ધરમપુરના બે પટેલ ભાઈઓએ નહિવત ખાતર, નહિવત પાણી અને ઓછા ખર્ચે વધુ આવક આપતી ગલગોટાની ખેતી કરી

ધરમપુરના માકડબન ગામના બે શિક્ષિત યુવા ભાઈઓએ તહેવારો અને શુભપ્રસંગોમાં વધુ માંગ ધરાવતા ગલગોટાના ફૂલની સફળ ખેતીની સાથે કાકડીની ખેતી થકી વર્ષે લાખો રૂપિયાની આવક સુનિશ્ચિત કરી છે. ઓછી મેહનત, નહિવત પાણી, નહિવત ખાતર અને નહિવત રોગની ગલગોટાના ફૂલની જૈવિક ખેતી થકી બંને ભાઈઓએ ઓછા ખર્ચે વધુ ઉપજના સથવારે સારો એવો નફો મેળવવા તરફ પ્રયાણ કર્યું છે.

માકડબનના પટેલ ફળીયામાં MA b.ed સુધીના ઉચ્ચ અભ્યાસ ધરાવતા શિક્ષિત યુવાન જીજ્ઞેશ આર.પટેલ અને હર્ષલ આર.પટેલે તેમની 20 ગૂંઠા જમીનમાં નર્સરીમાંથી લેવાયેલા રોપા દીઠ રૂપિયા 3.5ના હિસાબે રૂપિયા 7700ની કિંમતના 2200 રોપાની ફેર રોપણી કરી છે. ઘરનું છાણીયુ ખાતર, નજીકના કોતરડામાંથી પાઇપલાઇનથી પાણી અને બંને ભાઈઓની જાતમેહનતને લઈ નજીવા રોકાણે લાખોની આવક સુનિશ્ચિત કરી છે.

વર્ષે આશરે રૂપિયા 3,20,000ની આવક ઉભી થવાની આશા ભાઈઓની જોડીએ વ્યકત કરી હતી. સાથે 20 ગૂંઠામાં કાકડીની ખેતી કરી વર્ષે અંદાજે રૂપિયા 2,10,000ની આવક સાથે કુલ વાર્ષિક રૂપિયા 4,30,000ની આવક મળવાની શક્યતા વ્યક્ત કરી હતી. સ્થળ ઉપર આવી માળીઓ, સ્થાનિકો ગલગોટાના ફૂલની.ખરીદી કરતા હોય છે.

ગલગોટાની ખેતીમાં આટલું વિશેષ ધ્યાન રાખો

ગલગોટાના છોડની ફેરરોપણીના 15થી20દિવસની વચ્ચે છોડ ઉપર આવતી પ્રથમ કળીને તોડી નાખવી. જેનાથી છોડના સારા વિકાસની સાથે શાખાઓ વધશે, કળી વધશે અને ફ્લાવરિંગ વધી શકે.

છોડ ઢળી નહીં પડે તે માટે છોડને લાકડીનો ટેકો આપવો

* પાકના જીવનકાળ દરમ્યાન બેથી ત્રણ વાર નિંદામણ કરવું.

* શિયાળામાં ફૂગ નહીં લાગે અને વધુ પિયતથી છોડને નુકશાન નહીં થાય તેમાટે દર 12થી15 દિવસે પાણી આપવું

* ઉનાળામાં જમીનના ભેજના હિસાબે અઠવાડિયામાં પાણી આપવું

* દર ચાર મહિનામાં નવા છોડની રોપણી કરવી
* છોડ પર જીવાત પડે તો જરૂરિયાત પ્રમાણે દવાનો છંટકાવ કરવો
* નિયમિત ફૂલ ચૂંટવાથી ઉત્પાદનની ક્ષમતા વધે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો