સુરતમાં રત્નકલાકારો, વિદ્યાર્થીઓ અને વેપારી સભ્યોનું ગૃપ પોતાનું કામ છોડી ગૌ સેવા માટે લગ્નમાં પીરસવાનું કામ કરે છે

ગૌ સેવા એ જ પરમોધર્મના સુત્ર સાથે વરાછા વિસ્તારમાં એક ગ્રુપ અનોખું કામ કરે છે. રત્નકલાકારો,વિદ્યાર્થી,વયસ્કોથી લઈને વેપારીઓ જેવા 112 સભ્યોનું ગ્રુપ પોતાનું કામ છોડીને લગ્નમાં પીરસવાનું કામ કરે છે. લગ્નમાં પીરસવાથી જે આવક થાય તે રૂપિયાનો ઉપયોગ ગાયોની સેવા અને અબોલ પશુ-પક્ષી પાછળ ખર્ચવામાં આવી રહ્યો છે. એક સરખા પોષાક સાથે પીરસવાનું કામ કરતાં ગૌ સેવકોથી લગ્નમાં આવતાં લોકો પણ પ્રભાવિત થાય છે અને આયોજકો નિયત રકમ કરતાં થોડી વધારે જ રકમ આપતાં હોય છે.

ગાયોની સેવા માટે કામ શરૂ કર્યું

નર્મદા ગૌશાળા સેવક સમિતીના પ્રમુખ પ્રવિણભાઈ વસ્તાણીએ જણાવ્યું હતું કે, આજે ગાયની સ્થિતી ખૂબ ખરાબ છે. રસ્તા પર પ્લાસ્ટિક ખાવા મજબૂર છે ત્યારે નિરાધાર ગાયોની હાલત વિષે તો શું કહેવું. ગાયોની આ પીડા જોઈને જ અમે કંઈક કરવા માંગતા હતા આ દરમિયાન નર્મદા ખાતેના આશ્રમમાં પણ ગૌશાળાની હાલત ખરાબ હતી જેથી અમે શ્રમદાન કરીને કંઈક રકમ ભેગી કરીને ગાયોની સેવા કરવા ઈચ્છતા હતા જેમાંથી આ પીરસવાનું કામ શરૂ કર્યું.

લોકો સામેથી બોલાવે છે

નર્મદા ગૌશાળા સેવક સમિતીના મહામંત્રી ભરતભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે, આજે સમિતીમાં 112 જેટલા સભ્યો છે અને હજુ પણ નવા સભ્યો જોડાઈ રહ્યાં છે. આ સભ્યોમાં મોટાભાગના રત્નકલાકારોની સાથે વયસ્કો પણ છે. સાથે જ વિદ્યાર્થીઓ અને વેપારીઓ અને દુકાનદારો પણ જોડાયેલા છે. રત્નકલાકારો અને વેપારીઓની અનુકૂળતા જળવાઈ રહે તે માટે માત્ર સાંજના ભોજનને જ પીરસવાનું કામ રાખવામાં આવે છે. વહિવટ એકદમ પારદર્શી રાખવામાં આવે છે. જેથી એક એક રૂપિયાની આવક અને થયેલા ખર્ચની વિગતો દરેક સભ્ય સુધી પહોંચી શકે.વળી એકઠા થયેલા રૂપિયામાંથી દર શનિવારે સવારે ચાર વાગ્યાથી સાત વાગ્યા સુધીમાં આ જ ગ્રુપના સભ્યોના હાથે ગાયોની સેવા કરવામાં આવે છે. ગાયપગલા નજીક આવેલી ગૌશાળામાં સેવા આપવામાં આવે છે.

સ્વચ્છતાનું ધ્યાન રખાય છે

પીરસતી વખતે દરેક સભ્યો એક સરખો ટીશર્ટ સાથેનો ડ્રેસ પહેરે છે. સાથે જ માથે ટોપી પહેરી રાખે છે. જેથી વાળ ભોજનમાં ન પડે. વળી પીરસતી વખતે દરેક સભ્ય હાથમાં પ્લાસ્ટિકના મોજાં પહેરી રાખે છે. જેથી સ્વાસ્થ્યની સાથે સ્વચ્છતા જાળવવાનો આગ્રહ પણ સભ્યો દ્વારા રાખવામાં આવે છે. ગ્રુપના સભ્યો પીરસતા હોય ત્યાં ભોજનનો બગાડ પણ ઓછો થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે.

દીકરીના લગ્નમાં ગાયોની સેવા થઈ શકે છે

લગ્નના આયોજક મેહૂલભાઈ સેંજલીયાએ જણાવ્યું હતું કે, અમે અગાઉ બહેનના લગ્નમાં પણ નર્મદા ગૌ સેવક સમિતીને આમંત્રણ આપ્યું હતું. દીકરીના લગ્નમાં ગૌ સેવા થાય તેનાથી ઉત્તમ શું હોય શકે..પીરસનારા કોઈ પણ હોય શકે પરંતુ તેના રૂપિયા ગૌશાળામાં જતા હોય તેનાથી ઉત્તમ શું હોય શકે માટે અમે દરેક પ્રસંગમાં ગૌ સમિતીને જ બોલાવવાનો આગ્રહ રાખીએ છીએ. જેનાથી અમારી સંપતિ પણ સાચી દિશામાં વાપર્યાનો આનંદ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો