ચિંતાનો વિષયઃ હીરાવેપારમાં છેલ્લા 40 વર્ષમાં પહેલીવાર કારમી મંદીનો માહોલ, નવસારીમાં 300 પૈકી 200 હીરાના કારખાનાં હજુ બંધ

નવસારીના હિરા ઉદ્યોગમાં હિરાના કારખાના બંધ થવાને કારણે ઝાંખપ લાગી છે. નવસારીમાં 30 હજાર જેટલા રત્નકલાકારો આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે ત્યારે તેમની રોજીરોટીનો પ્રશ્ન પણ ઉભો થયો છે. નોટબંધી પછી આ ઉદ્યોગમાં ઝાંખપ આવતા હાલ નવસારીમાં 70 ટકા કારખાના બંધ છે, જેને પગલે હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક નાના વેપારીઓએ તો કારખાના શરૂ જ કર્યા નથી. વેપારીઓએ ટેક્સટાઈલ માર્કેટની માફક હિરા ઉદ્યોગ માટે પણ સરકાર કોઈ સબસિડી કે પેકેજ જાહેર કરે તેવી આશા લઈને બેઠા છે. ચાલુ દિવસોમાં જ્યાં 50 લાખની આસપાસનું રોજનું ટર્નઓવર થતું હતું ત્યાં આજે માંડ 20 લાખનું થઈ રહ્યું છે. વેપારીઓના જમાવ્યા પ્રમાણે છેલ્લા 40 વર્ષમાં આવી કારમી મંદી જોઈ નથી.

કારીગરોની પણ હવે તંગી વર્તાય રહી છે

નવસારીમાં 300થી વધુ નાના મોટા હિરાના કારખાનાઓ આવેલા છે. આ હિરાના કારખાનામાં અંદાજિત 30 હજારથી વધુ રત્નકલાકારો કામ કરી રોજીરોટી મેળવી રહ્યા છે. ખાસ કરીને નવસારીમાં રફને પોલીશ્ડ કરવાનું કામ થાય છે. દિવાળી વેકેશન પછી ધમધમવા માંડતા હિરાના કારખાના આજે પણ માંડ 30 ટકા કારખાના જ ખુલ્યા છે. જેમાં ગણ્યાગાંઠ્યાં રત્નકલાકારો કામ કરી રહ્યા છે. અચાનક જ આ ઉદ્યોગમાં મંદીનો માહોલ છવાયો છે. વેપારીઓના કહેવા પ્રમાણે ઈન્ટરનેશનલ માર્કેટમાં ડોલરના ભાવે કાચો માલ લેવો પડે છે, જેનુ પાછળથી યોગ્ય વળતર મળતું નથી. ઉપરાંત કારીગરોની પણ હવે તંગી વર્તાય રહી છે. મંદીના કારણે હવે રત્નકલાકારો પણ માદરે વતનથી પરત ફર્યા નથી, જ્યારે સ્થાનિક અન્ય ધંધા તરફ વળી ગયા છે. ઉપરાંત મોટા કારખાનાનું સ્થળાંતર પણ રત્નકલાકારોની બેકારીનું કારણ બની છે. નવસારી ડાયમંડ એસો.ના પ્રમુખ તથા તેમની ટીમે આ બાબતે નવસારીના સાંસદનું લેખિતમાં ધ્યાન દોર્યું છે છતાં તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.

દિવાળી બાદ કારખાના શરૂ નહીં થતાં અન્યત્ર નોકરી કરવાની ફરજ પાડી

નોટબંધી બાદ નવસારીના મહત્તમ હિરાનાં કારખાના બંધ થયા તે પછી દિવાળી વેકેશન અને મંદીનાં માહોલને લઈ કારખાના શરૂ ન થતા મારે પરિવારનાં ભરણપોષણ માટે અન્યત્ર સ્થળે નોકરી શોધવાની જરૂરિયાત ઉભી થઈ છે. હિરા ઉદ્યોગને તિલાંજલિ આપી ખાનગી કંપનીમાં જોબ કરી રહ્યો છું. કારખાના ક્યારે શરુ થશે તેનો હાલ કોઈ અંદાજ નથી. – દીપક વાઘ, રત્નકલાકાર, વિજલપોર

25 વર્ષ રત્નકલાકારનું કામ

25 વર્ષ રત્નકલાકાર તરીકે કામ કર્યા બાદ મંદી આવતા પહેલા દૈનિક 600નું કામ થતું ત્યારબાદ માત્ર 200નું કામ થતું હોય તે નોકરી છોડી દઈ કન્સ્ટ્રકશનમાં હાથ અજમાવ્યો હતો. તેમાં પણ મંદી આવી અને લોન ચૂકતે કરવા ચાર લાખની ખોટ ખાઈને મારું એક ઘર વેચવું પડ્યું. – કરસન જાદવ, બેકાર રત્ન કલાકાર, જલાલપોર

સરકારનું રાહત પેકેજ મળે તો જ હીરા ફરી ચમકી ઉઠે

અગાઉ દિવાળી પછી કારખાના શરૂ થવાની આશા બંધાઈ હતી પરંતુ તે હાલના તબક્કે શક્ય બન્યું નથી. હવે આગામી 1લી ડિસેમ્બર પછી કદાચ કારખાના ખુલે તેવું જણાઈ રહ્યું છે. જોકે હિરા ઉદ્યોગને બેઠો કરવા સરકારને રજૂઆત કરી છે. તે સીએમ અને પીએમ સુધી પહોંચે તો ટેક્સટાઈલ માફક હિરા ઉદ્યોગની ચમક પાછી ફરી શકે તેમ છે.- કમલેશ માલાણી, પ્રમુખ, નવસારી ડાયમંડ એસો.

કેન્દ્ર સરકારે 100 % મદદ કરવી જોઈએ

નવસારીને ડાયમંડ સિટી તરીકેની અલાયદી ઓળખ હિરા ઉદ્યોગ થકી જ મળી છે પરંતુ હવે તેની ચમક ઘટી છે. 40 વર્ષમાં પહેલીવાર આ વેપારમાં મંદીનો માહોલ છે. સરકારે 100 ટકા મદદ કરવી જોઈએ. જો તેમ થશે તો હજારો રત્નકલાકારો-વેપારીઓને મોટી રાહત થશે. લોકોના હિત માટે અને બેકારી દૂર કરવા પણ સરકારે તેમ કરવું જોઈએ. – રાજેન્દ્ર દેરાસરીયા, નવસારી ડાયમંડ એસો.ના માજી પ્રમુખ અને વેપારી

આ મુશ્કેલીઓ નડી રહી છે

જ્વેલરીમાં સિન્થેટીક હિરાને કારણે હિરા ઉદ્યોગની ખપત ઘટી છે. ઉપરાંત ડોલરના હિસાબે કાચો માલ ખરીદવો પડે છે. જેથી આર્થિક નુકસાન સહન કરવું પડે છે. કાચા માલની પ્રાઈઝ પણ ઊંચી છે. કુશળ કારીગરો સતત ઘટી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો