, પી.ટી. અને ડ્રોઈગ શીખવતા કનુભાઈ ભટ્ટ તથા પડાયા સાહેબ મુખ્યત્વે હતા.

હાઈસ્કૂલમાં અંગ્રેજી વિષય ભણાવતા દેથા સાહેબ, વાય.કે.મુસાણી સાહેબ, બાલુકાકા, કયાડા સાહેબ, એચ.કે. ભટ્ટ, બી.કે. ભટ્ટ, ભાનુભાઈ મિસર, મણિયાર સાહેબ, ડ્રોઈગ ટીચર અગ્રાવત દાદા, પી.ટી.ટીચર સી.એન. અગ્રાવત અને સાયન્સ ટીચર સી.આર.મહેતાને આજે પણ દિલીપભાઈ ભાવપૂર્વક યાદ કરે છે. દિલીપભાઈ સ્કૂલમાં ભણતા હતા ત્યારે જે સહાધ્યાયીઓ મળ્યા તેમાં, પુરૂષોતમભાઈ રૂપાલા, કિશોરભાઈ વાજા, ધનજીભાઈ ધોરાજીયા, દ્રારકાદાસભાઈ પટેલના પુત્ર હેંમતભાઈ, મધુભાઈ હપાણી, બાબુભાઈ વોરા,સુભાષ ઢોણે ચંદુભાઈ રામાણી, નનુભાઈ બાંભરોલીયા મુખ્ય હતા. તેમની અને દિલીપભાઈ વચ્ચે ટૂંક સમયમાં ગાઢ દોસ્તી થઈ ગઈ. સ્કૂલમાં અભ્યાસમાં દિલીપભાઈ ખાસ ગંભીર ન હતા. આમ છતાં મોટે ભાગે ૫૦ થી ૫૫% માર્કસ તો મેળવી લેતા. ભણવા કરતા એમનું વિશેષ ધ્યાન ઈતર પ્રવૃતિઓમાં. એ સમયે વિદ્યાર્થી યુનિયનની ચુંટણીઓ જ્ઞાતિવાદના ધોરણે લડાતી. જનરલ સેક્રેટરી – જી.એસ.- ની ચૂંટણીમાં કાઠી બોર્ડીગનો વિદ્યાર્થી ફોર્મ ભરે એટલે બીજુ કોઈ ચૂંટણી લડવાની હિંમત ન કરે. પણ આવી કોઈપણ ચેલેન્જ મળે એટલે તેને ઉપાડી લેવી તે દિલીપભાઈનો મુળભૂત સ્વભાવ. જી.એસ.ની ચૂંટણીમાં એમણે ઉમેદવારી નોધાવી. વિદ્યાર્થીઓના જુથો વચ્ચે નાના મોટા ઝગડા શરૂ થયા. પરીણામ એ આવ્યું કે તોફાનોને કારણે સ્કુલમાં તેમજ બન્ને જુથોની બોર્ડીંગમાં વારંવાર પોલીસ બોલાવી પડેલી. અંતે થાકીને સંચાલકોએ એ વર્ષે ચૂંટણી જ કેન્સલ કરી નાખી. પણ બીજા વર્ષે દિલીપભાઈએ ફોર્મ ભર્યું અને બિનહરિફ ચુંટાયા.

હાઈસ્કૂલના વિદ્યાર્થી તરીકેના તેમના ફોટાઓ જુઓ તો શરીરે ખુબ પાતળા, એકવડીયા બાંધાના અને ઘંઉવર્ણા. શર્ટ અને પેન્ટ તથા પગમાં સ્લીપર. લંબગોળ ચહેરા પર પાતળી લાંબી તલવાર કટ મુંછ. પહેલી નજરે ખાસ છાપ ના પાડી શકે તેવો દેખાવ અને એક સામાન્ય ખેડૂત પરીવારના બેકગ્રાઉન્ડ સાથે આવતા દિલીપભાઈએ ટુડન્ટ લીડર તરીકે પોતાનું સ્થાન પ્રસ્થાપિત કર્યું, માત્ર પોતાની હિંમત અને દ્રઢ આત્મવિશ્વાસના બળે.

બોલવાની ફાવટ ઓછી. તેમના સ્કૂલના સહાધ્યાયી એવા હનુભાએ (જઓ હાલ પોલીસ ખાતામાં હેડ કોન્સ્ટબલ છે અને દેશભરમાં તેમણે કરેલી સેંકડો માઈલોની પદયાત્રા માટે તથા અસંખ્યવાર કરેલ રકતદાન માટે જાણીતા છે.) સ્કૂલકાળના પ્રસંગને યાદ કરતા કહેલું કે, ‘એક વખત જાહેર ફંકશનમાં જી.એસ. તરીકે દિલીપભાઈના ભાગે બોલવાનું આવેલ. જાહેરમાં ભાષણ કરવાનો પહેલો પ્રસંગ. માંડ માંડ હિંમત એકઠી કરી બોલવાનું ચાલુ કર્યુ પણ અધવચ્ચે જ શબ્દો ખુટી ગયા અને જીભ થોથરાવા મંડી.’ એવા વખતે પાસે બેઠેલા પ્રિન્સીપાલ નટુભાઈ ત્રિવેદીએ ખભે ધબો મારતા કહેલું કે ” તું બોલવાનું ચાલુ રાખ. ગભરાયા વિના તું બોલે રાખ. તારે તો હજુ ભવિષ્યમાં ઘણા ભાષણો કરવાના છે. “ગુજરાત રાજયના મંત્રી મંડળમાં સૌ પ્રથમવાર તેમનો સમાવેશ થયો અને પોતાની સ્કૂલની મુલાકાત લીધી ત્યારે તે જ હોલમાં તેમનો સન્માન સમારંભ યોજાયેલો, જયાં તેમણે ધ્રુજતા પગે જીંદગીનું સૌ પ્રથમ ભાષણ કરેલું. દિલીપભાઈએ તે દિવસે, આ પ્રસંગને તેમજ ત્રિવેદી સાહેબે કહેલ ઉત્સાહના શબ્દોને યાદ કરેલા. અગાઉ જણાવ્યું તેમ ભણવાનું તો ‘સાઈડ’ માં ચાલે- મુખ્ય શોખ તો વિદ્યાર્થીઓની નેતાગીરી લેવાનો. ભણવાના વિષયો નકકી કરવામાં પણ આ ‘બાબતો’ નું ધ્યાન રાખતા. એસ.એસ.સી.માં હાયરમેથ્ય રાખ્યું. પણ તેમ કરવાથી પોતાનો વર્ગ બદલવો પડે અને પોતાના મિત્રોથી જુદા પડી જવાય. તેથી કલાસ બદલવાને બદલે વિષયો બદલી નાખ્યા. એ જ રીતે રૂપાલા અને અન્ય મિત્રો સાયન્સમાં જતા હોવાથી પહેલા સાયન્સમાં એડમીશન લીધુ, પણ પછી ખબર પડી કે સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીના બીજા જુથો મજબુત છે અને વિદ્યાર્થી યુનિયનના નેતા તરીકે ચુંટાવવાની તકો ઓછી છે, તેથી સાયન્સને બદલે આર્ટસ કોલેજમાં ફી ભરી દીધી.

કોલેજ કાળ

પ્રતાપરાય આટર્સ કોલેજમાં દિલીપભાઈએ બી.એ. સુધીનો અભ્યાસ કર્યો. બી.એ. તેમણે અંગ્રેજી અને અર્થ શાસ્ત્રના વિષય સાથે કરેલું. ડી.એલ. મુનીમ સાહેબ કોલેજના પ્રિન્સીપાલ હતા. એન.કે.ત્રિવેદી સાહેબ અંગ્રેજી લેતા. ડો.વસંતભાઈ પરીખ જેઓ અસાધારણ વકતૃત્વ માટે વિખ્યાત છે, તેમની પાસેથી કોલેજકાળ દરમ્યાન દિલીપભાઈ પોતાનાં ભાષણો લખાવતા. એ જ રીતે અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક ચંદારાણા સાહેબ પાસે જયારે આર્થીક બાબતો ઉપર ધારાસભામાં, સંસદમાં કે અન્ય કોઈ સ્થળે બોલવાનું હોય ત્યારે તેમની પાસે જઈ ટીપ મેળવતા. પાર્લામેન્ટમાંથી ચંદારાણા સાહેબ માટે કેન્દ્રનાં બજેટની કોપી તેમજ અન્ય આર્થીક ઠરાવોની વિગતો લઈ આવતા. અન્ય પ્રાધ્યાપકોમાં છેલભાઈ વ્યાસ, પ્રો.મધુકરભાઈ રામાણી, છેલભાઈ પંડ્યા,જયોતીબેન, અજ્ઞાની મેડમ વિગેરે હતા. એક પ્રોફેસર એટલું બધું સેન્ટ છાંટીને આવતા કે વિદ્યાર્થીઓએ તેમને ”અતરીયા બાવા”નું નામ આપેલું. કોલેજ કાળમાં તેમને જે બીજા મિત્રો મળ્યા તેમાં હરેશભાઈ જોષી, બીનીવાલે, કાંતીભાઈ સોરઠીયા, ગોરધનભાઈ ધાનાણી, ચતુરભાઈ ગજેરા, નનુભાઈ રામોલીયા, રાજુભાઈ ગજેરા, પોપટભાઈ માંજરીયા તથા સાયન્સ કોલેજનાં માવજીભાઈ ગોલ, જીતુભાઈ મસરાણી, મુખ્ય હતા. રૂપાલા તો નૂતન સ્કૂલથી જ તેમના સહાધ્યાયી હતા, અને સાયન્સ કોલેજના વિદ્યાર્થી બનેલા. ટી.વી.કાબરીયા, નનકુભાઈ ઝાલાવાડીયા, દિલસાદ શેખ, તેમનાથી ઘણા સીનીયર હતા. સાવરકુંડલાના વંડાથી ભણવા આવેલ યુનુસ બિલખીયા નનુભાઈ બાંભરોલીયાનાં રૂમ પાર્ટનર હતા. સાયન્સના આ બંને વિદ્યાર્થીઓ દિલીપભાઈના પરિચયમાં આવ્યા અને તેના મિત્રો બની ગયા. યુનુસભાઈ બીલખીયાએ પછીથી વાપીમાં હિન્દુસ્તાન ઈન્ક ના નામે ખૂબ જ પ્રતિષ્ઠિત ઔધોગીક ગૃહની સ્થાપના કરેલી,જેમાં નનુભાઈ બાંભરોલીયા ડાયરેકટર બોર્ડમાં છે.

એ જ સમયે તેમના મોટા ભાઈ કાળુભાઈ સંઘાણી સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતા હતા. બંને ભાઈઓ તેમના મામાને ત્યાં રહી કોલેજ કરતા હતા. કાળુભાઈએ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓમાં પોતાનું ગૃપ જમાવેલું. પહેલે જ વર્ષે ચૂંટણીમાં જીતીને દિલીપભાઈ કોલેજના એફ.એસ.– ફાયનાન્સ સેક્રેટરી– બન્યા. ૭૩/૭૪ માં, કોલેજના બીજા જ વર્ષે જનરલ સેક્રેટરી બન્યા. ત્યાર પછી ૭૪/૭૫ તથા ૭૫/૭– એમ કુલ ત્રણ વર્ષ સુધી સતત જી.એસ. તરીકે ચૂંટાતા રહયા.

આ બધા સમય દરમ્યાન તેમની અને રૂપાલાની દોસ્તી વધુને વધુ ગાઢ થતી ગઈ. વિદ્યાર્થીકાળથી શરૂ થયેલ તેમનો આ મૈત્રી સંબંધ ત્યાર પછી ત્રણ દાયકાના જાહેર જીવન દરમ્યાન અતૂટ રહયો છે. બે બળુકા અને સક્ષમ રાજકીય નેતાઓ વચ્ચે આટલા લાંબા સમય સધી કોઈપણ જાતના વિવાદ કે વિખવાદ વગર મૈત્રી ટકી હોય એવું ઉદાહરણ ગુજરાતના જાહેર જીવનમાં શોધવું મૂશ્કેલ છે.

થોડા જ સમયમાં દિલીપભાઈ વિદ્યાર્થીઓમાં એટલા બધા લોકપ્રિય થઈ ગયા કે, એમની એકજ હાકલે ત્રણેય કોલેજના વિદ્યાર્થીઓ ભેગા થઈ જતા અને તેમના આદેશ પર ગમે તે કરવા તૈયાર થઈ જતા. દિલીપભાઈના નિર્ણયો વિદ્યાર્થીઓ માટે વટહુકમ જેવા હતાં. તે વખતે વિદ્યાર્થીઓને પાઠય પુસ્તકો માટે કોલેજમાં બુક બેંક ચાલતી જેમાથી પુસ્તકો લેવા જાય ત્યારે વિદ્યાર્થીઓને લાયબ્રેરીયન પુછે કે, ‘કયુ ગૃપ’? મતલબ કેમેસ્ટ્રી કે બાયોલોજી, ઈકોનોમીકસ કે તર્કશાસ્ત્ર એમ કહેવાનું હોય. પણ ઘણા વિદ્યાર્થીઓ જવાબ દેતા કે, “સંઘાણી ગૃપ”. આટલી મજબુત અસર તેમણે વિદ્યાર્થીઓના દિલોદિમાગ પર ઉભી કરેલી.

કોલેજકાળમાં તેમના મિત્રો તેમને ‘દિલો” કહીને બોલાવે. આ સંબોધન દિલીપભાઈએ અભ્યાસ પૂર્ણ કર્યા પછી પણ વર્ષો સુધી વપરાતુ રહ્યું. ધારાસભ્ય બન્યા પછી અધિકારીઓની વિનંતીથી મિત્રોએ તેમને દિલીપભાઈ કહીને બોલાવાનું શરૂ કર્યુ. આ નવું નવું સંબોધન શરૂઆતમાં તેમના મિત્રોને કઠતું અને દિલીપભાઈને તો મિત્રો મશ્કરી કરે છે તેવુ લાગતું પણ પછી ધીરે ધીરે આ સંબોધનથી તેમના મિત્રો અને દિલીપભાઈ, બંને ટેવાઈ ગયા.

એ વખતના પ્રિન્સિપાલ મુનિમ સાહેબ ખુબજ કડક અને શિસ્તના ભારે આગ્રહી. ઓફીસમાંથી તેઓ બહાર નીકળે એટલે લોબીમાં તથા ગ્રાઉન્ડમાં ઉભેલા વિદ્યાર્થીઓ આધાપાછા થઈ જાય. ચાલુ પીરીયડે કોઈ વિદ્યાર્થીને વર્ગબહાર જુએ તો તેનું આવી જ બને. ઘણીવાર તો આવા વિદ્યાર્થીઓને પકડવા રીતસર તેની પાછળ દોડ લગાવતા અને વિદ્યાર્થી હાથમાં આવી જાય એટલે પહેલા તો કંઈપણ પૂછયા વગર બેત્રણ તમાચા ઝીકી દેતા. આવા કડક પ્રિન્સિપાલ અને તોફાની બારકસોની ટોળીના સરદાર દિલીપભાઈ વચ્ચેના ટકરાવનો પ્રસંગ રસપ્રદ છે.

એ સમયે દિલીપભાઈના કલાસમાં અમરેલી જિલ્લાના ડી.વાય.એસ.પી.નો નાનો ભાઈ ભણતો હતો. પોતાના ભાઈ એક સીનીયર પોલીસ ઓફીસર છે તેનો એના મગજમાં ફાંકો રહેતો. એક વખત તેણે કલાસમાં બેસવાની ખૂરશીઓ એવી રીતે ગોઠવી દીધી કે, ખૂરશીઓની હાર વચ્ચેથી નીકળવા માટે ખૂબ ઓછી જગ્યા રહે. કલાસમાં આવતી વિદ્યાર્થીનીઓને પાછળની હરોળમાં બેસવું હોય તો ખૂરશીઓની વચ્ચેથી ચાલવુ મુશ્કેલ બને અને ખૂરશી ઉપર બેઠેલા છોકરાઓને અડીને જ ચાલવું પડે. છોકરીઓએ દિલીપભાઈ પાસે તેની ફરિયાદ કરતા તેણે રીસેશમાં પેલા વિદ્યાર્થીને બોલાવીને ઠપકો આપ્યો. પણ પોતાના ભાઈ મોટા પોલીસ અમલદાર છે એ વાતનો ગર્વ હોવાથી તેણે દિલીપભાઈ સાથે તોછડાઈ કરી ઉધ્ધત વર્તન કર્યું. પોતાના ઓરીજીનલ સ્વભાવ પ્રમાણે દિલીપભાઈ તેને ” ચદમું રતન ” દેખાડે પણ તે પહેલા પ્રોફેસર કલાસમાં આવી જતા તાત્કાલિક યુધ્ધ વિરામ થઈ ગયો. રીશેસ સુધીમાં તો વાતાવરણ ઠંડૂ પડી ગયું અને દિલીપભાઈના મગજમાંથી આ વાત નીકળી ગઈ.

પરંતુ દિલીપભાઈના બીજા મિત્રો જેમણે આ ઘટના જોઈ હતી, તે બધાં વિદ્યાર્થીને જતો કરવા તૈયાર ન હતા. રીસેસ પછી તેમણે દિલીપભાઈની જાણ બહાર પેલા વિદ્યાર્થીને પાઠ ભણાવવાનો પ્લાન બનાવ્યો. પીરીયડ શરૂ થતાં જ બધાંજ તે વિદ્યાર્થીની આજુબાજુ ગોઠવાઈ ગયા. જોગાનુંજોગ કોઈ કારણોસર દિલીપભાઈ તે પીરીયડમાં હાજર ન હતા. પીરીયડ પુરો થતા જ બધાજ મિત્રો કલાસમાથી બહાર નીકળતાં નીકળતાં પેલા વિદ્યાર્થી પાસેથી પસાર થતા ગયા અને તેના વાંસામાં પુરા જોશથી ધબો મારતા ગયા. મિત્રોની સંખ્યા એટલી મોટી કે, બધાનો વારો પુરો થયો ત્યાં સુધીમાં તો તે માર ખાઈને અધમૂઓ થઈ ગયો. એજ વખતે દિલીપભાઈ કોલેજમાં દાખલ થયા. કોઈએ તેને સમાચાર આપતા તુરંત દોડતાં દોડતાં કલાસમાં આવી તે વિદ્યાર્થીને “પ્રસાદ” આપવામાંથી બાકી રહી ગયેલા મિત્રોને ખીજાઈને કાઢી મૂક્યા. આ સમગ્ર ઘટનાથી દિલીપભાઈ અજાણ અને નિર્દોષ હોવા છતાં તેમની ‘ મથરાવટી મેલી ‘એટલે તેમનું જ નામ આવ્યું અને મુનીમ સાહેબે તેમને સાંભળ્યા વગર જ કોલેજમાંથી સસ્પેન્ડ કરી દીધા. પોતે નિર્દોષ હોવા છતાં સજા મળી એટલે દિલીપભાઈ સમસમી ગયા. રાત્રે મિત્રો વચ્ચે બેઠક થઈ. નિર્ણય લેવાયો કે, બીજે દિવસે મુનીમ સાહેબ પાસે દિલીપભાઈના સસ્પેન્શનનો નિર્ણય રદ કરાવવા રજુઆત કરવી.

કોઈપણ સંજોગોમાં મુનીમ સાહેબ માને નહી તો કોલેજમાં હડતાલ પડાવવી. મુનીમ સાહેબનો જીદી સ્વભાવ જાણતા અને દિલીપભાઈની વાનર સેનાના પરાક્રમોથી પરીચિત ટી.વી.કાબરીયા, કાળુભાઈ સંઘાણી અને નનભાઈ ઝાલાવડીયાને આ ખબર મળતાં જ મુનીમ સાહેબને મળી દિલીપભાઈને આપેલ સજા રદ કરવા વિનંતી કરી. મુનીમ સાહેબ સહમત તો થયા પરંતુ શરત મુકી કે, દિલીપે લેખિતમાં માફી માંગવી પડશે. ફરી મડાગાઠ સર્જાણી. અંતે મૌખીક માફીનો વચ્ચેનો રસ્તો નીકળ્યો અને દિલીપભાઈનું સસ્પેન્શન રદ થયું. પણ આ પ્રસંગ પછી દિલીપભાઈ અને મુનીમ સાહેબ વધુ નજીક આવ્યા. પછીથી બન્ને વચ્ચેનો સંબંધ વધુને વધુ ગાઢ થતો ગયો અને દિલીપભાઈના માનસપટમાં મુનીમ સાહેબે આદર્શ ગુરૂનું સ્થાન લઈ લીધું. જયારે કાઈપણ મુંઝવણ થતી ત્યારે દિલીપભાઈ મુનીમ સાહેબ પાસે જઈ દિલ ખોલી પોતાની સમસ્યા કહેતા અને સામે પક્ષે મુનીમ સાહેબ પણ દિલીપભાઈને પોતાના પુત્ર સમાન ગણી તટસ્થભાવે યોગ્ય માર્ગદર્શન આપતા.

સંકલન: ડો. ભરત જે કાનાબાર

Shree Dileepbhai Sanghani
Chairman – National Federation of State Cooperative Banks Ltd. (NAFSCOB)
Vice Chairman – NAFED

Ex. Cabinet Minister – Gujarat
Ex.Member Of Parliament (Lok Sabha)

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો