સુરતમાં સામૂહિક દીક્ષામાં 7 પરિવાર સહિત 103 મુમુક્ષુઓ દીક્ષા લેશે, ડાયમંડ વેપારી સંપત્તિ વેચીને સહપરિવાર દિક્ષા લેશે

સુરતની પવિત્ર દીક્ષાનગરીમાં પાલ ખાતે 2 અને વેસુમાં એક સહિત કુલ ત્રણ અલગ અલગ દીક્ષા મહોત્સવમાં 103 મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરી સંસાર ત્યજી કલ્યાણનો સંયમપૂર્ણ માર્ગ અપનાવશે. આ દીક્ષા સમારોહમાં કુલ સાત જેટલા પરિવારના તમામ સભ્યો દીક્ષા ગ્રહણ કરતાં તેમના ઘરોને કાયમ માટે તાળાં લાગી જશે. દીક્ષા મહોત્સવનો પ્રથમ મહોત્સવ પાલ વિસ્તારમાં આરટીઓની બાજુમાં 30 હજાર ચોરસ ફૂટના ઊભા કરાયેલા હંગામી ‘વિજયોત્સવ’નામના મંડપમાં કુલ સાત મુમુક્ષુઓ સામૂહિક દીક્ષા ગ્રહણ કરશે. આ મહોત્સવની મહત્વપૂર્ણ અને વિશેષબાબત એ છે કે સુરતમાં હીરાનો વેપાર કરતા કરોડપતિ વેપારી વિજયભાઇ મહેતા તેમના પત્ની સંગીતાબેન અને બે દીકરીઓ સંમનો માર્ગ અપનાવી દીક્ષા ગ્રહણ કરશે. આ દીક્ષા મહોત્સવતા. 27 જાન્યુઆરીના રોજ ઇશિતાપાર્ક, અડાજણ ખાતેથી પાંચ કિમી. લાંબી વર્ષીદાન યાત્રા સાથે શરૂ થઇ તા. 29મીના રોજ સંપન્ન થશે.

સંપત્તિમાંથી જે રકમ બાકી બચશે તે ગરીબોમાં દાન કરશે

જીવનના 20 વર્ષ હીરા ઉદ્યોગને આપનાર વિજય મહેતા પોતાની પત્ની સંગીતાબેન અને બે દીકરીઓ સાથે દીક્ષા લેશે. તેઓ હીરાના ધંધામાં કરોડો રૂપિયાનું ટર્ન ઓવર ધરાવતાં હતા પરંતુ છ વર્ષ પહેલા તેમણે વેપારને મહત્વ આપવાનું ઓછું કરી દીધુ. આ સમયે તેમને એવું લાગ્યું હતું કે, ક્ષણિક સુખ માટે આટલી મહેનત શા માટે કરવી ? આથી તેમણે સહપરિવાર સાથે દીક્ષા લેવાનો વિચાર કર્યો. એટલું જ નહીં તેમણે તમામ સંપત્તિ કે જેનું સર્જન કરવામાં તેમણે વર્ષો સુધી મહેનત કરી હતી તે પણ વેંચી દેવાનો નિર્ણય કર્યો છે. આ સંપત્તિ દ્વારા તેઓ નરકનું જીવન કેવું હોય છે, કેટલું ભયાનક હોય છે તે લોકોને એ.આર. ટેક્નોલોજીથી હોરર શો દ્વારા બતાવશે. સંપત્તિમાંથી જે રકમ બાકી બચશે તે ગરીબોમાં દાન કરશે.

હીરા વેપારીની પત્નીને કપડાનો શોખ હતો

સંગીતાબેનને હીરા વેપારીના પત્ની હોવાના કારણે તેમને કપડાનો ભારે શોખ હતો. તેઓ કોઇપણ સાડી માત્ર એકવાર જ પહેરતાં હતા. આ ઉપરાંત કાર, બંગલો અને મોંઘા ઉપકરણો, સાડીઓ, આભુષણો તેમજ લક્ઝરી જીવન જીવનાર સંગીતાબેનને લાગ્યું કે તેઓ આ સંસારમાં થનાર પાપમાં પોતાની બે દીકરીઓને નહીં આવવા દે. આ જ કારણથી તેમણે પોતાની બે દીકરીઓની સાથે જ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.

બે દીકરીઓએ પણ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો

અગાઉ એક પરિવારની દીકરીએ દીક્ષા લીધી છે. પોતાની બહેનને દીક્ષા લીધા બાદ આનંદિત અને સુખમય જોઇ વિજય મહેતાની અન્ય બે દીકરીઓએ પણ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. જેમાં 17 વર્ષની દીકરી દ્રષ્ટિએ ધો-12માં 70 ટકા મેળવ્યા હતા અને તેણી સી.એ. બનવા માંગતી હતી. પરંતુ તેમને લાગ્યું કે સી.એ. બન્યા બાદ પણ તે આનંદ મેળવી શકશે નહીં. જ્યારે બીજી દીકરી 14 વર્ષીય આંગી પણ દીક્ષા અંગીકાર કરી ભૌતિક સુખનો ત્યાગ કરવા આતુર છે.

દરેક પાપના પરિણામો ‘હોરર શો’ માં બતાવાશે

‘વિજયોત્સવ’માં તા.27, 28 2 દિવસ ઓગમેન્ટેડ રિયાલીટી (એ.આર.) ટેક્નોલોજીથી સુરતમાં પ્રથમ વખત નરકનો ‘હોરર શો’ બતાવાશે. જેમાં માણસ દ્વારા કરાતા દરેક પાપોના પરિણામોને દર્શાવવાનો પ્રયાસ કરાયો છે. સાથે જ જાણે પિક્ચરમાંથી બહાર આવીને ગુરુદેવ રજોહરણ આપશે તેવો ફોટો અને એક આંખે શત્રુંજ્ય તીર્થ તેમજ બીજી આંખે ગિરનાર દેખાય તેવું મેજીક પેઇન્ટીંગ અને જૈનીઝમ કોર્સની ગેલેરી હશે.

આચાર્ય ગુણરત્નસૂરિશ્વરજીના હસ્તે પાલ ખાતે 450મી દીક્ષા અપાશે

પાલમાં આરટીઓ નજીક હંગામી ધોરણે ઉભી કરવામાં આવેલી વિરાટ ધર્મ નગરીમાં ‘વિજયોત્સવ’નો મંડપ 30 હજાર સ્ક્વેર ફૂટનો હશે, જેમાં વિરાટ આર્ટ ગેલેરી પણ હશે. 29 જાન્યુઆરીના રોજ ‘વિજયોત્સવ’ દીક્ષા મહોત્સવમાં પાલ ખાતે 435થી 441મી દીક્ષા અપાશે. જ્યારે 12મી ફેબ્રુઆરીના રોજ વેસુમાં 8 દીક્ષા અને તા.26મી ફેબ્રુઆરીના રોજ 450મી દીક્ષા ઉમરામાં થશે. પાલના દીક્ષા મહોત્સવમાં સૌથી મોટી ઉંમરના દીક્ષાર્થી વિજયભાઇ 45 વર્ષના જ્યારે સૌથી નાની વયનો મુમુક્ષુ સ્વયં 14 વર્ષનો છે. પૂ. મ.સા.ના હસ્તે વર્ષ મે-2018માં સુરતમાં જ 400મી દીક્ષાનો રેકોર્ડ થયેલો જે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયો હતો. માત્ર 20 જ મહિનાના ટૂંકા સમયગાળામાં 50 દીક્ષા આપવા સાથે મ.સા.નો દીક્ષા આપવાનો 450નો રેકોર્ડ સ્થાપિત થશે.

કુલ 19 મુમુક્ષુઓ સંસાર ત્યજી સંયમ અને ક્લ્યાણનો મોક્ષદાયી માર્ગ અપનાવશે

પાસમાં ઓમકાર નગરી, પ્લોટ નં.-107-108માં રોમે રોમે પરમ સ્પર્ષ વાટિકાના નામથી આયોજિત સમૂહ દીક્ષા મહોત્સવમાં કુલ 19 મુમુક્ષુઓ સંસાર ત્યજી સંયમ અને ક્લ્યાણનો મોક્ષદાયી માર્ગ અપનાવશે. તા.30મી જાન્યુઆરી, ગુરુવારના રોજ વર્ષીદાનની યાત્રા સાથે પ્રારંભ થનાર આ મહોત્સવમાં કુલ 19 મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરશે. જે પૈકી 4 બાળ મુમુક્ષુઓ એક જ દાદા દાદીના પરિવારમાંથી દીક્ષા લઇ રહ્યા છે. દીક્ષા મહોત્સવની સૌથી મહત્વની બાબત કે વિશેષતા એ છે કે સમારોહમાં એક જ મંડપમાં કુલ 6 પરિવારના તમામ સભ્યો દીક્ષા ગ્રહણ કરશે જેથીતમામ છ પરિવારના ઘરને કાયમ માટે તાળાં લાગી જશે. સુરતના જેન શાસનના ઇતિહાસમાં આ દીક્ષા મહોત્સવ સુવર્ણ અક્ષરે અંકિત થશે તેમ દીક્ષા આયોજક જિનાજ્ઞા ટ્રસ્ટ માની રહ્યું છે.

16 હજાર ફૂટનું લાકડાનું દેરાસર બનાવાશે

જૈનશાસનના ઇતિહાસમાં રેકોર્ડ બનવા જઇ રહેલા 77 મુમુક્ષુઓના દીક્ષા ગ્રહણ સમારોહ વેસુના બલર હાઉસ ખાતે રત્નત્રયી સમર્પણોત્સવ નામથી યોજાશે. દોઢ લાખ ચોરસફૂટના મેદાનમાં યોજાશે. 16 હજાર ફૂટનું લાકડાનું દેરાસર નિર્માણ કરવામાં આવશે. મહોત્સવમાં કુલ 50 હજારથી વધારે લોકો હાજર રહેશે જેમાં 14 હજાર લોકો દીક્ષાર્થી પરિવારના અને 10 હજાર જેટલામહેમાનો સુરત બહારથી પધારશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો