શ્રાવણ માસમાં કેળા ખાતા પહેલા ચેતજો, આરોગ્ય વિભાગે રાજકોટમાં જંતુનાશક દવા વડે પકવેલા 500 કિલો કેળાનો નાશ કર્યો

રાજકોટ શહેરમાં શ્રાવણ મહિનાનાં પહેલા દિવસે આરોગ્યના દરોડામાં 500 કિલો કેળા કેમિકલથી પકાવાતા હોવાનુ સામે આવ્યું હતું. જેથી આરોગ્યની ટીમે આ કેળા અખાધ હોવાનું જણાવી નાશ કર્યો હતો. શ્રાવણ માસમાં ફરાળમાં લોકો કેળા વધુ ખાતા હોય છે. પરંતુ તેમાં કેમિકલ નાખી પકવતા હોવાનું સામે આવ્યું છે. ચોમાસાને લઇ પાણીજન્ય રોગ અટકાવવા આજે દરોડાની કામગીરી હાથ ઘરવામાં આવી હતી.

કમિશ્ર્નર બંછાનિધિ પાનીની સુચનાથી આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ અને ફૂડ અધિકારીઓની ટીમે શ્રાવણ મહિનાના પ્રારંભે અને ચોમાસાને ધ્યાને રાખી ખોરાક તથા પાણીજન્ય રોગચાળો રોકવા ચેકીંગ ચાલુ રાખ્યું છે. ગઈકાલે તો નોન આલ્કોહોલીક બિયરમાંથી શરાબનું પ્રમાણ મળવાનો ચોંકાવનારી રિપોર્ટ જાહેર થયો હતો. તે અંગે કાયદેસર કાર્યવાહી શરૂ થઈ છે ત્યારે કેળા પકવવામાં કૌભાંડ ચાલી રહ્યાનું ખુલ્યું છે.

રૈયા રોડ પર અલ્કેશ્ર્વર મહાદેવ પાસે ન્યુ ભારત કોલ્ડ સ્ટોરેજ નામનું ફ્રુટના ધંધાર્થીનું ગોડાઉન આવેલ છે. આ જગ્યાએ બાતમીના આધારે ટીમે દરોડો પાડતા કેમીકલથી પકવેલા કેળાના કેરેટનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ કુલ માલ 500 કિલો જેટલો હતો જે તમામ તુરંત ટીપરવાનમાં નાખીને કચરા પેટી સુધી પહોંચાડી દેવામાં આવ્યો હતો.

જંતુનાશક દવા વડે પકવવામાં આવતા હતા કેળા

આ કેળા એમ.જે. ગ્રુપોન નામની દવાથી પકવવામાં આવતા હતા. જે દવા ખેતરમાં જંતુનાશક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આરોગ્ય અધિકારી ડો. રાઠોડે જણાવ્યું હતું કે એક રીતે આ કેળા ખાતા જ લોકોના પેટમાં દવા પ્રવેશે છે. તેમાં પણ પાણીથી ધોયા વગર ફ્રુટનું સેવન કરવામાં આવે તો જોખમ બમણું થઈ જાય છે. પેટમાં ચાંદા પડવાથી માંડી કેન્સર સુધીના જોખમ રહે છે. આ દવા એગ્રી પ્રોડકટની દુકાનમાં વેચાતી હોય છે જેનો ખાદ્યપદાર્થમાં ઉપયોગ કરવાનો હોતો નથી.

આવા ફ્રુટનો મોટાભાગે નાશ કરવાની જ કામગીરી અત્યાર સુધી કરાતી હતી પરંતુ ફુડ એકટ હેઠળ હવે કડક કાર્યવાહી કરવાની છે. કદાચ પહેલી વખત ફ્રુટનું સેમ્પલ લઈને વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે. ત્યાંથી રીપોર્ટ આવે એટલે કાયદેસર કાર્યવાહી કરવાના આકરા નિર્દેશ પણ ડો. રાઠોડે આપ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો